ઉત્સવ

પ્રવાસી પંખીઓ માટે સ્વર્ગ સમાન શિયાળુ નિવાસસ્થાન – ગુજરાતની વિવિધ રામસર સાઈટ

ટ્રાવેલ પ્લસ -કૌશિક ઘેલાણી

ભારત દેશમાં વિવિધ સરોવરોમાં શિયાળા દરમ્યાન વિવિધ પક્ષીઓનો મેળાવડો જામે છે અને યાયાવર પક્ષીઓ પોતાનું નિવાસસ્થાન બનાવે છે. સેન્ટ્રલ ઍશિયન ફ્લાય વે એટલે કે પંખીઓના વિવિધ હાઈવેમાંના એક હાઈવેનો ઉપયોગ કરીને તેઓ છેક સાયબીરિયન પ્રાંતમાંથી ભારત દેશ આવે છે અને સુરક્ષિત શિયાળો પસાર કરીને ફરીથી પ્રવાસી માફક જ પોતાનાં વતનમાં પરત ઉડ્ડયન ભરે છે. કુદરતે તેઓને દિશા ઓળખની વિશિષ્ટ શક્તિ આપી છે કે તેઓ પોતાના માર્ગને વળગી રહે છે અને જે તે સ્થાન પર દર વર્ષે અચૂકપણે હાજરી નોંધાવે જ છે. ઈરાન ખાતે આવેલ રામસર શહેરમાં થયેલા પ્રવાસી પંખીઓનાં સંરક્ષણ માટેના ૧૯૭૧માં થયેલ ક્ધવેન્શન મુજબનાં ધારાધોરણો ધરાવતાં કુદરતી કે કૃત્રિમ જળાશયોના સમૂહને રામસર સાઈટ તરીકે જાહેર કરીને આંતરરાષ્ટ્રીય મહત્ત્વ આપવામાં આવે છે અને પંખીઓ માટે તેની જાળવણી કરવામાં આવે છે. આશરે ૧૩૦ કરતાં વધુ પ્રજાતિનાં યાયાવર પક્ષીઓને સાચવી શકે અને વિવિધ જાતના છોડ તથા કુદરતી વાતાવરણ પૂરું પાડે તેવા વિસ્તારને રામસર સાઈટમાં આવરી લેવામાં આવે છે. દુનિયાભરમાં વિવિધ સ્થળે જ્યાં જ્યાં પંખીઓ પસાર થતાં હોય, રોકાતાં હોય કે બ્રીડિંગ કરતા હોય એવી રામસર સાઈટ જાહેર કરાઈ છે અને ભારત દેશમાં આવી ૪૮ રામસર સાઇટ્સ આવેલી છે. ગુજરાતમાં જ આવી ૪ રામસર સાઈટ છે. 


Also read: નવા વર્ષે… નવી ટૅકનોલૉજી શું છે નવા આવિષ્કાર – અપડેટ ને એનિમેશન્સ? નવા વર્ષે… નવી ટૅકનોલૉજી


તાજેતરમાં જામનગર ખાતે આવેલ ખીજડિયા પક્ષી અભ્યારણ્યને રામસર સાઈટ તરીકે જાહેર કરવામાં આવ્યું છે. થોડા મહિનાઓ આગાઉ અમદાવાદ નજીક આવેલા થોળ પક્ષી અભ્યારણ્ય અને વડોદરા નજીક આવેલ વઢવાણા પક્ષી અભ્યારણ્યને પણ રામસર સાઈટ તરીકે જાહેર કરવામાં આવી જે પક્ષીપ્રેમીઓ માટે હરખની ઘડી કહી શકાય. આ પહેલાં માત્ર નળ સરોવર પક્ષી અભ્યારણ્ય જ રામસર સાઈટ હતી, પણ ગુજરાતના વિશાળ સમુદ્ર કિનારા, ખુલ્લાં ઘાસનાં મેદાનો અને વિશાળ મીઠાં પાણીનાં સરોવરો યાયાવર પક્ષીઓને મુક્ત વાતાવરણ અને સુરક્ષિત જીવન પૂરું પાડે છે, એ જ કારણોને લઈને વિશ્ર્વભરનાં પક્ષીઓ ગુજરાતાના મહેમાન બને છે. ખૂબ જ દુર્લભ કહી શકાય તેવાં પક્ષીઓ પણ ગુજરાતને પોતાનું ઘર બનાવે છે. ગુજરાતમાં આવેલ વિવિધ રામસર સાઇટ્સ વિષે ચર્ચા કરીશું.  

