ભારત સામેની પહેલી ટેસ્ટમાં આ નવો બૅટર રમશે ઓપનિંગમાં, ઑસ્ટ્રેલિયાએ જાહેર કરી ટીમ…
પર્થઃ આગામી બાવીસમી નવેમ્બરે પર્થમાં શરૂ થનારી પ્રથમ ટેસ્ટ માટે ઑસ્ટ્રેલિયાએ ટીમ જાહેર કરી છે અને એમાં ખાસ કરીને પચીસ વર્ષના નવા બૅટિંગ-ઑલરાઉન્ડર નૅથન મૅકસ્વીનીનો સમાવેશ કરવામાં આવ્યો છે. મૅકસ્વીનીને ઓપનિંગ બૅટર તરીકેની જવાબદારી સોંપાશે અને તે ઉસમાન ખ્વાજા સાથે ભારત સામેના દાવની શરૂઆત કરશે.
આ પણ વાંચો : આઇસીસીએ ચેમ્પિયન્સ ટ્રોફી પહેલાંની મોટી ઇવેન્ટ રદ કરી, શું હવે મુખ્ય ટૂર્નામેન્ટ પણ…
જ્યોર્જ બેઇલીના અધ્યક્ષસ્થાનમાં યોજાયેલી મીટિંગમાં સિલેક્ટરોએ 13 ખેલાડીઓની ટીમ જાહેર કરી હતી જેમાં પર્થની ટેસ્ટ માટેના અગિયાર ખેલાડીઓ લગભગ નક્કી છે, કારણકે 13માંથી બે પ્લેયર એવા છે જેમને રિઝર્વ પ્લેયર તરીકે સ્ક્વૉડમાં સમાવવામાં આવ્યા છે. એ પ્લેયર છે, ફાસ્ટ બોલર સ્કૉટ બૉલેન્ડ અને વિકેટકીપર-બૅટર જૉશ ઇંગ્લિસ.
ઓપનર મૅકસ્વીની તાજેતરમાં ઇન્ડિયા `એ’ સામેની બિનસત્તાવાર ટેસ્ટમાં સારું નહોતો રમ્યો. તેણે એ ટેસ્ટમાં 14 તથા પચીસ રન બનાવ્યા હતા. જોકે માર્કસ હૅરિસ તેમ જ કૅમેરન બૅન્ક્રૉફ્ટ તથા સૅમ કૉન્સ્ટાસના સ્થાને તેને સ્પેશિયાલિસ્ટ ઓપનિંગ બૅટર તરીકે પસંદ કરવામાં આવ્યો છે. મૅકસ્વીની એકેય ઇન્ટરનૅશનલ મૅચ નથી રમ્યો અને પર્થમાં તે ભારત સામે રમીને ડેબ્યૂ કરશે.
મૅકસ્વીની ક્વીન્સલૅન્ડનો છે અને તે માર્નસ લાબુશેનના હાથ નીચે તૈયાર થયો છે. મૅકસ્વીનીએ ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં 34 મૅચમાં છ સદીની મદદથી 38.16ની સરેરાશે 2,252 રન બનાવ્યા છે. તે છેલ્લા બે વર્ષમાં શેફીલ્ડ શીલ્ડ ટૂર્નામેન્ટમાં સારું રમ્યો હોવાથી ઓપનર તરીકે તેના પર કળશ ઢોળવામાં આવ્યો છે. ડેવિડ વૉર્નર અને રિકી પૉન્ટિંગે સિલેક્ટર્સને મૅકસ્વીનીના નામની ભલામણ કરી હતી.
આ પણ વાંચો : કેન્દ્ર સરકારે પાકિસ્તાનના પ્રવાસ વિશે બીસીસીઆઇને કહી દીધું કે…
ઑસ્ટ્રેલિયાની ટેસ્ટ ટીમઃ પૅટ કમિન્સ (કૅપ્ટન), નૅથન મૅકસ્વીની, ઉસમાન ખ્વાજા, ઍલેક્સ કૅરી (વિકેટકીપર), ટ્રેવિસ હેડ, સ્ટીવ સ્મિથ, માર્નસ લાબુશેન, જૉશ ઇંગ્લિસ (વિકેટકીપર), જૉશ હૅઝલવુડ, નૅથન લાયન, મિચલ માર્શ, મિચલ સ્ટાર્ક અને સ્કૉટ બૉલેન્ડ.
ભારત-ઑસ્ટ્રેલિયા ટેસ્ટ સિરીઝનું ટાઈમટેબલ
1 | પ્રથમ ટેસ્ટ | 22-26 નવેમ્બર | પર્થ | સવારે 7.50 વાગ્યાથી |
2 | બીજી ટેસ્ટ | 6-10 ડિસેમ્બર | ઍડિલેઇડ | સવારે 9.30 વાગ્યાથી |
3 | ત્રીજી ટેસ્ટ | 14-18 ડિસેમ્બર | બ્રિસ્બેન | સવારે 5.50 વાગ્યાથી |
4 | ચોથી ટેસ્ટ | 26-30 ડિસેમ્બર | મેલબર્ન | સવારે 5.00 વાગ્યાથી |
5 | પાંચમી ટેસ્ટ | 3-7 જાન્યુઆરી | સિડની | સવારે 5.00 વાગ્યાથી |