ખેડૂતો માટે સારા સમાચાર, ગુજરાતમાં આ તારીખથી શરૂ કરાશે ટેકાના ભાગે મગફળીની ખરીદી
ગાંધીનગર: ગુજરાતમાં મગફળીના ઉત્પાદનને ધ્યાને રાખીને રાજ્ય સરકાર દ્વારા મગફળી પકવતા ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મગફળી ખરીદવાનો નિર્ણય કરી આયોજન કર્યું છે. સરકારના આ નિર્ણયની વિગતો કૃષિ મંત્રી રાઘવજી પટેલે આપી હતી.
કૃષિ મંત્રીએ વિગતો આપતા જણાવ્યું હતું કે, સાબરકાંઠાના હિંમતનગર ખાતેથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આગામી તા. 11 નવેમ્બરના રોજ એકસાથે રાજ્યભરના 160થી વધુ ખરીદ કેન્દ્રો ખાતે મગફળીની ટેકાના ભાવે ખરીદીનો શુભારંભ કરાવશે.
આપણ વાંચો: શિયાળુ પાકોની વાવણી કરનારા ખેડૂતો માટે ગુજરાત સરકારે જાહેરી કરી એડવાઈઝરી
ટેકાના ભાવે મગફળીનું વેચાણ કરવા માટે અત્યાર સુધીમાં રાજ્યના કુલ 3,33,000થી વધુ ખેડૂતોએ ઓનલાઈન નોંધણી કરાવી છે. નોંધણી કરાવેલા તમામ ખેડૂતો પાસેથી રૂ. 1356.60 પ્રતિ મણના ભાવે મગફળીની ખરીદી કરવામાં આવશે.
ભારત સરકારની તાજેતરની જાહેરાત મુજબ એક દિવસમાં એક ખેડૂત પાસેથી વિસ્તાર આધારિત મહત્તમ 4000 કિ.ગ્રા એટલે કે, 200 મણ મગફળીની ખરીદી કરવામાં આવશે. ખેડૂતોની માંગણીને ધ્યાને રાખીને રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે વેચાણ માટે નોંધણીની તારીખ લંબાવવામાં આવી છે. હજુ પણ નોંધણી કરાવવાની બાકી હોય તેવા તેવા ખેડૂતો આગામી તા. 10 નવેમ્બર સુધી ઓનલાઈન નોંધણી કરાવી શકશે.