અંજારમાં નીમકોટેડ યુરિયા ઝડપાવાના કેસમાં આખરે નોંધાઈ ફરિયાદ…
ભુજ: અંજાર તાલુકાના લાખાપર ગામ નજીકથી ગત 14મી ઓક્ટોબરના રોજ સબસીડાઈઝ નીમકોટેડ યુરિયાની 80 બોરી ભરીને જતી બોલેરો જીપકારને ખેડૂતો દ્વારા ઝડપી પાડવાના બનાવમાં જૂનાગઢની લેબમાં મોકલેલાં સેમ્પલના આધારે અંજારના ખેતી અધિકારી ચંદુલાલ માળીએ બોલેરોના ચાલક અને તેના માલિક વિરુદ્ધ આધાર-પૂરાવા વગરનું સબસીડાઈઝ યુરિયા ખેતીના બદલે અન્ય હેતુથી લઈ જતાં હોવાની ફરિયાદ નોંધાવી છે.
આ પણ વાંચો : Ahmedabad માં આદિવાસી વનૌષધિય પ્રદર્શન અને વેચાણ મેળાનું આયોજન, 133 વૈદુભગતો આપશે સારવાર
ભચાઉના ભવાનીપુરના જીપ માલિક ચંદ્રેશ પ્રભુલાલ ઠક્કરે ભચાઉના પ્રકાશ પટેલ નામના શખ્સે આપેલી વર્ધી મુજબ, નીમ કોટેડ યુરિયાનો જથ્થો ગુણાતીતપુરના જાડેજા ફાર્મથી મેળવ્યો હતો. ભીમાસર પહોંચ્યા બાદ વાહન ચાલક તરસંગજી રણવાડિયાએ જીપ માલિકને ફોન કરવાનો હતો. પરંતુ, તેમની જીપને કૃત્રિમ અછતથી ત્રસ્ત થઇ ગયેલા ખેડૂતોએ જ પકડી પાડી હતી. પોલીસે તે સમયે ભચાઉમાંથી ચંદ્રેશના ઘરેથી વધુ 27 યુરિયાની ગુણી જપ્ત કરી હતી. પોલીસની તપાસમાં પ્રાથમિક તબક્કે બહાર આવ્યું હતું કે, બંદરીય માંડવી તાલુકાના ગઢશીશા સહકારી સંઘના નીકુંજ ઓઝાએ આ ગુણીઓ તેના ભાગીદાર એવા પ્રકાશ પટેલને મોકલાવી હતી અને આ ગુણીઓ ભીમાસરની જાણીતી પ્લાયવુડ બનાવતી કંપનીમાં ઠાલવવાનો હતો.
આ પણ વાંચો : અંજારમાં નિઃસંતાન દંપતીના ઘરમાંથી પરિચિત મહિલાએ ચોર્યાં ૯.૩૦ લાખના ઘરેણાં !
વિધિવત્ ફરિયાદ નોંધાયા બાદ અંજાર પીઆઈ એ.આર. ગોહિલે હવે તરસંગજી રણવાડિયા, પ્રકાશ પટેલ અને નીકુંજ ઓઝાને અટકમાં લઇ ખેડૂતોના હક્કના રાસાયણિક ખાતરમાં લાંબા સમયથી ચાલતાં ગોરખધંધાનો મૂળથી પર્દાફાશ કરવા તજવીજ હાથ ધરી છે.
આ પણ વાંચો : ગાંધીધામમાં રેલવેકર્મીના બંધ ઘરમાંથી 6.64 લાખની તસ્કરી
અત્રે ઉલ્લેખનીય છે કે, કૃતિમ ખામીથી ખાતરની અછત સર્જાય છે આથી ખેડૂતો યુરિયા ખાતર મેળવવા માટે એક-એક કિલોમીટર લાંબી લાઈનો લગાવી રહ્યા છે અને લાચાર ખેડૂતોને કૃત્રિમ નેનો યુરિયાની બાટલીઓ પરાણે લેવાની ફરજ પડાવાઈ રહી છે. ખેતીવાડી વિભાગની મિલિભગતથી કચ્છમાં સબસીડાઈઝ્ડ નીમ કોટેડ યુરિયાનો બિન્ધાસ્ત રીતે ઔદ્યોગિક એકમોમાં વપરાશ થઇ રહ્યો હોવાના વર્ષો જૂનો આરોપ આ બનાવ પરથી જાણે સાચો પડ્યો છે.