અફઘાન નાગરિક અમિતાભ બચ્ચન! તાલિબાનની પોસ્ટથી ચાહકો મૂકાયા મૂંઝવણમાં
બોલિવૂડના શહેનશાહ અમિતાભ બચ્ચનને આ બિરુદ આમ જ નથી આપવામાં આવ્યું. અભિનેતાના ચાહકો માત્ર દેશમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં ફેલાયેલા છે. અમિતાભ બચ્ચનનો જેવો ક્રેઝ ભારતીય ચાહકોમાં જોવા મળશે તેટલો જ ક્રેઝ દુનિયાના ખૂણે ખૂણે વસતા તેમના ચાહકોમાં જોવા મળશે, પરંતુ શું તમે જાણો છો કે અમારી અને તમારી જેમ તાલિબાન પણ અમિતાભ બચ્ચનના મોટા ફેન છે? જો તમને આ સાંભળીને થોડું અજુગતું લાગી રહ્યું છે, તો ચાલો ઇમે તમને જણાવીએ કે શું છે સમગ્ર મામલો-
તાજેતરમાં, તાલિબાન જનસંપર્ક વિભાગે તેના X હેન્ડલ પર અભિનેતા અમિતાભ બચ્ચનની પ્રશંસા કરતી એક પોસ્ટ કરી હતી. પોતાની પોસ્ટમાં તેમણે અમિતાભ બચ્ચનની એક્ટિંગ અને વ્યક્તિત્વના વખાણ કર્યા હતા. આ પોસ્ટમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે વર્ષ 1980માં અમિતાભ બચ્ચનને અફઘાન નાગરિકતા આપવામાં આવી હતી.
તાલિબાન જનસંપર્ક વિભાગ તેના X હેન્ડલ પર લખે છે, “અમિતાભ બચ્ચન એક ભારતીય અભિનેતા અને એક મેનલી માણસ છે જે અફઘાનિસ્તાનમાં ખૂબ જ પસંદ કરવામાં આવે છે. બહુ ઓછા લોકો જાણે છે કે તે માનદ અફઘાન નાગરિક છે. જ્યારે તેઓ 1980ના દાયકામાં આપણા ગૌરવશાળી દેશની મુલાકાતે આવ્યા ત્યારે રાષ્ટ્રપતિ નજીબુલ્લાએ તેમને આ વિશેષ સન્માન આપ્યું હતું.
આ પોસ્ટથી, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર હલચલ મચી ગઈ છે. આ પોસ્ટ પર ફેન્સ અલગ-અલગ પ્રકારના રિએક્શન આપી રહ્યા છે. ઘણા ચાહકોએ તાલિબાનના આ એકાઉન્ટને નકલી ગણાવ્યું છે તો ઘણા ચાહકો તેના પર રમુજી ટિપ્પણીઓ કરી રહ્યા છે. જો કે, અવારનવાર પોતાની ટ્વીટ અને પોસ્ટથી સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતા અમિતાભ બચ્ચને હજુ સુધી આ અંગે કોઈ પ્રતિક્રિયા આપી નથી.