રોહિત પર ગાવસકરે ટિપ્પણી કરી જેના પરની ફિન્ચની પ્રતિક્રિયા માટે રિતિકાએ બતાવ્યું ‘સૅલ્યૂટ’નું ઇમોજી, જાણો શા માટે…
નવી દિલ્હીઃ ઑસ્ટ્રેલિયામાં આગામી બાવીસમી નવેમ્બરે ભારતની પાંચ મૅચવાળી ટેસ્ટ-સિરીઝ શરૂ થવાની છે, પરંતુ રોહિત શર્માની પત્ની રિતિકા બીજા બાળકને જન્મ આપવાની તૈયારીમાં હોવાથી રોહિત કદાચ પહેલી ટેસ્ટમાં નથી રમવાનો અને એ કારણસર તે ઑસ્ટ્રેલિયા મોડો જવાનો છે.
થોડા દિવસ પહેલાં બૅટિંગ-લેજન્ડ સુનીલ ગાવસકરે ટિપ્પણી કરી હતી કે રોહિત જો ઑસ્ટ્રેલિયામાં પહેલી ટેસ્ટ ન રમવાનો હોય તો પછીથી તેણે (કૅપ્ટન તરીકે નહીં, પણ) માત્ર ખેલાડી તરીકે જ ટીમ સાથે જોડાવું જોઈએ. જોકે આ કમેન્ટ પર ઑસ્ટ્રેલિયન ક્રિકેટ આરૉન ફિન્ચે એક પ્રતિક્રિયા આપી છે જે રિતિકાને ખૂબ વ્યાજબી અને પસંદ પડી ગઈ અને તેણે એક્સ (ટ્વિટર) પર ફિન્ચને રિપ્લાયમાં પસૅલ્યૂટ’નો સંકેત આપતું ઇમોજી બતાવીને ગાવસકરને સીધો સંદેશ આપી દીધો હતો.
ગાવસકરે ખેલકૂદ પરના એક ટૉક-શોમાં જણાવ્યું હતું કે ‘ચીફ સિલેક્ટર અજિત આગરકરે રોહિતને કહી દેવું જોઈએ કે તારે અંગત કારણસર આરામ કરવો હોય તો ભલે કરી લે, પણ જો ઑસ્ટ્રેલિયા ખાતેની ટૂરમાં તું બે/તૃત્યાંશ જેટલું ન રમી શકવાનો હોય તો પછીથી તારે માત્ર ખેલાડી તરીકે જ ટીમ સાથે જોડાવું જોઈએ અને આ આખી ટૂર માટે અમે વાઇસ-કૅપ્ટનને કૅપ્ટન બનાવી દઈશું.’
ગાવસકરે ટૉક-શોમાં રોહિત વિશે એવું પણ કહ્યું કે ‘અહીં ન્યૂ ઝીલૅન્ડ સામે ભારતીય ટીમ 0-3થી હારી ગઈ એ જોતાં હવે પછીની સિરીઝની બાબતમાં સ્પષ્ટ અભિગમ હોવો જરૂરી છે. ટીમ સાથે લીડર તો હોવો જ જોઈએ.’
આપણ વાંચો: Rohit Sharma’s wife Ritika trolled : રોહિતની પત્ની રિતિકાની ગાઝા પટ્ટીના લોકો પ્રત્યે કૂણી લાગણી?
જોકે આરૉન ફિન્ચ એક જાણીતી ક્રિકેટ વેબસાઇટ સાથેની વાતચીતમાં ગાવસકરની આ ટિપ્પણીઓ સાથે સહમત નહોતો. ફિન્ચે કમેન્ટમાં લખ્યું, ‘ગાવસકરે જે કંઈ કહ્યું એ સાથે હું સંપૂર્ણપણે અસહમત છું. ભારતીય ટીમનો મુખ્ય કૅપ્ટન રોહિત શર્મા જ છે. પત્ની ગર્ભવતી હોય અને જો તે તેની પડખે રહેવા માગતો હોય તો એમાં ખોટું શું છે? એ તો ખૂબ સારો સમય કહેવાય. આવા સંજોગોમાં તેની પડખે રહેવા બને એટલો સમય તેને આપવો જોઈએ.’
રિતિકાએ ફિન્ચની કમેન્ટ વાંચીને પોતાની પોસ્ટમાં તેને ‘સલામ’નો સંકેત આપતું ઇમાજી બતાવ્યું હતું. આવો સંકેત આપીને રિતિકાએ ગાવસકરને પણ સ્પષ્ટ સંદેશ આપી દીધો હતો.
ભારતીય ટીમ ઑસ્ટ્રેલિયામાં પાંચ ટેસ્ટ રમશે. જો રોહિત શર્મા સિરીઝની પ્રથમ ટેસ્ટ નહીં રમે તો વાઇસ-કૅપ્ટન જસપ્રીત બુમરાહ ટીમનું સુકાન સંભાળશે. પહેલી ટેસ્ટ 22-26 નવેમ્બર દરમ્યાન પર્થમાં રમાશે. ભારતીય ટીમ તાજેતરમાં જ ઘરઆંગણે ન્યૂ ઝીલૅન્ડ સામે 0-3થી સિરીઝ હાર્યું છે અને હવે ઑસ્ટ્રેલિયામાં શ્રેણી જીતવાનું ભારતીય ટીમ તથા કોચિંગ-સ્ટાફ પર પર પ્રચંડ પ્રેશર રહેશે.