સમૃદ્ધ ગુજરાત સરકારનો આવો કારભાર? હજારો કર્મચારીઓની દિવાળી પગાર વિના જ ગઈ
અમદાવાદઃ વાતે વાતે વિકાસની વાતો કરતી ગુજરાત સરકાર કર્મચારીઓને સમયસર પગાર પણ ચૂકવી શકતી નથી. એક અહેવાલ પ્રમાણે સરકારે પાલિકાઓના કર્મચારીઓને બે ત્રણ મહિનાથી પગાર ચૂકવ્યો નથી અને તેમણે દિવાળી પગારની રાહમાં જ વિતાવવી પડી છે.
સામાન્ય રીતે દિવાળીનો પગાર એડવાન્સમાં ચૂકવવામાં આવે છે, પરંતુ ગુજરાતના 157 નગરપાલીકાના કર્મચારીઓને ઓગસ્ટ, સપ્ટેમ્બર, નવેમ્બરથી પગાર ચૂકવાયો નથી. કેટલીક પાલીકામાં તો જૂન, જુલાઈથી પગાર ચૂકવાયો નથી. ત્યારે ચીફ ઓફિસર સહિત કલાર્કથી લઈને સફાઈ કર્મચારીઓ પગારની રાહ જોઈને બેઠા છે.
આ પાલિકાઓમાં વિરમગામ, ધોળકા, ઈડર, પ્રંતિજ, તલોદ, જંબુસર, ડબોઈ, બોટાદ, ગઢડા, બારેજા, બાવળા, મહેસાણા, ઉંઝા,વિજાપુર સહિતની ઘણી નગરપાલિકા એવી છે કે જ્યાં કાયમી કે કોન્ટ્રાક્ટ પર કામ કરતા લોકોને પગાર ચૂકવાયોને નથી. પોરબંદર નગરપાલિકામાં પણ ત્રણ મહિનાથી પગાર ન થયો હોવાનું અહેવાલ જણાવે છે.
ગુજરાતમાં નગરપાલિકાઓમાં કુલ મળીને 2500થી વધુ કર્મચારીઓ પગારની રાહ જોઈને બેઠા છે. રાજ્યમાં કેટલાક શહેરોમાં સફાઈથી માંડીને સ્ટ્રીટલાઈટ, પાણીની સુવિધા નિયમિત રીતે આપવામાં આવે છે. પણ કર્મચારીઓને પગાર આપવામાં અનિયમિતતા દાખવવામાં આવી રહી છે. રાજ્યની ઘણી મહાનગરપાલિકાઓ આર્થિક ભીંસમાં હોવાના અહેવાલો આવતા જ રહે છે.
અગાઉ પાલિકાઓએ લાખોના વીજબિલ ન ભર્યા હોવાથી અંધારપટની સ્થિતિ નિર્માણ થઈ હતી.