ખાલિસ્તાની આતંકી અર્શદીપ સિંહની કેનેડામાં ધરપકડ; ભારતમાં છે વોન્ટેડ
ઓટ્ટાવા: ખાલિસ્તાની આતંકવાદી અર્શદીપ સિંહ ઉર્ફે અર્શ ડાલાની કેનેડામાં ધરપકડ કરવામાં આવી છે. ગયા મહિને પાડોશી દેશમાં થયેલા ગોળીબારના સંબંધમાં સ્થાનિક પોલીસે અર્શની ધરપકડ કરી છે. અર્શ ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરના નજીકનો પણ માનવામાં આવે છે. ગયા વર્ષે કેનેડામાં નિજ્જરની હત્યા કરવામાં આવી હતી, ત્યારબાદ ભારત અને કેનેડાના સંબંધો બગડ્યા હતા.
સૂત્રોના જણાવ્યા અનુસાર ભારતીય સુરક્ષા એજન્સીએ પણ કેનેડામાં અર્શ ડાલાની ધરપકડની પુષ્ટિ કરી છે. તેના પર 27 અને 28 ઓક્ટોબરે મિલ્ટન શહેરમાં થયેલા ગોળીબારને લઈને ગંભીર આરોપો લાગ્યા છે. કેનેડાની હેલ્ટન રિજનલ પોલીસ સર્વિસ દ્વારા આ કેસની તપાસ કરવામાં આવી રહી છે, ત્યારબાદ હવે અર્શની ધરપકડ કરવામાં આવી છે. અર્શદીપ વિરુદ્ધ ભારતમાં પણ ઘણા કેસ નોંધાયેલા છે. તે ભારતમાં અનેક ગુનાહિત કેસોમાં વોન્ટેડ છે. હાલમાં તેની પત્ની સાથે કેનેડામાં રહે છે.
આપણ વાંચો: ખાલિસ્તાની આતંકવાદી પન્નુને રાહુલ ગાંધીની શીખો અંગેની ટિપ્પણીને સમર્થન આપ્યું…
ભારત કેનેડાના સબંધો ખરાબ:
હરદીપ સિંહ નિજ્જરની હત્યા અંગે કેનેડાના આરોપો બાદ છેલ્લા કેટલાક મહિનામાં ભારત અને કેનેડા વચ્ચેના સંબંધો ખૂબ જ નીચલા સ્તરે છે. 18 જૂન, 2023ના રોજ, બ્રિટિશ કોલંબિયામાં ગુરુદ્વારાના પાર્કિંગમાં નિજ્જરની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ પછી કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ સંસદમાં ભારત પર ગંભીર આરોપો લગાવ્યા હતા. જોકે, કેનેડાએ ક્યારેય પુરાવા આપ્યા નથી અને ભારતે શરૂઆતથી જ આ આરોપોને ફગાવી દીધા છે.