ગુરુ નાનક જયંતી પર્વે પાકિસ્તાને 3000થી વધુ શીખ શ્રદ્ધાળુઓને આપ્યા વિઝા
નવી દિલ્હી: પાકિસ્તાન હાઈ કમિશને ભારતના 3000 થી વધુ શીખ શ્રદ્ધાળુઓને વિઝા આપ્યા છે. પાકિસ્તાન હાઈ કમિશને સોશિયલ મીડિયા હેન્ડલ X પર પોસ્ટ કરીને આ બાબતની જાણકારી આપી છે. ગુરુ નાનક જયંતિ નિમિત્તે પાકિસ્તાનમાં યોજાનારી ભવ્ય ઉજવણીમાં આ શ્રદ્ધાળુઓ ભાગ લેશે. આ સમારોહ 14 થી 23 નવેમ્બર 2024 સુધી ચાલશે.
આ પણ વાંચો: આમ આદમી પક્ષ પણ રમે છે હિંદુ કાર્ડઃ ગુરુનાનક જયંતીએ જાહેર કરી મોટી યોજના
આ પ્રસંગે પ્રભારી રાજદૂત સાદ અહેમદ વરાઈચે ખુશી વ્યક્ત કરી હતી અને યાત્રાળુઓને સફળ યાત્રાની શુભેચ્છાઓ પણ પાઠવી હતી. પાકિસ્તાન સરકાર દ્વારા અમેરિકન ડોલર સાથે લાવવાની સલાહને કારણે ઘણા શ્રદ્ધાળુઓ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. બીજી તરફ, પાકિસ્તાન દ્વારા ખરેખર કેટલા વિઝા આપવામાં આવ્યા છે તે અંગે ભારત સરકાર તરફથી કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી.
શીખ ધર્મના સ્થાપક ગુરુ નાનક દેવજીના જન્મદિવસની યાદમાં દર વર્ષે કારતક મહિનાની પૂર્ણિમાના દિવસે ગુરુ નાનક જયંતિ ઉજવવામાં આવે છે. આ વર્ષે ગુરુ નાનક જયંતિ 15 નવેમ્બર, શુક્રવારે ઉજવવામાં આવશે. પાકિસ્તાનની મુલાકાતે આવતા ભારતીય શીખ શ્રદ્ધાળુઓ ડેરા સાહિબ, પંજા સાહિબ, નનકાના સાહિબ અને કરતારપુર સાહિબની મુલાકાત લેશે.
આ પણ વાંચો: ગુરુનાનક જયંતી સંસારમાં રહીને પણ ભગવદ્ ભક્તિ થઇ શકે છે
અગાઉ પાકિસ્તાન હાઈ કમિશને નનકાના સાહિબની યાત્રા માટે અરજી કરનારા 2,244 શીખ તીર્થયાત્રીઓમાંથી 1,481ને વિઝા આપવાનો ઇનકાર કર્યો હતો. શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક સમિતિના અધ્યક્ષ હરજિન્દર સિંહ ધામીએ કહ્યું કે આટલી મોટી સંખ્યામાં વિઝાનો અસ્વીકાર અત્યંત દુઃખદ છે અને તેનાથી શીખોની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચી છે. હવે પાકિસ્તાને 3000 અરજદારો માટે વિઝા જારી કર્યા છે.