Alert: પશ્ચિમ રેલવેમાં ટ્રેન ઉથલાવવાનું ષડયંત્ર, 3 આરોપી પકડાયા
મુંબઈઃ ભારતીય રેલવેમાં ટ્રેન અકસ્માતના કિસ્સામાં નિરંતર વધારો થઈ રહ્યો છે ત્યારે ટ્રેન ઉથલાવવાના ષડયંત્રના કિસ્સામાં વધારો થવાથી રેલવે પોલીસની ઊંઘ હરામ થઈ છે, ત્યારે વધુ એક કિસ્સો પશ્ચિમ રેલવેમાં બન્યો છે. પશ્ચિમ રેલવેના મુંબઈ ડિવિઝનમાં ભાયંદર અને મીરા રોડ સ્ટેશનની વચ્ચે ટ્રેનના પાટાની વચ્ચે લોખંડના સળિયા ભરેલી બેગ ફેંકવાનો કિસ્સો જાણવા મળ્યો હતો. આ હરકતની સમયસર જાણ થઈ ન હોત તો મોટી દુર્ઘટના ઘટી હોત. જોકે, લોખંડના સળિયાળાળી બેગ ફેંકવાના કિસ્સામાં ત્રણ જણની ધરપકડ કરવામાં આવી છે, એમ રેલવે પોલીસે જણાવ્યું હતું.
પશ્ચિમ રેલવેના ભાયંદર અને મીરા રોડ સ્ટેશનની વચ્ચે છરા ભરેલી બેગને રેલવેના પાટા પર ફેંકવામાં આવી હતી. આ બનાવ પાંચમી નવેમ્બરના બુધવારે બન્યો હતો, જેમાં લોખંડના સળિયા ભરેલી બેગને રેલવે ટ્રેક પર ફેંકી હતી. આ બનાવમાં ‘ભાગફોડ’ના પ્રયાસનો પણ કેસ નોંધીને તપાસ હાથ ધરી હતી. રેલવે પોલીસે રેલવે એક્ટ 152 અન્વયે અજ્ઞાત લોકો સામે એફઆઈઆર નોંધીને તાત્કાલિક તપાસ હાથ ધરવામાં આવી હતી.
રેલવે પોલીસ (જીઆરપી) અને રેલવે પ્રોટેક્શન ફોર્સ (આરપીએફ)ને સતર્ક કરવામાં આવ્યા પછી રેલવે પોલીસે આરોપીઓને પકડવા માટે વિશેષ ટીમનું ગઠન કરવામાં આવ્યું હતું. રેલવે પોલીસે મળતિયાઓ દ્વારા માહિતી પ્રાપ્ત કરીને જાણવા મળ્યું હતું કે લોખંડના સળિયાવાળી બેગને કન્સ્ટ્રક્શન સાઈટ પરથી ચોર્યા પછી રેલવે ટ્રેક પર ફેંકી હતી.
એના આધારે તપાસ કરતા આરોપીઓનું પગેરું શોધવામાં પોલીસને સફળતા મળી હતી. આરોપીઓની ઓળખ વિકાસ રાજભર, જયસિંહ રાઠોડ અને વિક્રમ ગુપ્તા તરીકે કરવામાં આવી છે, જ્યારે ત્રણેયની ઉંમર 19 વર્ષની છે. કેસ નોંધીને ત્રણેય સામે કાયદાકીય કાર્યવાહી હાથ ધરી હોવાનું રેલવે પોલીસના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું.
Also Read – …તો મુંબઈ-સુરત વચ્ચે દોડાવવામાં આવશે વંદે ભારત એક્સપ્રેસ
આ અગાઉ યુપી (ઉત્તર પ્રદેશ)ના કાનપુરમાં સાબરમતી એક્સપ્રેસ રેલવે ટ્રેક પરથી ઉતરી હતી, જેમાં ટ્રેનના ડ્રાઈવરે જણાવ્યું હતું કે પાટા પર મોટા પથ્થર રાખવામાં આવ્યા હતા. રેલવે ટ્રેક પરથી લોખંડના અનેક સ્ટ્રક્ચર પણ મળ્યા હતા. જોકે, ટ્રેનની સ્પીડ ધીમી હોવાને કારણે વધુ નુકસાન થયું નહોતું. એના સિવાય આઠમી સપ્ટેમ્બરના અનવરગંજ-કાસગંજ રેલવે લાઈનમાં એલપીજી સિલિન્ડર મળી આવ્યા હતા, જ્યાંથી પ્રયાગરાજથી ભિવાની જતા કાલિંદી એક્સપ્રેસ સિલિન્ડરને ટકરાયા હતા. આ અકસ્માત બર્રાજપુર અને બિલ્હોર સ્ટેશનની વચ્ચે થયો હતો.