તેજસના ટ્રેલરમાં ત્રાટકી કંગનાઃ એર ફોર્સ પાયલટમાં દમદાર દેખાય છે
કંગના રનૌતની ફિલ્મ ‘તેજસ’નું ટ્રેલર આવી ગયું છે. ઈન્ડિયન એરફોર્સ ડે પર રિલીઝ થયેલા આ ટ્રેલરમાં કંગનાનો ફાઈટર પાઈલટ અવતાર ખરેખર ધ્યાન ખેંચે તેવો છે. ટ્રેલર જોઈને સ્પષ્ટ થાય છે કે ફિલ્મ કંગનાને કેન્દ્રમાં રાખીને જ બની છે. બોલિવૂડથી લઈને સાઉથ સુધી આવા ઘણા પ્રોજેક્ટની જાહેરાત કરવામાં આવી છે જેમાં એરિયલ એક્શન જોવા મળશે. કંગના રનૌતની ફિલ્મ ‘તેજસ’ની જાહેરાત સૌથી પહેલા કરવામાં આવી હતી. ઘણી મુલતવી રાખ્યા પછી, ‘તેજસ’ આખરે આ મહિને રિલીઝ માટે તૈયાર છે. હાલમાં જ ફિલ્મનું ટીઝર શેર કરવામાં આવ્યું હતું અને હવે મેકર્સે ફિલ્મનું ટ્રેલર પણ રિલીઝ કર્યું છે.
‘તેજસ’માં કંગના રનૌત ભારતીય વાયુસેનાની ફાઈટર પાઈલટની ભૂમિકામાં છે. ફિલ્મમાં તેના પાત્રનું નામ તેજસ ગિલ છે, જે ભારતીય વાયુસેનાના ફાઈટર જેટનું પણ નામ છે. હવે ટ્રેલરમાં જે ફિલ્મની ઝલક જોવા મળી રહી છે તે જોરદાર છે. રવિવારે ભારતીય વાયુસેના દિવસના ખાસ અવસર પર આવેલા આ ટ્રેલરમાં ઘણું બધું છે.
‘તેજસ’ના ટ્રેલરમાં કંગનાની સાથે અંશુલ ચૌહાણ અન્ય મહિલા ફાઈટર પાઈલટના રોલમાં જોવા મળે છે. . આ ફિલ્મ માટે આ એક ખાસ કારણ છે કારણ કે આવા મજબૂત સ્ત્રી પાત્રો ભાગ્યે જ ફિલ્મોમાં લખાયા છે. ફાઈટર જેટમાં બેઠેલી અને એરિયલ એક્શન કરતી જોવા મળેલી કંગના તેના મિજાજ જેમ જ તીખી લાગી રહી છે.
ફિલ્મ 27મી ઑક્ટોબરે થિયેટરોમાં આવશે. જોકે આવા મિશન પર ઘણી ફિલ્મો બની છે. આથી આ ફિલ્મ કેવો દેખાવ કરશે તે સમય જ બતાવશે, પણ એક વાત નક્કી છે કે ટ્રેલર જોતા જ જણાય છે કે કંગનાના ખભ્ભે ફિલ્મનો બોજ છે ને તે સારી રીતે નિભાવી જાણે છે. ફિલ્મની ખબર નહીં પણ કંગના એવોર્ડ મેળવશે તેવું ચોક્કસ લાગી રહ્યું છે.