સૅમસન આજે પણ સેન્ચુરી ફટકારશે એટલે આ નવો વર્લ્ડ રેકૉર્ડ તેના નામે…
કેબેહા (પોર્ટ એલિઝાબેથ): ઓપનિંગ બૅટર અને વિકેટકીપર સંજુ સૅમસને શુક્રવારે સાઉથ આફ્રિકા સામે સિરીઝની પ્રથમ ટી-20 મૅચમાં 50 બૉલમાં 10 સિકસર અને સાત ફોરની મદદથી મૅચ-વિનિંગ 107 રન બનાવ્યા હતા. એ સાથે તે સતત બીજી ટી-20 આંતરરાષ્ટ્રીય સદી ફટકારનાર ભારતનો પહેલો ખેલાડી બન્યો હતો.
જો સૅમસન આજે પણ સેન્ચુરી ફટકારશે તો ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાં એકધારી ત્રણ મૅચમાં સદી (હૅટ-ટ્રિક સેન્ચુરી) નોંધાવનાર વિશ્વનો પહેલો ખેલાડી બનશે. આ નવો અને બહુ મોટો વર્લ્ડ રેકૉર્ડ કહેવાશે.
ભારત-સાઉથ આફ્રિકા વચ્ચેની બીજી ટી-20 આજે (સાંજે 07:30 વાગ્યાથી) કેબેહામાં રમાશે. ભારત સિરીઝમાં 1-0થી આગળ છે.
સૅમસનની જેમ ઇંગ્લેન્ડનો ફિલ સૉલ્ટ, સાઉથ આફ્રિકાનો રાઇલી રોસોઉ અને ફ્રાન્સનો ગુસ્તાવ મેક્યોન પણ ઉપરાઉપરી બે ટી-20માં સેન્ચુરી ફટકારી ચૂક્યો છે. જોકે હજુ સુધી ટી-20 ઇન્ટરનેશનલના 20 વર્ષના ઇતિહાસમાં કોઈ પણ ઇન્ટરનેશનલ ખેલાડી સતત ત્રણ ટી-20માં સેન્ચુરી નથી ફટકારી શક્યો. સૅમસન આજે 100 રન પૂરા કરશે તો લાગલગાટ ત્રણ ટી-20માં સેન્ચુરી ફટકારવાનો મોટો વિશ્વ વિક્રમ તેના નામે લખાઈ જશે.
Also Read – ટીમ ઇન્ડિયાને આજે પોતાના જ વર્લ્ડ રેકોર્ડની બરાબરી કરવાનો મોકો
2024ની સાલમાં સૅમસનનો ટી-20માં સ્ટ્રાઇક-રેટ 180.66 છે જે 300 કે વધુ રન બનાવી ચૂકેલા મુખ્ય ક્રિકેટ-રાષ્ટ્રોના ખેલાડીઓમાં હાઈએસ્ટ છે.
ઉલ્લેખનીય છે કે રિષભ પંત ભારતનો મુખ્ય વિકેટકીપર-બૅટર છે. બીજી બાજુ, સંજુ સૅમસને ટીમમાં સ્થાન જાળવી રાખવા ભવિષ્યમાં જિતેશ શર્મા, ધ્રુવ જુરેલ, કેએલ રાહુલ સાથેની હરીફાઈનો સામનો કરવો પડશે. જોકે હાલમાં તો સૅમસન ટીમ ઇન્ડિયાની ટી-20 ટીમમાં એકદમ ફિટ છે.