ઓફીસ સંભાળતા પહેલા ટ્રમ્પ એક્શનમાં; પુતિનને ફોન કરી યુક્રેન યુદ્ધ અંગે આ ચર્ચા કરી
વોશિંગ્ટન: યુએસ રાષ્ટ્રપતિ પદની ચુંટણીમાં રીપબ્લીકન પાર્ટીના ડોનાલ્ડ ટ્રમ્પ(Donald Trump) ની જીત થઇ છે. તેઓ જાન્યુઆરી 2025થી વ્હાઈટ હાઉસની ઓવલ ઓફીસ સંભાળશે, પરંતુ એ પહેલા ટ્રમ્પ એક્શન મોડમાં આવી ગયા છે. ટ્રમ્પે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન (Vladimir Putin) સાથે ફોન પર વાત કરી અને યુક્રેનમાં યુદ્ધ (Ukraine War) ખતમ કરવા સલાહ આપી, આ ઉપરાંત બંનેએ અન્ય વૈશ્વિક મુદ્દાઓ પર પણ ચર્ચા કરી.
રવિવારે જાહેર થયેલા એક મીડિયા રિપોર્ટમાં બંને નેતાઓની વાતચીત અંગે દાવો કરવામાં આવ્યો છે. આ ઉપરાંત એવો પણ દાવો કરવામાં આવ્યો કે તાજેતરની રાષ્ટ્રપતિની ચૂંટણી જીત્યા બાદ ટ્રમ્પે વિશ્વના 70 થી વધુ નેતાઓ સાથે વાત કરી છે. જેમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઈઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુનો સમાવેશ થાય છે.
Also Read- યુક્રેને રશિયા પર કર્યો ઘાતક હુમલો, રાજધાની મૉસ્કો પર છોડ્યા 34 ડ્રોન
અહેવાલમાં જણાવવામાં આવ્યું કે યુક્રેનની સરકારને રશિયા સાથેના કથિત કોલ અંગે જાણ કરવામાં આવી હતી. તેમણે આ અંગે કોઈ વાંધો વ્યક્ત કર્યો ન હતો. જો કે યુક્રેનના વિદેશ મંત્રાલયે આ વાતને નકારી કાઢી છે. તેમણે કહ્યું કે કિવને આ કોલ વિશે કોઈ પ્રારંભિક માહિતી આપવામાં આવી ન હતી અને અહેવાલને ખોટો ગણાવ્યો હતો.
નોંધનીય છે કે શુક્રવારે રશિયન અધિકારીઓએ પુષ્ટિ કરી કે પુતિન ટ્રમ્પ સાથે યુક્રેન અંગે ચર્ચા કરવા તૈયાર છે. જો કે, તેમણે એ પણ સ્પષ્ટ કર્યું કે આનો અર્થ એ નથી કે રશિયા તેની માંગ બદલવા માટે તૈયાર છે. રશિયા ઇચ્છે છે કે યુક્રેન નાટો(NATO)માં જોડાવાની તેની યોજના છોડી દે અને હાલમાં રશિયાના કબજામાં રહેલા ચાર પ્રદેશોને સોંપી દે.
પુતિન અને ટ્રમ્પ વચ્ચેના આ ટેલીફોનીક વાતચીતની સત્તાવાર પુષ્ટિ થઈ નથી.