‘દમ મારો દમ’ ગીતના શૂટિંગ વખતે ખરેખર દમ માર્યો હતો ઝીનત અમાને
ફોકસ - રશ્મિ શુકલ
ઝીનત અમાનનું ગીત ‘દમ મારો દમ’ આજે પણ લોકોને ઝૂમવા પર વિવશ કરી દે છે. ગીત આજે પણ એટલું જ તરોતાજા છે. જોકે એ ગીતને રિયલ દેખાડવા અને એમાં પ્રાણ પૂરવા માટે ગીતના શૂટિંગ વખતે ઝીનત અમાને ખરેખર દમ માર્યો હતો. આ ગીત ૧૯૭૧માં આવેલી ફિલ્મ ‘હરે રામા હરે કૃષ્ણા’નું છે. એમાં દેવ આનંદ અને મુમતાઝ લીડ રોલમાં હતાં. આ ફિલ્મ માટે ઝીનત અમાનને ફિલ્મફૅરનો બેસ્ટ સપોર્ટિંગ ઍક્ટ્રેસનો અવૉર્ડ પણ મળ્યો હતો. ફિલ્મમાં ઝીનતના પાત્રનું નામ જેનિસ હોય છે અને તે હિપ્પીઓ સાથે મળીને ડ્રગ્સ અને શરાબના રવાડે ચડી જાય છે. આ ફિલ્મ સાથે જોડાયેલી કેટલીક જાણી-અજાણી બાબતો તેમણે જણાવી છે. આ ફિલ્મનું પોતાનું પાત્ર ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને ઝીનત અમાને કૅપ્શન આપી, ‘અમે કાઠમંડુમાં ફિલ્મ ‘હરે રામા હરે કૃષ્ણા’નું શૂટિંગ કરી રહ્યાં હતાં. દેવ સાબ આ ગીતના શૂટિંગ માટે રસ્તાઓ પરથી હિપ્પીઓને લઈને આવ્યા હતા. તેમને તો અતિશય ખુશી થઈ હતી.
તેમને રમણીય નેપાળમાં ચીલમ્સમાં હેશીશ સાથે ફ્રીમાં જમવાનું અને બોલીવૂડની ફિલ્મમાં કામ કરવાની તક મળી હતી. સાથે જ એના માટે પૈસા પણ મળવાના હતા. દેવ સાબ એ ગીતને રિયલ દેખાડવા માગતા હતા. મારુ કૅરૅક્ટર જેનિસ જે ડ્રગ ઍડિક્ટ હોય છે, તેને રિયલ દેખાડવી જરૂરી હતી. એથી હિપ્પીઓ જે ચિલમ આપતા એના હું વારાફરતી કશ લગાવી રહી હતી. દિવસ પૂરો થવા સુધીમાં તો હું નશામાં ધૂત થઈ ગઈ હતી. હું હોટલમાં પાછા જવાની હાલતમાં પણ નહોતી. એથી ટીમના કેટલાક મેમ્બર્સ મને કારમાં બેસાડીને સુંદર સ્થળે લઈ ગયા હતા. હિમાલયના પહાડો પર ઠંડા પવનો વાઈ રહ્યા હતાં. ધીમે-ધીમે મારો નશો ઊતરતો ગયો. મને જાણ થઈ કે મારી મમ્મી આ બધી વસ્તુને લઈને ખૂબ રોષે ભરાઈ હતી. એથી તેણે સિનિયર ક્રૂ મેમ્બર સાથે ખૂબ ઝઘડો પણ કર્યો હતો. સદનસીબે હું તેમના ગુસ્સાથી બચી ગઈ હતી. ૭૦ના દાયકાની આ વાત છે શું કરી શકીએ? હું પણ એ વખતે ખૂબ નાની ઉંમરની હતી.’
ઝીનત અમાન આ ફિલ્મથી રાતોરાત સ્ટાર બની ગયા હતાં. જોકે આ ફિલ્મ માટે તેઓ પહેલી પસંદ નહોતાં. એ રોલ માટે પહેલા તો મુમતાઝને ઓફર કરવામાં આવ્યો હતો. જોકે તેમણે આ રોલ કરવાની ના પાડી દીધી હતી. એવી તો અનેક હીરોઈન હતી જેમણે દેવ આનંદની બહેનનો રોલ કરવાની મનાઈ કરી હતી. ઝીનત અમાન ઇન્સ્ટાગ્રામ પર ખૂબ સક્રિય રહે છે. પોતાની ફિલ્મો સાથે જોડાયેલી અનેક વાતો તેઓ પોતાના ફૅન્સ સાથે શેર કરે છે. ૧૯૭૦માં ઝીનત અમાને મિસ એશિયા પેસિફિક ઇન્ટરનેશનલનો ખિતાબ જીત્યો હતો.