મેટિની

શત્રુઘ્ન સિંહા: ઈમેજની ઉપરવટ જાય ત્યારે…‘ખામોશ’!  

ફિલ્મનામા – નરેશ શાહ

સેલિબ્રિટીની એક ઈમેજ બંધાઈ જાય પછી, એ ઈમેજને મેચ થતી દરેક સાચી-ખોટી વાત લોકો માની લેતાં હોય છે અને તેમાં લોકોનો કે ચાહકોનો કોઈ દોષ હોતો નથી. શોટગન સિંહાની જ વાત લો. શત્રુઘ્ન સિંહાની પડદા પરની અને પડદા પાછળની ઈમેજ ‘બડબોલા’ની જ રહી છે. શત્રુભૈયા ભલે વિલનમાંથી એક્ટર અને પછી સંસદ સભ્ય બન્યા હોય પણ એ શબ્દો ચોરીને બોલે એવું મોટાભાગે બન્યું નથી. એ નરેન્દ્ર મોદીથી માંડીને અમિતાભ બચ્ચન વિશે શબ્દોને સુગરકોટેડ કર્યા વગર જ બોલતાં રહ્યા છે. અભિનેતા તરીકે પણ એમની દેખીતી છાપ એવી છે કે, એમને વાંકુ પડી જતાં વા’ર લાગતી નથી.

Also read: કભી તન્હાઈયોં મેં યૂં હમારી યાદ આયેગી…

અભિનેતા તરીકે તો ઈન્ડસ્ટ્રીઝમાં શત્રુઘ્ન સિંહાની છાપ લેટ લતીફ (એમના વારસદાર પછી ચીંચીં ભૈયા – ગોવિંદા બન્યા)ની હતી. રાજેશ ખન્નાના સ્ટારડમ વખતથી આ લેટ લતીફી’નો ટેગ પ્રચલિત બન્યો હતો. રાજેશ કાકા’ ખન્ના માટે એવું કહેવાતું કે એ ફિલ્મની વાર્તામાં પણ મનમરજી મુજબ ફેરફાર કરાવતા. નમકહરામ’ ફિલ્મના અંતમાં પોતે મૃત્યુ પામે એવો હઠાગ્રહ રાજેશ ખન્નાનો હતો એવી વાતો થતી હતી. ( જોકે,  તેનો ઠોસ દસ્તાવેજી પુરાવો ઉપલબ્ધ નથી. એ વાત યાદ રાખીને આગળ વાંચો)   

રાજેશ ખન્ના તો બેસુમાર સફળતા પછી નખરાં કરતાં થયા હતા, પરંતુ શત્રુઘ્ન  કદી જબરદસ્ત સેલેબલ સ્ટાર રહ્યા નહોતા છતાં સેટ પર એમનાં છણકાં ખૂબ જાણીતા થયા છે. મેરે અપને’ ફિલ્મ (જેમાં શત્રુભૈયા છેનુ’ નામના એન્ટી હીરો હતા!)માં વિનોદ ખન્નાના હાથે માર ખાતાં હોય એવું દ્રશ્ય કરવાની આવી ત્યારે શોટગન સિંહા સેટ પરથી પગ પછાડતાં ચાલ્યા ગયા હતા. શત્રુઘ્ન  (રાજકુમારની જેમ) પોતાના જ પ્રેમમાં પડેલાં અભિનેતા હતા અને છે. અભિનેતા ભલે લખવું પડે પણ એકાદ કાલકા’ જેવી ફિલ્મને બાદ કરો તો શત્રુઘ્ન  દરેક ફિલ્મમાં, દરેક પાત્રમાં શત્રુઘ્ન સિંહા જ બનીને કામ કરતાં હતા!

