ગુજરાતી તખ્તાના આલ્ફ્રેડ હિચકોક અરવિંદ ઠક્કર
સ્ટાર-યાર-કલાકાર – સંજય છેલ
નાટકના ખાલી સ્ટેજ પર સહેજ ઝાંખું અજવાળું છે. નાટક એવા વળાંકે છે કે હવે વાર્તામાં શું થશે એ વિચારીને પ્રેક્ષકોના શ્ર્વાસ અદ્ધર છે. એવામાં એક મજૂર એક ગૂણી લઈને સ્ટેજ પર મૂકે છે અને બૂમ પાડે છે : ‘આ તમારો માલ!’ ખાલી સ્ટેજ પર એ ગૂણીની આસપાસ નાટકનાં પાત્રો વાતો કરવા માંડે છે , પણ પાત્રોને ખબર નથી કે એમાં લાશ છે. પ્રેક્ષકોને ખબર છે.
એ ગૂણી બે કે ત્રણ વાર જરા હલે છે અને લોકો સ્તબ્ધ થઇ જાય છે. નાટકનાં પાત્રો શું વાત કરે છે, શું કરી રહ્યાં છે ,વગેરેમાં કોઈનું ધ્યાન નથી માત્ર એ ગૂણી કેટલી હલે છે- કઈ તરફ ઢળે છે એના પર વીસ મિનિટ નાટક આગળ ચાલે છે!આવા અનેક અદ્ભુત સસ્પેન્સ થ્રિલર નાટકનાં દ્રશ્યો સર્જનાર નાટકના બેનમૂન દિગ્દર્શક અરવિંદ ઠક્કરે જ્યારે અચાનક વિદાય લીધી ત્યારે ગુજરાતી રંગભૂમિ એ વાતથી હલી ગઇ કે ઓહ, હજી અરવિંદ ઠક્કર જીવે છે! એમની વિદાય કે એક્ઝિટ પણ એમનાં નાટકોનાં સસ્પેન્સ કે કાળા ડિબાંગ વિષયો જેવી વિચિત્ર રહી.અરવિંદ ઠક્કર એટલે ગુજરાતી પ્રજાનો આલ્ફ્રેડ હિચકોક.
ગુજરાતીમાં ફિલ્મોમાં સસ્પેન્સ-થ્રિલરનું પ્રમાણ ઓછું. સાહિત્યમાં તો નહિવત્ જ કહી શકાય. ધારાવાહિક નોવેલ્સમાં થ્રિલર લખાય છે ને વંચાય છે, પણ એમાંય હવે મોટા બિઝનેસ પરિવારોના કાવાદાવા, ટીવી સોપ ઓપેરા જેવા મેલોડ્રામા ને આંસુભીના રૂમાલમાંથી ગળાઈને આવતી નોવેલ્સ કે ધારાવાહિકોનો જમાનો છે.
જો કે ગુજરાતી નાટકોમાં કોમેડી સાથે હજુ ય સસ્પેન્સ થ્રિલરના ચમકારા જોવા મળે છે. એક જમાનામાં પ્રવીણ જોષી-અરવિંદ જોષી, કાંતિ મડિયા, શૈલેષ દવે, સુરેશ રાજડા, પરેશ રાવલ, હોમી વાડિયા અને ફિરોઝ ભગતે અદ્ભુત સસ્પેન્સ નાટકો આપ્યાં છે પણ એ બધામાં અરવિંદ ઠક્કરની અલગ જ સ્ટાઇલ અને એક ઘેરી ઊંડી છાપ હતી. લાશના ટુકડા કરતાં પાત્રો, બાથટબમાં એસિડમાં ડેડ બોડીને પિગાળતી સ્ત્રીઓ, પ્રેમી માટે પતિને છેતરીને મર્ડર પ્લાન કરતી કમનીય ઔરતો, એક સાથે બે સ્ત્રીને પ્રેમ કરતો ચાલાક પુરુષ. જેવાં અરવિંદ ઠક્કરનાં નાટકનાં પાત્રોમાં ગ્રે શેડ્સ સાથે જોવા મળતા.
