દિવાળી ગઇ, દેવાળું દેતી ગઇ
શરદ જોશી સ્પીકિંગ – સંજય છેલ
તહેવારોમાં લોકો સારું લગાડવા માટે મીઠી મીઠી શુભેચ્છાઓ દીધે રાખે છે. એક જમાનામાં દિવાળીની શુભેચ્છાઓ દેવા લિસ્સા લિસ્સા ગ્રિટિંગકાર્ડ મોકલી આપતા ને હવે મોબાઇલ પર મેસેજો ઠાલવે રાખે છે કે આપની દિવાળી મંગલમય હો પણ એ લોકોને ખબર નથી કે દિવાળીને ‘મંગલમય’ બનાવવાના ચક્કરમાં સામાન્ય માણસની હાલત કેવી ‘અમંગલ’ થઇ જતી હોય છે! કેટકેટલું તેલ બાળીને અને કેટલા ફટાકડાઓ ફોડીને, કરોડો રૂપિયાનો ધુમાડો કરીને આપણો દેશ, દિવાળીને માંડ માંડ મંગલમય બનાવે છે.
Also read: પાણી-પુરવઠાના વહીવટ માટેનું અનેરૂ મકાન
તહેવારો આપણી મહાન પરંપરા છે, પણ મોટેભાગમાં બધાંનાં સૂરમાં સૂર પૂરાવા જેવી દેખાદેખીની વાત છે. અંગ્રેજીમાં એક કહેવત છે, ‘કીપિંગ અપ વિથ જોન્સેસ’, એનો અર્થ એ છે કે પાડોશમાં રહેતું ‘જોન્સ પરિવાર’ જે રીતે પ્રગતિ કરી રહ્યું છે એની સરખામણી કે બરોબરી કરવામાં આપણે આખું જીવન ઢસરડા કરવામાં વિતાવી નાખીએ છીએ. દિવાળીમાં પણ એવી જ મીઠી મૂંઝવણ છે કે આપણો પાડોશી જે કરી રહ્યો છે, આપણે એટલું જ નહીં પણ એના કરતાં વધારે સારુંં કંઇક કરવું પડશે.
એ લોકો જેટલા ફટાકડાઓ ફોડીને જેટલા અવાજો કરી રહ્યા છે આપણે એના કરતાં ડબલ ફટકડા ફોડીને મોટા આવજો કરી મૂકવાના છે, એ લોકો જેટલા દીવા સળગાવે આપણે એના કરતાં ૪ દીવા વધારે પ્રગટાવવાના છે. દિવાળીના દિવસે આપણી પત્નીઓએ સૌથી મોંઘી સાડી પહેરીને પાડોશીની પત્નીએ જે મોંઘી સાડી પહેરી છે એના કરતાં ૪ ડિગ્રી વધારે સુંદર દેખાવાનું છે. કંપલસરી!
દિવાળી વિચિત્ર સ્પર્ધાનો તહેવાર બની ગયો છે. મોહલ્લામાં જે માણસ પૈસા ખર્ચીને દિવાળીને આ
રીતે ‘મંગલમય’ નથી બનાવતો, લોકો એની નિંદા
કરે છે ને અપમાનની નજરે એની સામે હસીને મલકે છે. સ્ત્રીઓ ઘરેણાંથી લદાયેલી છે ને આખો દેશ નવા કપડાં પહેરીને મીઠાઈઓ પેટમાં ઠૂંસી રહ્યો છે. દિવાળીના દિવસે કોઈ પણ આપણી પ્રજાને જોઈને એમ ન કહી શકે કે ભારતીયોમાં પ્રોટીન ને વિટામિનની કમી છે.
આપણાં દિવાળીના ખર્ચાઓનું લિસ્ટ જેમાં-ઘરને કલર કરાવવાથી માંડી નવું ઝાડું કે સોનાનાં દાગીના ખરીદવાના કે ઘેરઘેર મીઠાઈઓ વહેંચવા સુધીનો ખરચો હોય છે. એ જોતાં મને તો નથી લાગતું કે આમને આમ હવે એ સીધાંસાદા પ્રામાણિક માણસનો તહેવાર રહી શકશે. સવારથી રાત સુધી બોમ્બના મોટા ધડાકા સંભળાય છે અને દસ દસ હજારની લૂમ ફોડવામાં આવે છે. આ બધું આગળ જતાં બ્લેક-મની વિના શક્ય જ નથી થાય.
આ બધું જોઇને સ્વયં લક્ષ્મીજી તો મૂંઝવણમાં પડી જ ગયા હશે ને સાથે સાથે આપણે પણ મૂંઝવણમાં છીએ. ગામડાની ખેતીની આસપાસની સંસ્કૃતિનાં જમાનાની વાત અલગ હતી. એ વખતે આખા વર્ષની મુખ્ય ખરીદી દશેરા અને દિવાળી પર જ થતી. હવે તો આખું વર્ષ રોજ જ ઘણી બધી ખરીદી થાય છે.
આપણાંમાં એક નવું ને વિશાળ ખરીદી કલ્ચર કે ગ્રાહક સંસ્કૃતિ પેદા થઈ ગઇ છે, જેમાં માણસને સામે જે મળે કે જેને જુએ એને તરત જ ખરીદવા માંડવાનું અને સતત કંઈકને કંઈક ખરીદતા રહેવું. ધંધાબજાર, શૅરબજાર કે પૈસાબજારમાં ભલે મંદી હોય કે નહીં છતાં પણ દિવાળીની બજારોમાં હજુ યે ભીડ એટલીને એટલી જ હોય છે. એકરીતે દેખાદેખીનાં દોગલા અર્થશાસ્ત્રએ દિવાળીને પૈસા વેડફવાનો તહેવાર બનાવી નાખ્યો છે. ઇન શોર્ટ, આપણી દિવાળીને ‘શુભ’ બનાવવાની લહાયમાં, બજારોને ‘લાભ’ કરાવીએ છીએ.
Also read: ઓળખી લો, આવા છે આ વિક્રમવીર ડોનલ્ડ ‘ધ તોફાની’ ટ્રમ્પ….!
મંગલમય દિવાળીની વધતી માંગ જોઈને લાગે છે કે હવે આવતી સદીની દિવાળી માટે બચત કરવાનું શરૂ કરી દેવું જોઈએ. નહીં તો સાહેબ મોહલ્લાામાં મોઢું બતાવવા લાયક નહીં રહીએ. આપણું નાક કપાઇ જશે.
ચલો, ફરી પાછા ‘હેપ્પી દિવાળી’ની શુભેચ્છાઓ પાઠવતા મેસેજ તો આવી જ ગયા છે સાથે સાથે મીઠાઈના ને સુકામેવાના બોક્સ, ગિફ્ટ્સ વગેરે પણ આવી જ ગયા છે. વાહ ભાઈ વાહ, આપણી પવિત્ર અને નિર્દોષ દિવાળીને મંગલમય બનાવવા લોકો કેટલો ખર્ચ કરી રહ્યા છે?