જામનગર નજીક આવેલ ખીજડિયા પક્ષી અભ્યારણ્ય યાયાવર પક્ષીઓ માટે ખૂબ જ માનીતું સ્થળ છે. અહીં એક તરફ મીઠા વરસાદી પાણીના સંગ્રહથી બનતું નાનાં નાનાં તળાવોનું વિશાળ સરોવર અને માટીનાં પાળાથી અલગ પડતું ખારાં પાણીનું વિશાળ જળ પ્વલીત ક્ષેત્ર છે. અહીં આશરે ૩૦૦ કરતાં પણ વધુ પક્ષીઓની વિવિધ જાતો દેખાઈ છે. જામનગરથી માત્ર ૧૨ કિમીના અંતરે આવેલ આ સ્થળ પર પક્ષી અભ્યાસુ લોકો પણ વિશ્ર્વભરમાંથી શિયાળો આવતાં જ દેખા દે છે. કચ્છના અખાતના દક્ષિણ કિનારે આવેલ હોઈ આ વિસ્તાર પક્ષીઓ માટે ખૂબ જ સરળ માઈગ્રેશન પૉઇન્ટ છે, ઈરાન-અફઘાનિસ્તાન, પાકિસ્તાન, મોંગોલિયા, રશિયા જેવા પ્રાંતના પક્ષીઓ અહીં મીઠાં પાણીનાં સરોવરોમાં પોતાનું આશ્રયસ્થાન બનાવે છે. ૧૯૮૪માં પક્ષીવિદ ડૉ. સલીમ અલીએ અહીં એક જ દિવસના સમયમાં ૧૦૪ જાતનાં પક્ષીઓને ઓળખી બતાવ્યાં હતાં. દર વર્ષે અહીં જલહંસ એટલે કે ઈન્ડિયન સ્કિમર આવે છે. તાજેતરમાં અહીં વર્ષો પછી મ્યુટ સ્વાન મહેમાન બન્યો જેણે જામનગરને વૈશ્ર્વિક ફલક પર મૂકી દીધું.


Also read: આ મંદિર વર્ષે એક વાર જ દર્શન માટે ખૂલે છે


પ્રવાસ આપણે કરી જાણીએ છીએ, પણ પક્ષીઓથી મોટો કોઈ પ્રવાસી જીવ નથી. આપણે માત્ર વિવિધ વિશ્ર્વને જોવા અને માણવા માટે પ્રવાસ કરીએ છીએ, પણ પક્ષીઓ તો પોતાના જીવનને ટકાવી રાખવાના સંઘર્ષના ભાગ રૂપે પ્રવાસ કરે છે. કેટલાક પક્ષીઓ સાઇબીરિયા પ્રાંતમાંથી, તો કેટલાક રશિયાની ઓબ નદીના ઠંડા વિસ્તારમાંથી, કેટલાંક જાપાન વિસ્તારમાંથી તો કેટલાક હિમાલયનાં અતિ ઠંડાગાર સરોવરોમાંથી પોતાનાં બચ્ચાઓને લઈને ખૂબ જ ઊંચી અને લાંબી મુસાફરી માટે ઉડાન ભરીને ગુજરાતનાં અલગ અલગ સરોવરોને સંઘર્ષના ભાગ રૂપે જીવનનો થોડા સમય માટે હિસ્સો બનાવે છે. ખીજડિયામાં હિમાલયના માનસરોવરથી રાજહંસોનું ટોળું, હિમાલયનાં સો-મોરીરીથી ભગવી સુરખાબ, આફ્રિકા અને સિંધ પ્રાંતમાંથી હંસોનું ટોળું, મધ્ય એશિયાના વિસ્તારોમાંથી ગુલાબી પેણ, સિંધ પ્રાંતમાંથી શિકારી પક્ષીઓ વગેરે અહીંયા ગમતું અને સુરક્ષિત વિશ્ર્વ મેળવી લે છે. અહીં ગુલાબી પેણનો હજારોનો સમૂહ, નાના અને મોટા હંસોનો સમૂહ, વિવિધ બતક, સમુદ્રી પક્ષીઓ ખીજડિયાને શિયાળામાં ગુંજતું કરી મૂકે છે. જામનગરનાં ખીજડિયાનાં અફાટ સૌંદર્યમાં મહાલતા મોટા અને નાનાં હંસ જ્યારે છીછરા પાણીમાં સમૂહમાં ખોરાક શોધતાં હોય ત્યારે ક્ષિતિજ પર સફેદ આકાર સ્પષ્ટ દેખાય, પણ જયારે આકાશને આંબવા ઉડાણ ભરે કે આખું આકાશ ગુલાબી રંગે રંગાઈ જાય. ગુજરાતનું રાજ્ય પક્ષી આમ મુક્તપણે વિહરતું હોય ત્યારે એને જોયા જ કરવાનું મન થાય, એકીટશે. 


