ઉત્સવ

ભાઈ – બહેનના પુનર્મિલનમાં ‘મુંબઈ સમાચાર’ નિમિત્ત બન્યું

સ્પોટ લાઈટ -મહેશ્વરી

 એ પહેલા રવિવાર (૨૭/૧૦/૨૦૨૪)નો હપ્તો પ્રગટ થયા પછી બનેલા એક ‘ચમત્કાર’ (એક ચોખવટ – એમાં કોઈ અંધશ્રદ્ધાની વાત નથી. કેવળ અણધારી ઘટનાની વાત છે) વિશે વાત કરવી છે. જોગેશ્ર્વરીનું મારું ઘર ત્યજી મેં દહિસર રહેતા ભાઈના ઘરે આશરો લીધા પછી એવી ઘટનાઓ બની કે નાનો ભાઈ ઘર છોડી નીકળી બીજે રહેવા જતો રહ્યો હતો. આજે એ વાતને ૪૨ વર્ષના વહાણાં વીતી ગયા. આટલા વર્ષોમાં અમે ક્યારેય નથી મળ્યા કે નથી કોઈ પ્રકારના ખબરઅંતર અમે એકબીજાને પૂછ્યા. દિવાળી પહેલા પ્રગટ થયેલા હપ્તાના દિવસે એટલે કે રવિવાર, ૨૭ ઓક્ટોબરે ‘ચમત્કાર’ થયો. 

મહારાષ્ટ્રના દરિયાઈ કાંઠા વિસ્તાર કોંકણમાં રહેતો એ મારો ભાઈ ચાર દાયકા પછી ભાભીને લઈ મને મળવા ઘરે આવ્યો. માજણ્યો ભાઈ મળે ત્યારે બહેન કેવી ને કેટલી રાજી થાય એ કહેવા માટે શબ્દો પણ ટૂંકા પડે. બોરીવલીમાં રહેતી એની દીકરીને મળવા આવ્યો ત્યાંથી મને ફોન કરી જણાવ્યું કે ‘બહેન, તને હું મળવા આવું છું.’ હું તો અવાચક થઈ ગઈ. બે ઘડી મારા કાન પર વિશ્ર્વાસ ન બેઠો, પણ પછી આંખો સામે ભાઈ હાજર થયો અને.. અને તમે નહીં માનો, પણ અમે તરત તો કશું બોલી જ ન શક્યા. બંનેની આંખો એકબીજાને હરખથી નીરખી રહી હતી. મારા અંગત પરિચયના એક પતિ – પત્નીને આ વાત કરી તો પત્નીએ મને કહ્યું કે ’ભાઈ માટેની તમારી લાગણીની ટેલિપથી થઈ અને ભાઈ તમને મળવા આવ્યો. સાવ સાચી વાત. ભાઈ – બહેનના સંબંધમાં બનાવ – અણબનાવ થાય, પણ અંતે તો સ્નેહની સરવાણી જ વહેતી હોય છે.


Also read: હસો, હસવાના છે અગણિત ફાયદા


૪૨ વર્ષ પછી ભાઈ – બહેનનો મેળાપ થયો એમાં ‘મુંબઈ સમાચાર’ નિમિત્ત બન્યું એ માટે અખબારનો, એના તંત્રી અને માલિકનો હું આભાર માનું એટલો ઓછો છે. ભાઈ બીજ પહેલા જ મને ભાઈ બીજની અનન્ય ભેટ મળી ગઈ. અંગત જીવનમાં મને કોઈ આર્થિક સંકડામણ નથી, પણ ૮૨ વર્ષની ઢળતી ઉંમરે જીવનમાં આર્થિક નિરાંત સાથે સ્નેહની – સધિયારાની અપેક્ષા હોય છે. ભાઈના અણધાર્યા મેળાપથી એ મને મળી એને હું ‘ચમત્કાર’ ગણું છું. પાછલી ઉંમરે જીવનમાં આવી ક્ષણો અનોખું બળ પૂરું પાડતા હોય છે. આ આનંદની, સુખની ક્ષણો ‘મુંબઈ સમાચાર’ના વાચકો સાથે શેર કરવાની ઈચ્છા હું રોકી ન શકી.

