નેશનલમેટિનીસ્પેશિયલ ફિચર્સ

ધુરંધરોનું પ્રથમ પગલું

હિન્દી ફિલ્મઉદ્યોગની અદ્ભુત સંગીત સફરમાં ૧૯૪૯માં પદાર્પણ કરનારાનું યોગદાન આજે પણ સાંભરી હૈયું હરખાય છે

ખૈયામ, શંકર – જયકિશન, રોશન

ફ્લૅશ બૅક – હેન્રી શાસ્ત્રી

ભારતને આઝાદી મળી ગયા પછી અને ભાગલા પછીના કોમી હુલ્લડ બંધ થયા બાદ હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રી અને ખાસ કરીને ફિલ્મ સંગીત એક પ્રભાવી પર્યાય તરીકે ઉભરી આવ્યું. ૧૯૪૯ એટલે કે આજથી ૭૫ વર્ષ પહેલાં હિન્દી ફિલ્મ સંગીતમાં વિશિષ્ટ પદાર્પણ જોવા મળ્યા. પ્રથમ પગલું માંડનારા મોટા ભાગના કલાકારો અમીટ છાપ છોડી ગયા છે અને આજે પણ કલા રસિકોના હૃદયમાં એમની સ્મૃતિ સચવાઈ પડી છે એવું અનન્ય એમનું યોગદાન છે.

એમાં સૌથી યાદગાર, સૌથી ભવ્ય અને અવિસ્મરણીય પદાર્પણ હતું સંગીત બેલડી શંકર – જયકિશનનું. રાજ કપૂરે ‘આર. કે.’ બેનર હેઠળ ફિલ્મ નિર્માણ – દિગ્દર્શનનો પ્રારંભ ‘આગ’ (૧૯૪૮)થી કર્યો એ ખરું, પણ બીજી ફિલ્મ ‘બરસાત’ (૧૯૪૯)થી રાજ કપૂરની વાહ વાહ થઈ એ હકીકત છે. આ ફિલ્મ અનેક બાબત માટે પહેલો પ્રયાસ સાબિત થઈ. ‘આગ’માં રામ ગાંગુલી પાસે ગીતોની સ્વર રચના કરાવનારા રાજ કપૂરને પોતાની શૈલી માટે ‘એસજે’ તરીકે પ્રખ્યાત થયેલા શંકર – જયકિશન વધુ યોગ્ય, વધુ અનુકૂળ લાગ્યા. ‘આગ’માં રામ ગાંગુલીના સહાયક રહેલા ‘એસજે’ને ‘બરસાત’ના સ્વતંત્ર સંગીત દિગ્દર્શક તરીકે ચાન્સ મળ્યો અને આ ફિલ્મના જ એક યાદગાર ગીત ‘મેરી આંખોં મેં બસ ગયા કોઈ રે’નો પડઘો પડ્યો હોય એમ ફિલ્મ ઈન્ડસ્ટ્રી અને સિને રસિકોની નજરમાં ‘એસજે’ વસી ગયા. ‘એસજે’ ઉપરાંત રાજ કપૂરની સંગીત માળાના બે અન્ય મહત્ત્વના મોતી ગીતકાર શૈલેન્દ્ર અને હસરત જયપુરીની અસાધારણ કારકિર્દીનો પ્રારંભ ‘બરસાત’થી જ થયો. આપણે જેમને ‘રામાયણ’ સિરિયલના સર્જક તરીકે વધુ ઓળખીએ છીએ એ રામાનંદ સાગરે કથા – પટકથા અને સંવાદ લેખક તરીકે પ્રથમ વાર યોગદાન ‘બરસાત’માં આપ્યું હતું. ‘આરકે’ની આ ફિલ્મની ‘ફર્સ્ટ ટાઈમ’ વિશેષતામાં એક નામ અભિનેત્રી નિમ્મીનું પણ છે.

૧૯૩૦ – ૪૦ના દાયકામાં ગાયિકા-અભિનેત્રી તરીકે યોગદાન આપનારા ંવહિદા બાનોની પુત્રી નીમી (મૂળ નામ નવાબ બાનો) સાથે મેહબૂબ ખાનની ફિલ્મ ‘અંદાઝ’ના શૂટિંગ વખતે થયેલી અણધારી મુલાકાતથી પ્રભાવિત થયેલા રાજ કપૂરે ‘બરસાત’ માટે નિમીની પસંદગી કરી. પદાર્પણ કથાના અન્ય પ્રકરણો છે જાલ મિસ્ત્રી અને જી. જી. મયેકર. સિદ્ધહસ્ત સિનેમેટોગ્રાફર ફલી મિસ્ત્રીના (આમ્રપાલી, મેલા, બાબુલ ઈત્યાદી)નાના ભાઈ જાલમિસ્ત્રીની સિનેમેટોગ્રાફર તરીકે સફરની શરૂઆત ‘બરસાત’થી જ થઈ હતી. પડદા પાછળના કસબીઓમાં એક મહત્ત્વની વ્યક્તિ હોય છે ફિલ્મના એડિટર – સંકલનકાર. શૂટ થયેલી ફિલ્મને વ્યવસ્થિત રીતે જોડી-સાંકળીને બિનજરૂરી લાગતા ભાગ પર કાપ મુકવાની જવાબદારી એડિટરના શિરે હોય છે. મરાઠી ફિલ્મોમાં સંકલનકાર તરીકે શરૂઆત કરનારા મયેકરની પણ પ્રથમ ફિલ્મ ‘બરસાત’ જ હતી. ત્યારબાદ ‘આરકે’ બેનરની કેટલીક ફિલ્મોમાં એમની હાજરી જોવા મળી હતી. આ વિગતો પરથી એક વાત ઊડીને આંખે વળગે છે કે ‘બરસાત’થી હિન્દી ફિલ્મઉદ્યોગમાં પા પા પગલી માંડનાર પ્રત્યેક કલાકાર – કસબીએ ત્યારબાદ અનેક વર્ષો સુધી વિવિધ ચિત્રપટમાં યોગદાન આપી નામ ને દામ મેળવ્યા.