Also read: ગાંધીબાપુનું ‘ટ્રિન ટ્રિન’  અનુપમ ખેરને! 


કુદરતના માહોલમાં રત થઈ જવાય એવા ડલ રંગોનાં કપડાં જેવા કે ઑલિવ ગ્રીન વગેરે પહેરીને પક્ષી દર્શનનો લાભ લઈ શકાય. ખીજડિયા સરોવરને સંપૂર્ણપણે શાંતિથી જોવા માટે સવારના છ વાગ્યાથી લઈને સૂર્યાસ્ત સુધીનો સમય જોઈશે જ. અહીં એક વૉચ ટાવર છે જેના પરથી પાણીમાં દૂર સુધી મહાલતાં પક્ષીઓની કરતબને શાંતિથી નિહાળી શકાય છે. અહીંના મુખ્ય ચેક લિસ્ટમાં રેડ ક્રેસ્ટેડ પોચાર્ડ, હેરિયર્સ, પાણીમાં શિકાર કરતી લિટલ ગ્રેબ, તળાવ વચ્ચે લાકડાં પર બેસેલું સ્નેકબર્ડ ડાર્ટર, બોઇંગ વિમાનની જેમ પાણી પર ઉતરાણ કરતાં પેલીક્ધસ, પાણીમાં ચાંચ ડુબાડીને કોઈ તરતી સ્ટીમર માફક ટોળામાં ખોરાક શોધતા ફ્લેમિન્ગોઝ, ઊંચે આકાશમાંથી પાણીમાં છલાંગ લગાવીને એક જ ઝાટકે માછલી પકડીને ઊડતું ઓસ્પ્રે, સફેદ રૂ જેવું મુલાયમ કૉટન પીગ્મી ગૂઝ, ઊડતાંવેંત જ સિસોટી મારતું લેસર વિસલિંગ ડક વગેરે વિવિધતમ સુંદર પક્ષીઓ અહીં માત્ર થોડા જ કલાકોમાં જોઈ શકાય. પંદરમી ઑક્ટોબરથી લઈને છેક ફેબ્રુઆરી મહિનાના અંત સુધી અહીં વિવિધ પક્ષીઓ જોઈ શકાય છે. 

ખીજડિયા બે ભાગમાં વહેંચાયેલું છે જેમાં એક વિસ્તારમાં સૂકાં ઘાસિયાં મેદાનો અને માનવસર્જિત માટીનાં પાળાથી બનેલા નાનાં નાનાં સરોવરોનો સમૂહ છે એટલે અહીં સાયબીરિયન સ્ટોનચેટ, વિવિધ જાતની લાર્ક જેવા નાનાં પક્ષીઓ આવે છે અને શિકાર માટે બાજ, શકરો, ગરુડ વગેરે આવે છે. કુદરતની આહાર શૃખલા સરળ રીતે જળવાઈ રહે એવી રચના અહીંના માનવસર્જિત સરોવરોમાં કુદરતી રીતે જ નિર્માણ પામી છે પરિણામે આજે જામનગરને આંતરરાષ્ટ્રીય સ્તરે નામના ધરાવતી રામસર સાઈટ મળી છે અને પંખીઓને વધારે સુરક્ષિત સ્થાન મળ્યું છે. ખીજડિયાના બીજા ભાગમાં વરસાદી પાણીના સંગ્રહથી બનતાં સરોવરોનો સમૂહ છે જ્યાં પાણીમાં વસતાં વિવિધ પક્ષીઓની કરતબો નિહાળવા માટેની શ્રેષ્ઠ જગ્યા છે. સાંજના સમયે અહીં બેસીને સરસ રીતે પક્ષી નિરીક્ષણ કરી શકાય છે. અહીં જંગલી બિલ્લીઓ પણ અલગ જ અંદાજમાં જોવા મળે છે. બીજા ભાગમાં ગાડી લઈને જઈ શકાય છે. પહેલા ભાગમાં ચાલતાં જ પક્ષી નિરીક્ષણ કરી શકાય છે. પહેલા ભાગમાં જવાનો શ્રેષ્ઠ સમય વહેલી સવારનો જ છે, જ્યારે સાંજના સમયે બીજા ભાગમાં પક્ષી નિરીક્ષણ કરી શકાય છે. અહીં બુકિંગ વિન્ડો પરથી સરળ રીતે ટિકિટ મેળવીને અભ્યારણ્યની મુલાકાત લઈ શકાય છે.