વેર, વાસના, લોભ, છલ, કપટ, ખૂન, લાશનો નિકાલ, શતરંજની ચાલ જેવા એમના પ્લોટ હતા. ખરાબ માણસોનાં મનમાં ચાલતું કાતિલ પ્લાનિંગ અને પ્લાન પ્રમાણે થતો ગુનો, પ્રેક્ષકોને થીજાવી દેતો. ‘ખુન્નસ’, ‘વૈરી’, ‘કોઈની આંખમાં સાપ રમે’, ‘હેલો ઇન્સપેક્ટર’, ‘સર્પનાદ’ કે ‘વિષ-રજની’ જેવાં કમાલનાં કહી શકાય એવાં શીર્ષકોવાળાં નાટકોનો એક ફેનવર્ગ હતો. સંસ્કારની ચાસણીમાં ડૂબાડેલાં નાટકોથી સાવ અલગ પણ દિલધડક અનુભવ કરાવનારાં એમનાં નાટકો આજે પણ યાદ આવે છે.
કબાટ ખૂલે ને એમાંથી લાશ પડે , શરાબના બારને અડો કે પાછળ બીજી છૂપી રૂમ ખૂલી આવે, સોફા પર બેસીને માણસ વાત કરતો હોય અને પાછળથી અચાનક બેહોશ સ્ત્રી ઊભી થાય…એવા અવનવા અનેક પેંતરાઓથી અરવિંદ ઠક્કરે વર્ષો સુધી પોતાની વિશિષ્ટ છાપ જમાવી. સુપરસ્ટાર પ્રવીણ જોષી અને ગંભીર કાંતિ મડિયાના ૧૯૭૦-૮૦ના જમાનામાં પણ એમણે પોતાની આગવી ઓળખ ઊભી કરી. વળી અરવિંદ ઠકકરે આઇ.એન.ટી. જેવી માતબર સંસ્થાના પારસી કલાકારો સાથે તારક મહેતાનાં રમૂજી નાટકો પણ કર્યા .
‘મહાસાગર’ જેવું સામાજિક નાટક સર્જ્યું.. પણ લેખક પ્રવીણ સોલંકી સાથે અરવિંદ ઠકકરનાં સસ્પેન્સ થ્રિલ નાટકોની વાત કંઈક સાવ અલગ હતી.જોકે, પાછળથી સસ્પેન્સના કાળાડિબાંગ નાટકોની જેમ અરવિંદ ઠક્કરનું જીવન પણ કાળા રંગે રંગાવા માંડ્યું. શરાબની લત, તૂટેલો પરિવાર, અંદરનો ગુસ્સો, હતાશા, બદલાતાં નાટકોનાં સમીકરણો, એકલતા અને અનેક અંગત ખામીઓ પાછળ એમની બધી જ ખૂબીઓ ઢંકાવા માંડી. અરવિંદભાઈ નાટકો નિર્દેશિત કરવાની સાથે-સાથે બેંકમાં નોકરી પણ કરતા. અને વિચાર કરો કે આખી જિંદગી ગુનાઓ અને ગુનેગારો પર નાટકો રચનાર માણસ , એક દિવસે ખરેખર પોતાની જિંદગીમાં ગુનો કરી બેસે તો? બેંકની કેશિયર તરીકેની નોકરીમાં એકવાર એ આર્થિક ઘાલમેલ કરી બેસે છે અને પછી જે મુંબઇના છાપાઓમાં અરવિંદ ઠક્કરના નામ સાથે નાટકોની મોટી મોટી જાહેરાતો આવતી એ જ છાપાઓના પહેલે પાને સમાચાર આવે છે કે અરવિંદ ઠક્કર નામનો શખ્સ બેંકના પૈસા લઇને ફરાર! પકડાઇ ના જવાય એ માટે અરવિદ ઠક્કર, પોલીસથી જ્યાં ત્યાં સંતાતા ફરે છે….૧૯૮૨માં થોડા સમય માટે જેલ જવું પડે છે અને છેવેટે મિત્રોની મદદથી છૂટે છે , પણ હવે જેલથી બહાર આવીને અરવિંદ ઠક્કર સાવ બદલાઇ જાય છે…ધીમે ધીમે અરવિંદ ઠક્કરના મનમાં એક ભય કે એક ગ્રંથિ એક કોમ્પ્લેક્સ આકાર લેવા માંડે છે.
