પાણી-પુરવઠાના વહીવટ માટેનું અનેરૂ મકાન
સ્થાપત્યનું વાઈ-ફાઈ – હેમંત વાળા
સામાન્ય રીતે એમ માનવામાં આવે છે કે સરકારી મકાનો ‘બોરિંગ’ હોય. એમાં પણ જ્યારે સ્થાનિક મ્યુનિસિપાલિટીનું મકાન હોય ત્યારે તો તેમાં કલાત્મકતા ભાગ્યે જ જોવા મળે. આ પ્રકારના મકાનો માત્ર માળખાગત પ્રકારના, જરૂરિયાત મુજબના તથા કોઈ એક ચીલાચાલુ ‘મોડેલ’ પ્રમાણેના હોય.
દ્રશ્ય અનુભૂતિને સમૃદ્ધ બનાવવાનો કોઈપણ પ્રયાસ અહીં ક્યારેક જ જોવા મળે. આ પ્રકારના મકાનો શહેર માટે ભાગ્યે જ ગૌરવ અપાવી શકે. તેની સામે ગ્રીસના લામિઆ શહેરના પાણી પુરવઠાના વહીવટ માટેનું આ મકાન ખરેખર નોંધપાત્ર છે. સન ૨૦૧૭માં સ્થાપત્ય વિ-ટ્રિયા આર્કિટેક્ટ્સ દ્વારા આશરે ૩૫૨૫ ચો.મી. બાંધકામનું મકાન આ પ્રકારના સ્થાપત્ય માટે એક નવી જ પ્રેરણા તથા દિશા સ્થાપિત કરે છે.
Also read: ફ્લૉપ વિરાટ-રોહિતની ખોટી તરફેણ ભલે કરો, પણ પુજારા-રહાણેને અન્યાય તો ન જ કરો
શહેર માટે આ એક આઇકોનિક મકાન બનાવવાનો પ્રયત્ન છે. બહિર્મુખી તેમજ પારદર્શિ કહી શકાય તેવા આ મકાનમાં વિવિધ સ્થાનો સાથે પરસ્પર સંપર્ક સ્થપાતો જોવા મળે છે. આ મકાનની રચના એવી છે કે જેનાથી એમ પ્રતીત થાય કે મકાન લોકોને આવકારે છે. અહીં વચ્ચેના ખુલ્લા ભાગથી એક પ્રકારની મોકળાશ ઊભી થાય છે. આ મોકળાશની અનુભૂતિમાં વધારો થઈ શકે તે માટે અહીંની છતની વચ્ચે પણ જગ્યા ઊભી કરાઈ છે. આનાથી મકાન એક હોવા છતાં ઉપયોગિતા પ્રમાણે રસપ્રદ રીતે વિભાજિત થયેલું લાગે છે.
આ મકાન એક વિશાળ ભૌમિતિક આકારના વિગતિકરણ પ્રકારનું છે. સ્થાપત્યની રચનામાં ઘનાકાર માટેનો લગાવ સ્વાભાવિક છે. આ ઘનાકારને રસપ્રદ બનાવવા વિવિધ પ્રકારના પ્રયત્નો થતા રહ્યા છે. અહીં વિશાળ ઘનાકારને નાના ભાગમાં વિભાજિત કરી દરેક ભાગને કાળજીપૂર્વક નિર્ધારિત કરાયો છે. આ દરેક ભાગની પોતાની ઉપયોગિતા છે અને તે પ્રમાણે તેનું નિર્ધારણ છે. આ દરેક ભાગની પોતાની ખાસિયત હોવા સાથે સાથે સમગ્રતા માટે એક શૈલીને પણ સ્થાપિત કરે છે.
Also read: કેરેરા: ઘેટાં નો ગાયોના ટાપુ ની પરિક્રમા…
આ મકાનની અન્ય ખાસિયતોમાં જમીનના ઢાળનો અસરકારક ઉપયોગ, વિવિધ પ્રકારના પ્રમાણમાપ વચ્ચેની સુ-સંવાદિતતા, ‘સોલિડ – વોઈડ’ વચ્ચે સ્થપાતો રસપ્રદ સંવાદ, કોન્ક્રીટની ખરબચડી સપાટીની દ્રશ્ય અનુભૂતિને અપાયેલ મહત્ત્વ, જાહેર સ્થાનમાં જરૂરી ગણાય તેવો બહારના સ્થાનો સાથેનો સંપર્ક, વિવિધ સ્થાનો વચ્ચે સ્થપાતી અખંડતા, આધુનિકતાની સાથે વણાયેલી સાદગી, રચનાના મૂળભૂત વિચારોમાં પ્રતીત થતી સરળતાથી, કોઈ પણ પ્રકારના આડંબર વગર ઊભી થતી દ્રશ્ય અનુભૂતિ અને જેની સાથે માનવી સરળતાથી સંકળાઈ શકે તેવી રચનાકીય બાબતોનો ઉલ્લેખ કરી શકાય.