Also read: કોઈ માટે સુખનો પાસવર્ડ બનવાની કોશિશ કરીએ નવા વર્ષના સંક્લ્પો


સાથે દૂરબીન હશે તો સોને પે સુહાગા. વનવિભાગને વિનંતી કરવાથી અહીં દૂરબીન પણ મેળવી શકાય છે. પક્ષી નિરીક્ષણ સમયે વિવિધરંગી કપડાં ના પહેરતાં જંગલનાં વાતાવરણને અનૂરૂપ પોશાક પહેરવો હિતાવહ છે. કોઈ પણ જાતની અકુદરતી સુગંઘ કે પરફ્યુમ પણ પક્ષીઓની વર્તણૂકને ખલેલ પહોંચાડે છે માટે અમુક બાબતોમાં સજાગ બનીને બાળકો સાથે પક્ષી નિરીક્ષણ કરીએ અને બાળકોને પણ નિસર્ગ સાથે મહાલવાની આદત પાડીએ તો રામસરની સિદ્ધિ જરૂર સાર્થક ગણાશે.  બાળકોને નેશનલ જ્યોગ્રાફિક ચેનલનો અદ્દલ સાચો અનુભવ પ્રકૃતિ વિશ્ર્વમાં વિહરીને જ આપી શકાય. અહીં તેઓ દેશમાં આવતા વિદેશી મહેમાનોથી માહિતગાર થશે અને વન્યસૃષ્ટિ તથા પ્રકૃતિ પ્રત્યે સંવેદના આપોઆપ જાગશે. માત્ર બાળકો જ નહિ, પણ મોટેરાઓ પણ પક્ષીદર્શનનો શોખ આ રીતે જ કેળવી શકે છે. પક્ષીઓના મુક્ત વિશ્ર્વમાં એક વાર ડૂબકી લગાવ્યા પછી આ વિશ્ર્વને જાણવાની જિજ્ઞાસા આપોઆપ સહુને પક્ષી અભ્યારણ્ય ક્ષેત્રોમાં ખેંચી જશે જ.


Also read: વિશ્વમાં વધી રહી છે ફુલોની ખેતી ભારત કંઈ રીતે ઉઠાવશે ફાયદો?


સામાન્ય રીતે આપણે દયા દૃષ્ટિ દાખવનારા લોકો છીએ, પણ અજાણતાં આપણે પક્ષીઓ સાથે અન્યાય કરી બેસીએ છીએ. યાયાવર પક્ષીઓની શારીરિક રચના અને પાચનતંત્ર તેમને લાંબું ઊડવા માટે પૂરતી તાકાત આપે એવી હોય છે અને તેઓનો ખોરાક પણ એ રીતે જ હોય છે. સામાન્ય રીતે તેઓ માંસાહાર કે માછલીઓ પર નભતાં હોય છે, પણ આપણે તેઓને આપણો ખોરાક જેવા કે ગાંઠિયા વગેરે આપીને તેઓનું પાચનતંત્ર ખોરવી મૂકીએ છીએ અને તેઓની મૂળ આહાર પદ્ધતિથી એમને વિખૂટાં પાડી મૂકીએ છીએ. જરાક સજાગ અને સંવેદનશીલ બનીએ તો આ નિર્દોષ અને સુંદર મહેમાનોને આપણે હંમેશાં મહાલતાં જોઈ શકીશું.                                                             

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button