હવે આપણે દિવાળી પહેલાના હપ્તાની વાત આગળ વધારીએ. નાનો ભાઈ ઘર છોડી જતા રહ્યા બાદ મારાથી નાનો પણ બે ભાઈમાં મોટો ભાઈ અને ભાભી હું સત્વરે ચાલતી પકડું 

એવું ઈચ્છતા હતા એ હું સમજી ગઈ. જોકે, હું વ્યવસ્થા કરું ત્યાં સુધી મને ઘરમાં રહેવા દેવા એ તૈયાર થયો એ માટે રાહત આપનારી વાત હતી. પણ, ‘બીજી વ્યવસ્થા’ કરવાના વિચાર મને ઘેરી વળ્યા હોવાથી રાત આખી પડખા ઘસીને કાઢી. માંડ માંડ પોપચાં ઢળ્યા ત્યાં સવાર પડી અને આળસ ખંખેરી સીધી પહોંચી વિલે પાર્લેમાં વિનુભાઈના ઘરે. જ્યોતિ બહેનને મારી દશા વિગતે જણાવી અને કહ્યું કે પ્લીઝ, મને કોઈ ભાડાના ઘરની વ્યવસ્થા કરી આપો, તાબડતોબ. વિનુભાઈ અને જ્યોતિ 

બહેને તાત્કાલિક તપાસ કરી તરત જ પાર્લે ઈસ્ટમાં હનુમાન રોડ પર વઝે પરિવારના ઘરે ગોઠવણ કરી આપી. આજે ખબર નથી, પણ એ સમયે (૧૯૮૦ના દાયકામાં) પાર્લે ઈસ્ટમાં અને ખાસ કરીને હનુમાન રોડ પર મહારાષ્ટ્રીયન પરિવાર ખાસ્સી સંખ્યામાં રહેતા હતા. વઝે પરિવારે ૧૦ હજાર રૂપિયા ડિપોઝીટ લઈ મને પેઈંગ ગેસ્ટ તરીકે રાખી લીધી. સરસામાન અને બાળકોને લઈ દહિસરના ભાઈના ઘરેથી હું નીકળી ગઈ.


Also read: ગામડામાં જ નહીં, હવે તો શહેરોમાં પણ ઉગાડવામાં આવે છે ફળ ને શાકભાજીઓ


ઘરથી બેઘર થઈ પણ બેકાર નહોતી થઈ એ ઇશ્ર્વરની મોટી કૃપા. નાટકોમાં નિયમિત કામ મળી રહ્યું હતું. જોકે, રહેવાની વ્યવસ્થા બહુ જલદી થઈ ગઈ એનો હરખ ઝાઝો સમય ટક્યો નહીં. વઝે ધણી – ધણિયાણીએ જોયું કે આ સ્ત્રી એકલી છે. પતિ નથી અને બાળકો નાના છે. થોડા દિવસ વીત્યા અને બંને વચ્ચે નાના મોટા ઝઘડા થવા લાગ્યા. મને માનસિક ત્રાસ થવા લાગ્યો. દહિસરમાં ભાઈ ભાભીએ હડસેલો માર્યા પછી હાશકારો અનુભવતી હતી ત્યાં મારી નવી કસોટી શરૂ થઈ. આ બધું ચલાવી લેવા સિવાય છૂટકો જ નહોતો. મહિનો – દોઢ મહિનો થયો ત્યાં મિસ્ટર વઝેએ બોમ્બ ફોડ્યો અને  મને કહ્યું કે ‘તમે ઘર ખાલી કરો.’ મેં કહ્યું તમે માગી એ ડિપોઝીટ આપી, ભાડા માટે પણ રક્ઝક નથી કરી તો પછી ઘર ખાલી કરવા કેમ કહો છો? તો કહેવા લાગ્યા કે ‘અત્યારે મારી મા મારી બહેનને ત્યાં રહે છે. એને મારે અહીં રાખવાની છે.’ કારણ એવું આપ્યું કે હું દલીલ કરી શકું એમ જ નહોતી. એટલે મેં એમને કહ્યું કે મારા ડિપોઝીટના પૈસા પાછા આપો એટલે મહિનો પૂરો થતા હું જતી રહીશ. મિસ્ટર વઝે વિચિત્ર નીકળ્યા. ડિપોઝીટ પરત કરવાનું નામ ન લે અને હું બેગ બિસ્તરા ક્યારે બાંધું છું એની રાહ જોયા કરે. મેં તો નક્કી જ કર્યું હતું કે ડિપોઝીટના પૈસા હાથમાં ન આવે ત્યાં સુધી ઘરમાંથી નીકળવું નહીં.  

