નીરજ ચોપડાએ ભાલાફેંકના વિશ્વવિક્રમીને બનાવ્યા કોચ, કારણ જાણવા જેવા છે…
નવી દિલ્હીઃ ભાલાફેંકમાં ઑલિમ્પિક ગેમ્સના બે મોટા મેડલ (એક ગોલ્ડ અને એક સિલ્વર) જીતી ચૂકેલા ભારતના નીરજ ચોપડાએ આ રમતમાં વર્ષોથી વિશ્વવિક્રમ ધરાવનાર ચેક રિપબ્લિકના યૅન ઝેલેન્ઝીને પોતાના કોચ બનાવીને બહુ મોટો તેમ જ પ્રોત્સાહક નિર્ણય લીધો છે. નીરજ વર્ષોથી ભાલાફેંકમાં 90 મીટરનું વિઘ્ન પાર કરવા માગે છે, પણ સફળ નથી થઈ શક્તો. બીજી બાજુ, નીરજને કોચિંગ આપવાનું પોતાને સૌથી વધુ ગમશે એવું ખુદ ઝેલેન્ઝીએ એક મુલાકાતમાં કહ્યું છે.
આ પણ વાંચો: ડાયમંડ લીગમાં નીરજ ચોપડાને કેમ સિલ્વર મેડલ ન અપાયો?
2023ની સાલમાં ભાલાફેંકના પુરુષ ઍથ્લીટોમાં વર્લ્ડ નંબર-વનની રૅન્ક મેળવનાર નીરજ ભાલો વધુમાં વધુ 89.94 મીટર દૂર ફેંકી શક્યો છે. તેણે 90 મીટરનું વિઘ્ન પાર કરવા અનેક વાર પ્રયત્ન કર્યો, પરંતુ એમાં તેને સફળતા નથી મળી રહી. બીજી બાજુ, ઝેલેન્ઝીના નામે 98.48 મીટરનો વર્લ્ડ રેકૉર્ડ છે અને આ વિશ્વવિક્રમ તેમણે 1996માં રચ્યો હતો. 28 વર્ષમાં તેમનો એ રેકૉર્ડ કોઈ તોડી નથી શક્યું.
26 વર્ષીય નીરજ ચોપડા ભારતીય લશ્કરમાં સુબેદાર મેજરનો હોદ્દો ધરાવે છે. 2021ની ટોક્યો ઑલિમ્પિક્સમાં ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ ભારતીય તરીકેનું શ્રેય મેળવનાર નીરજ ચોપડાને 2024ની પૅરિસ ઑલિમ્પિક્સમાં ભાલો માત્ર 89.45 મીટર દૂર ફેંકવા બદલ તેને સિલ્વર મેડલ જીતવા મળ્યો હતો. એ સ્પર્ધામાં પાકિસ્તાનના અર્શદ નદીમે બે વખત ભાલો 90 મીટરથી પણ વધુ દૂર ફેંક્યો હતો અને 92.97 મીટરના સર્વશ્રેષ્ઠ અંતર બદલ તેણે ગોલ્ડ મેડલ જીતી લીધો હતો.
આ પણ વાંચો: હવે ‘જુનિયર નીરજ ચોપડા’ ભારતને મેડલ અપાવવા તત્પર છે
નીરજે શનિવારે પીટીઆઇને જણાવ્યું હતું કે હું નાનપણથી ઝેલેન્ઝીનો પ્રશંસક છું. તેમના પર્ફોર્મન્સીઝના વિડિયો જોઈને જ હું મોટો થયો છું અને મારી સફળતામાં તેમનું બહુ મોટું યોગદાન છે. તેમને મારા કોચ બનાવી શક્યો એ મારા માટે બહુ મોટું ગૌરવ છે.' ઝેલેન્ઝી 58 વર્ષના છે. તેમના કોચિંગમાં વધુ ક્ષમતા મેળવીને અને વધુ કાબેલ બનીને નીરજ ચોપડા 90 મીટરનું વિઘ્ન પાર કરવા મક્કમ છે. બીજી તરફ, ઝેલેન્ઝીએ ઇન્ટરવ્યૂમાં કહ્યું છે,
નીરજમાં હજી ઘણું સારું પર્ફોર્મ કરવાની ક્ષમતા છે એટલે તેને કોચિંગ આપવાનું મને ખૂબ ગમશે. વર્ષો પહેલાં મેં કહેલું કે ભાલાફેંકની બાબતમાં નીરજમાં બહુ સારી ટૅલન્ટ છે. તેની કરીઅરની શરૂઆતમાં મેં તેને એક ઇવેન્ટમાં પર્ફોર્મ કરતો જોયો ત્યારે જ મને ખ્યાલ આવી ગયો હતો કે તેનામાં સારામાં સારા પરિણામ આપવાની ક્ષમતા છે. મેં કોઈને ત્યારે કહ્યું હતું કે હું મારા દેશ ચેક રિપબ્લિકની બહારના કોઈ ઍથ્લીટને કોચિંગ આપવાનો નિર્ણય લઈશ તો નીરજ મારી પહેલી પસંદગી હશે. તે ઘણો યુવાન છે અને પર્ફોર્મન્સમાં ઘણો સુધારો કરી શકે એમ છે. આ રમતમાં તેણે જે પ્રગતિ કરી છે એ જોતાં મને ખાતરી છે કે અમુક ટેક્નિકલ ખામીઓ દૂર થાય તો તે મોટી ચૅમ્પિયનશિપમાં સર્વોત્તમ સ્થાન હાંસલ કરી શકે એમ છે.’
ઝેલેન્ઝી હાલમાં પોતાના દેશ ચેક રિપબ્લિકના ઍથ્લીટ અને ઑલિમ્પિક્સના બ્રૉન્ઝ-મેડલિસ્ટ વિટેઝલાવ વેસેલીને કોચિંગ આપે છે. તેઓ પોતાના જ રાષ્ટ્રના યાકુબ વાડલેચને અને ત્રણ વખત વર્લ્ડ ચૅમ્પિયન બનવા ઉપરાંત બે વાર ઑલિમ્પિક્સનો ગોલ્ડ જીતી ચૂકેલી ચેક રિપબ્લિકની બાર્બોરા સ્પૉતાકોવાને કોચિંગ આપી ચૂક્યા છે.