સુરતમાં તાપીમાંથી મળી ગુમ થયેલી યુવતીની લાશ; પરિવાર અર્થી લઈને પહોંચ્યો પોલીસ સ્ટેશન…
![Body of girl found in Tapi in Surat](/wp-content/uploads/2024/11/Body-of-girl-found-in-Tapi-.webp)
સુરત: સુરતના કાપોદ્રા વિસ્તારમાંથી રહેતી 20 વર્ષીય યુવતી આજથી બે દિવસ પહેલા રહસ્યમય રીતે ગાયબ થઈ હતી. જ્યારે આજે તાપી નદીમાંથી તેનો મૃતદેહ મળી આવ્યો છે. પરિવારને શંકા છે કે યુવતી જોડે કોઈ અઘટિત ઘટના બની છે, આથી ભારે રોષ સાથે પરિવારજનો અને સમાજના લોકો મોટી સંખ્યામાં મૃતદેહ લઈ કાપોદ્રા પોલીસ મથકે પહોંચ્યા હતા અને ન્યાયની માંગ કરી હતી. જ્યાં પોલીસે સમજાવટથી તટસ્થ તપાસની ખાતરી આપ્યા બાદ મામલો થાળે પાડ્યો હતો.
આ પણ વાંચો : Valsad માં ઉમરગામ જીઆઇડીસીમાં ફેક્ટરીમાં મોડી રાત્રે ભીષણ આગ, કોઇ જાનહાનિ નહિ
પ્રાપ્ત વિગતો અનુસાર સુરતના કાપોદ્રા વિસ્તારમાં રહેતા એક પરિવારની 20 વર્ષીય યુવતી આજથી બે દિવસ પહેલા 8 નવેમ્બરના રોજ રહસ્યમય રીતે પોતાના ઘરની બહાર જતી રહી હતી. જે મોડે સુધી ઘરે પરત ફરી ન હતી, આથી પરિવાર દ્વારા તેની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. જે બાદ બીજા દિવશે યુવતીનો તાપી નદીમાંથી તરતો મૃતદેહ મળી આવ્યો હતો. ઘટનાની જાણકારી મળતા કાપોદ્રા પોલીસ સ્થળ પર પહોંચી ગઈ હતી અને મૃતદેહને પીએમ અર્થે સુરત સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પીએમ રિપોર્ટમાં યુવતીનું મોત ડૂબવાથી થયું હોવાનું પ્રાથમિક તારણ તબીબોએ જણાવ્યું હતું. જે બાદ કાપોદ્રા પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી હતી.
યુવતીના મૃતદેહ નદીમાંથી મળી આવતા યુવાન દીકરી સાથે દુષ્કર્મમાં આચરવામાં આવ્યું કે કોઇ અઘટિત ઘટના બની હોવાની શંકા પરિવાર દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. પરિવાર અને સમાજના લોકો ભારે રોષની લાગણી સાથે યુવતીની અર્થી લઈને કાપોદ્રા પોલીસ સ્ટેશને પહોંચી ગયા હતા અને ન્યાયની માંગણી કરી હતી. જ્યાં પોલીસે તટસ્થ તપાસની ખાતરી આપતા સમગ્ર મામલો થાળે પડ્યો હતો.