આ મકાનની એક મુખ્ય ખાસિયતમાં તેનું જે વિભાગીકરણ કરવામાં આવ્યું છે તે છે. આ વિભાગીકરણ ઘનાકારમાં પણ છે, છતમાં પણ છે, આવનજાવનના માર્ગમાં પણ છે, જુદી જુદી સપાટીઓમાં પણ છે અને સૂર્યના તડકાથી સર્જાતી પડછાયાની ભાતમાં પણ છે. કોઈ એક વિચારમાં આટલી બધી વિવિધતા વણી દેવી એ એક પ્રશંસનીય ઘટના કહેવાય. મજાની વાત એ છે કે આ બધી વિવિધતાઓ વિવિધતા તરીકે નહીં પણ અર્થપૂર્ણ બદલાવ તરીકે પ્રતીત થાય છે. ક્યાંક તો એમ લાગે કે એક વિશાળ છાપરાની નીચે કોઈ નાનું મકાન ક્યાંક બનાવી દેવાયું છે તો ક્યાંક એમ જણાય છે કે જુદા જુદા મકાનો પર એક છાપરું બનાવી દેવાયું છે.
Also read: ઓળખી લો, આવા છે આ વિક્રમવીર ડોનલ્ડ ‘ધ તોફાની’ ટ્રમ્પ….!
જમીનના ઢાળને કારણે આ મકાનનો ઉત્તરનો ભાગ બે માળનો તો દક્ષિણનો ત્રણ માળનો બનાવાયો છે. આને કારણે પણ મકાનની દ્રશ્ય અનુભૂતિમાં વિશેષ પ્રકારની સુસંગત વિવિધતા ઊભી થાય છે. આ મકાનની મજા એમાં રહેલા ઘણા બધા દરવાજા, દાદર તથા રેમ્પની પણ છે. આને કારણે સંપર્ક દ્રઢ બને છે, વિકલ્પો ઉભરે છે, બહારની પરિસ્થિતિ સાથે જુદા જુદા સમીકરણો સ્થપાય છે અને એક પ્રકારની મુક્તતા અનુભવાય છે. અહીંના ગોળાકાર કોન્ક્રીટના કોલમ પણ એક રીતે મૃદુતા સ્થાપિત કરે છે, જેનાથી મકાનના જે તે અંગની અને અંતે મકાનની સ્વીકૃતિ સહજ બને છે.
આ મકાનમાં વહીવટી સગવડતાઓ સાથે શહેરની સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ માટે જરૂરી અન્ય કેટલીક બાબતોનો પણ સમાવેશ કરાયો છે. અહીં એમ્ફિથિયેટર પણ છે અને વચમાં નાગરિકોના સામાન્ય મેળાવડા માટે ખુલ્લી જગ્યા પણ છે. મ્યુનિસિપાલીટીના માણસો ઉપરાંત નાગરિકો માટે પણ અહીં અલ્પાહારની વ્યવસ્થા હોય તેમ લાગે છે. અહીં વહીવટ તથા સાંસ્કૃતિક પ્રવૃત્તિનો સમન્વય થતો હોવાથી એક પ્રકારની વાઇબ્રન્સી – હકારાત્મક કંપન અનુભવાય.
આ એક સંપૂર્ણપણે આધુનિક મકાન છે, જેમાં ક્યાંય બિનજરૂરી બાબત નથી. અહીં ખૂણાઓ અને સીધી લીટીઓ વચ્ચે રચાતી નાટકીયતા છે. આ સમગ્ર મકાનની છત એ રીતના બનાવવામાં આવી છે કે જાણે તે પાતળી સપાટીમાંથી બનાવાઈ ન હોય. આ પાતળાપણું, મકાન ઇમ્પેક્ટ છોડે એવું હોવા છતાં તેને હલકું ફૂલકું બનાવે છે. અહીં છતની નીચે જે ખુલ્લી જગ્યા છોડવામાં આવી છે જે દ્રઢતા સ્થાપિત કરે છે પણ તે સાથે બધાની સ્વીકૃતિનો ભાવ પણ ઉભરે છે. એક રીતે જોવા જઈએ તો આ મકાન વિરોધાભાસનો સમૂહ છે અને છતાં પણ એકત્વ સ્થાપિત કરવામાં તે સફળ રહે છે.
Also read: એન્ડ અવૉર્ડ ગો…ઝ ટુ…!
સામાન્ય રીતે જેમ થતું આવ્યું છે તેમ, આ મકાનમાં સસ્ટેનેબલ છે તેઓ દાવો કરવામાં આવે છે. આ દાવો કદાચ સાચો પણ હોઈ શકે. આમ પણ બધા મકાનોમાં આજકાલ સોલર પેનલ લગાવી દેવાય છે, વરસાદના પાણીના સંગ્રહની વ્યવસ્થા કરાય છે, જે જે બાજુથી ગરમી કે ઠંડી આવવાની સંભાવના હોય ત્યાં ત્યાં ઉષ્ણતા-અવરોધક રચના ઊભી કરાય છે.