૭૫ વર્ષ પહેલાં સંગીતકારના પદાર્પણની વાત આગળ વધારીએ… કેદાર શર્માએ ‘નેકી ઔર બદી’ નામની ફિલ્મ બનાવી હતી. આ ફિલ્મની ખાસિયત એ હતી કે મધુબાલા અને ગીતાબાલી સાથે પહેલી વાર (લગભગ છેલ્લી વાર) સાથે ફિલ્મમાં જોવા મળ્યા. ‘રોશન’ તરીકે વધુ જાણીતા રોશનલાલ નાગરથને પહેલી વાર સંગીત દિગ્દર્શક તરીકે કામ કરવાની તક કેદાર શર્માએ આપી. ફિલ્મમાં આઠ ગીત હતા, પણ લતા મંગેશકરની ગેરહાજરી હતી. જોકે, બોક્સ ઓફિસ પર ફિલ્મ ઊંધે માથે પટકાઈ, પણ ફિલ્મના કેટલાંક ગીત-સંગીત પ્રેમીઓને બેહદ પસંદ પડ્યાં. એના ગીત યુટ્યુબ પર આજે ઉપલબ્ધ છે. અમીરબાઈ કર્ણાટકી અને ફિરોઝ દસ્તુરનું યુગલ ગીત ‘કયુંકી સેન્ટ લગાયા હૈ’ ગીત કરતા જોડકણું વધુ લાગે છે, પણ એની ધૂન ગીતને સહ્ય બનાવે છે. રોશને એ દોરના સિદ્ધહસ્ત ક્લાસિકલ સિંગર ફિરોઝ દસ્તુર પાસે ફિલ્મીગીત ગવડાવ્યું છે. ફિલ્મ ફ્લોપ હોવા છતાં રોશનનું હીર પારખી ગયેલા કેદાર શર્માએ ‘બાવરે નૈન’ (૧૯૫૦)માં એમને રિપીટ કર્યા અને હિન્દી ફિલ્મ સૃષ્ટિને એક પ્રતિભાશાળી સંગીતકાર મળ્યા. ‘તેરી દુનિયા મેં દિલ લગતા નહીં’ અને ‘ખયાલો મેં કિસી કે ઈસ તરહ આયા નહીં કરતે’ આજે પણ લોકો નથી ભૂલ્યા.

બીજું યાદગાર પદાર્પણ હતું સંગીતકાર ખૈયામ. એમની પ્રથમ ફિલ્મ તરીકે ‘હીર રાંઝા’ (૧૯૪૮)નો ઉલ્લેખ છે. આ ફિલ્મના સંગીતકાર તરીકે ‘શર્માજી- વર્માજી’ નામનો ઉલ્લેખ છે. રેહમાન વર્મા સાથે એમણે સંગીત આપ્યું હતું. જોકે, રેહમાન પાકિસ્તાન ચાલ્યા ગયા અને ૧૯૪૯માં રિલીઝ થયેલી ‘પર્દા’ ખૈયામની સ્વતંત્ર મ્યુઝિક ડિરેક્ટર તરીકે પ્રથમ ફિલ્મ સાબિત થઈ અલબત્ત, એમણે શર્માજીનું નામ ચાલુ રાખ્યું હતું. ચાર વર્ષ પછી ‘ફૂટપાથ’ (૧૯૫૩)માં ખૈયામ નામ ધારણ કર્યું હતું. રોશનની માફક ખૈયામની પહેલી ફિલ્મ ‘પર્દા’માં પણ લતા મંગેશકરનું સમ ખાવા પૂરતું એક ગીત સુધ્ધાં નહોતું. એ સ્વાભાવિક ગણાય, કારણ કે ‘બરસાત’ની સફળતા પછી લતાદીદીના પડઘા ઠેર ઠેર સંભળાવા લાગ્યા હતા.

અન્ય એક રસપ્રદ પદાર્પણ હતું સંગીતકાર ઓ. પી, નય્યરનું. સંગીતકાર તરીકે એમની પ્રથમ ફિલ્મ હતી દલસુખ પંચોલીની ‘આસમાન’, જે ૧૯૫૩માં રિલીઝ થઈ હતી, પણ ૧૯૪૯માં પ્રદર્શિત થયેલી ‘કનીઝ’ ફિલ્મમાં ઓ. પી. નય્યરે બેકગ્રાઉન્ડ મ્યુઝિક આપી હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એન્ટ્રી મારી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button