મિસ્ટર વઝે સમજી ગયા કે આ બહેન ડિપોઝીટની રકમ લીધા વિના તો ઘર નહીં જ છોડે. એટલે એક દિવસ કકળીને કહેવા લાગ્યા કે ‘મારી માને કેન્સર છે. દીકરાના ઘરમાં જ અંતિમ શ્ર્વાસ લેવાની એની અંતિમ ઈચ્છા છે.’ એમ કહી માને ઘરે લઈ આવ્યા અને મને જે હોલ આપ્યો હતો ત્યાં જ ખાટલો નાખી માને સુવડાવી. વૃદ્ધ માતા અને કેન્સરની દર્દી હોય તો કોઈના પણ હૃદયમાં દયા – કરુણા જાગે. મેં અને મારી મોટી દીકરીએ વઝેનાં માતુશ્રીની અમારાથી થઈ એટલી ચાકરી કરી. પાર્લેના ઘરમાંથી નીકળવાની તલવાર માથે તોળાતી હતી એટલે સાન્તાક્રુઝ સેનેટોરિયમમાં રહેવાની વ્યવસ્થા માટે અરજી કરી દીધી હતી. છેવટે એક દિવસ મિસ્ટર વઝેએ મને નવ હજાર રૂપિયા આપ્યા અને હું ને મારા બાળકો ગયા સાંતાક્રુઝ રહેવા. જોગેશ્ર્વરીથી દહિસર પછી દહિસરથી વિલેપાર્લે અને ત્યાંથી પહોંચી સાંતાક્રુઝ. મારો રઝળપાટ ચાલુ હતો. 


Also read: ડોનલ્ડ ટ્રમ્પની જીત અમેરિકનોની ખરી માનસિકતા છતી થઈ ગઈ  છે !


મુંબઈ વિશે કહેવાય છે કે અહીં રોટલો મળી જાય પણ ઓટલો ના મળે. નાટકોમાં કામ તો મળી જ રહ્યું હતું અને એટલે રોટલાની  ચિંતા નહોતી. અને મારી પાસે ઓટલો હતો એ હું મારી મરજીથી છોડી આવી હતી. સેનેટોરિયમમાં રહેવા તો મળી ગયું પણ આ નવો ભાડાનો ઓટલો છોડવાનો દિવસ ક્યારે મારી સામે આવીને ઊભો રહેશે એ હું નહોતી જાણતી. વારે ઘડીએ ઘર બદલવા પડી રહ્યા હોવાથી મારા બાળકોને તકલીફ થઈ રહી હતી. હું થાકી ગઈ હતી, પણ ડગમગી નહોતી ગઈ.      

કોમેડી ને ફિલ્મી ડાન્સને વન્સમોર 

૧૯૫૦ના દાયકામાં ગુજરાતમાં નાની નાની નાટક મંડળીઓ મોટા શહેરોમાં નહીં, પણ નાનકડાં નગરો અને ગામડાઓમાં નાટકો કરવા પર ધ્યાન આપી રહી હતી. નાની જગ્યાએ શો કરવાનો એ લાભ એ હતો કે ખર્ચ ઓછો આવતો. આ કંપનીઓ ચોમાસાના ચાર મહિના બંધ થઈ જતી. જોકે, નાટક મંડળીઓ સામે બીજા પડકાર હતા. એક તો કોમિક કર્ટન તો રાખવો જ પડે. લોકોને મનોરંજન તો જોઈએ જ. એમાં બહુ મુશ્કેલી ન પડતી. લેખકની સશક્ત કલમ અને એક નટ હોય એટલે એ વ્યવસ્થા થઈ જતી. મોટો પડકાર એ હતો કે નાના ગામની વસ્તી પાતળી હોય. એટલે એક શોમાં જ આખું ગામ નાટક જોઈ લે. બીજે દિવસે એ જ નાટકનો શો રાખે તો કોઈ જોવા ન આવે. એટલે દરરોજ રાત્રે નવું નાટક ભજવવું પડે.


Also read: ડ્રીમ સિનેમાસ્કોપ -પ્રકરણ -૧૨


સતત નવી તૈયારી કરવી પડતી હોવાથી બધા નટને પોતાના સંવાદ કે સિચ્યુએશન યાદ ન રહે એ સ્વાભાવિક કહેવાય. એટલે પ્રોમ્પટિંગ કરવું પડે જેને કારણે રસક્ષતિ થવાનો સંભવ રહેતો. સાધનોની ખેંચતાણ હોવાથી એક નાટકના પડદા અને ક્યારેક તો એક નાટકના ડ્રેસ બીજા નાટકમાં વાપરવા પડતા. ગામડાના અભણ પ્રેક્ષકો કંટાળી ન જાય એ માટે ફિલ્મી ગીતો પર કોઈ નર્તકી પાસે ડાન્સ પણ કરાવવા પડતા. મજા તો એ વાતની થાય કે નાટકની કથા કરતા કોમિક કર્ટન અને ફિલ્મી ડાન્સને વન્સમોર મળતા અને એ નાટકના પ્લસ પોઇન્ટ કહેવાય. આ અને બીજી કેટલીક અછતનો સામનો કરી શો મસ્ટ ગો ઓનના નાતે ભજવણી ચાલુ રહેતી. (સંકલન)                                                                                    

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button