એમને દરેક જગ્યાએ અદ્રશ્ય શત્રુ દેખાવા માંડે છે. ઉપરથી શરાબની આદત એમને દિવસરાત ઘેરી વળે છે, છતાંય જેલમાંથી બહાર આવીને છેક ૧૯૮૪-૮૫ સુધી બીજાં બે-ત્રણ સારાં નાટકો આપ્યાં, જેમાંના એકમાં તો ઓસ્કાર અવોર્ડ વિજેતા અને ‘ગાંધી’ ફિલ્મમાં કસ્તુરબા બનનાર અભિનેત્રી રોહિણી હટંગડી પણ હતાં!ત્યાર બાદ અચાનક જ અરવિંદ ઠક્કર પોતાનાં સસ્પેન્સ નાટકોનાં પાત્રોની જેમ એ પોતે પણ ખોવાઈ જાય છે. ઘરબાર, આવક, મિત્રો, કામ, સફળતા અને ઓળખ વિનાનો એ માણસ આયુષ્યના કેટલાંય વર્ષ નડિયાદ પાસેના કોઈ વૃદ્ધાશ્રમમાં એકલવાયું જીવન જીવે છે.
હવે કોઇના સંપર્કમાં નથી રહેતાં. એમનું શરીર ધીમે ધીમે ઓગળી જાય છે, અવાજ બેસી જાય છે, અચાનક ખૂંધ નીકળી આવે છે અને એક વખતના આ સ્ટાર નાટ્ય દિગ્દર્શકની આંખોમાંથી પહેલાની ખુમારી-તેજ ઓસરી જાય છે. જીવતરની ટ્રેન ચૂકી ગયેલા આવા અનેક તેજ તર્રાર માણસોનું લિસ્ટ લાંબું છે, પણ શરાબની લત અને વિચિત્ર સ્વભાવ આ જીનિયસ નાટ્ય દિગ્દર્શકને ખતમ કરી નાખ્યો એમાં બેમત નથી.જો કે, એ પછી આ અરવિંદ ઠક્કર ફરીથી ૨૦૦૯-૧૦માં કમ બેક કરે છે.
છેલ્લે પત્રકાર અને લેખક પ્રફુલ્લ શાહ લિખિત નાટક ‘અજબ ગજબ કસબ’ બનાવ્યું, જેમાં થ્રિલર સાથે આતંકવાદના વિષયને વણી લીધેલો. એ નાટકની અમુક પળોમાં અરવિંદ ઠક્કરની કળાનાં આગિયા જેવા ચમકારા ઝબૂકીને દેખાઇ જતાં હતાં, પણ એ નાટક પછી અરવિંદ ઠક્કર ફરી ગુમનામીના અંધારામાં ખોવાઇ જાય છે! જ્યાં ત્યાં કોઇના આશરે પૈસા માગીને એ મુંબઇમાં રહેવા લાગે છે. એક પત્રકાર મિત્રની ઓફિસમાં એક સવારે એમનો મૃતદેહ મળી આવે છે.
એ દેહને પોલીસે અગ્નિદાહ માટે આપવાની મનાઈ ફરમાવી, કારણ કે કાનૂન મુજબ એમનું કોઈ સ્વજન મૃતદેહ માગે અને એને અગ્નિસંસ્કાર અપાઈ ચૂક્યા હોય તો પોલીસ શું જવાબ આપે? ચાર-પાંચ મિત્રોએ જેમતેમ પોસ્ટ મોર્ટમ કરાવ્યું. આખી જિંદગી લાશ અને મૃત્યુ પર દિલધડક નાટકો બનાવનાર સસ્પેન્સ નાટકોનો આ બાદશાહ મુર્દાઘરમાં એક નધણિયાતી લાશ બનીને પડ્યો હતો. અરવિંદ ઠક્કર ગુજરાતી રંગમંચના આલ્ફ્રેડ હિચકોક હતા અને રહેશે. એમની બધી ખામીઓ એમને લઈ ડૂબી પણ એમની ખૂબીઓ લાંબા સમય સુધી યાદ રહેશે….