ખેર, શત્રુઘ્ન સિંહાની અભિનેતા તરીકેની ખડુસ’ જેવી ઈમેજ જ ભલે હાઈલાઈટસ થઈને લોકોના દિમાગમાં અંકિત થઈ ગઈ હોય, પરંતુ ગુલશન ગ્રોવરને સાંભળો તો તમને  આ જા શત્રુઘ્ન   તદ્દન વેગળા, માનવીય અને પ્રેકટિકલ લાગે, કારણ કે શત્રુભૈયા આવું કંઈક કરી શકે વાત  એ જલ્દી ગળે ઉતરે એવું નથી, છતાં આ હકીકત છે.ગુલશન ગ્રોવર શત્રુભૈયા સાથે શિવશક્તિ’ ફિલ્મમાં કામ કરતા હતા. આ ફિલ્મમાં ગોવિંદા પણ હતો, કારણ કે ગોવિંદાના આનંદમામા (ચિત્રગુપ્ત) શિવશક્તિ’ ફિલ્મના ડિરેક્ટર હતા.

ફિલ્મ અને તેની વાર્તા ટિપિકલ હતી. શત્રુભૈયા હીરો અને ગુલશન ગ્રોવર વિલન હતા. હીરો-વિલનની ફિલ્મમાં પ્રથમ વખત આમનો-સામનો થયો છે ત્યારે શત્રુઘ્ન એક જ ફેટ મારીને ગુલશન ગ્રોવરને જમીનદોસ્ત કરી દે છે એવો સીન હતો. દ્રશ્ય સમજીને ગુલશન 

ગ્રોવરને લાગ્યું કે આ સિકવન્સ બરાબર નથી, કારણ કે વિલન એક જ ફટકામાં જમીનદોસ્ત થઈ જાય તો ફિલ્મમાં વિલનનો પ્રભાવ જ ન રહે… ગુલશન ગ્રોવરે એ દ્રશ્ય શૂટ કરનાર એકશન ડિરેક્ટર ટીનુ વર્માને વાત કરી, પણ એમણે સીનમાં ફેરફાર કરવાની અને શત્રુઘ્ન સિંહાનો સામનો કરવાની અસમર્થતા દર્શાવી એટલે…

હિંમત કરીને ગુલશન ગ્રોવર પહોંચ્યા સીધા શત્રુઘ્ન  પાસે. એમને એક તરફ લઈ જઈને સમજાવ્યું કે તમારા એક જ તમાચાથી વિલન ચત્તોપાટ પડી જાય તો પછી આખી ફિલ્મમાં એનો કોઈ પ્રભાવ જ રહેશે નહીં. એક જમાનામાં ખલનાયકનું પાત્ર ભજવતાં સિંહાસાહેબ આખી વાતનું હાર્દ સમજી ગયા. એમણે ફાઈટ માસ્તર અને ડિરેક્ટરને બોલાવીને કહ્યું કે, ગુલશનની વાત સાચી છે તો આખો સીન ફરીથી લખવામાં આવે… આપણે એ પછી જ શૂટ કરીશું…! 

આમ કહેતી વખતે શત્રુઘ્ન એમના આઈકોનિક અંદાઝમાં કહ્યું પણ ખરું કે, ફરીથી લખાતાં આ સીનમાં વિલન ભલે હીરો (શત્રુઘ્ન સિંહા) પર ભારે પડી જાય તો ય કશો વાંધો નહીં. આખરે તો (ફિલ્મના અંતમાં) હું બદલો લઈ લેવાનો જ છુંને !

ગુલશન ગ્રોવરે આ આખો કિસ્સો પોતાની બાયોગ્રાફી બેડમેન’માં લખીને ઉમેર્યું છે કે, (લોકો ભલે ગમે તે કહે પણ) શત્રુજી સાથે મારી દરેક મુલાકાત યાદગાર જ રહી છે. કેટલીય ફિલ્મમાં વિલન તરીકે મને લેવાનું સુચન પણ એમણે જ કર્યું છે અને એથી ય આગળની વાત તો એ કે, ફિલ્મના મુર્હૂતમાં હીરો-હીરોઈન જ ઉપસ્થિત રહી શોટ આપે એવું ચલણ હતું પણ એમણે એ પ્રથા પણ તોડાવી. ગોલા બારૂદ’ અને સીતા સલમા સૂજી’ (જેમાં ડિમ્પલ, અનિતા રાજ અને સલમા આગા કામ કરતાં હતા પણ એ ફિલ્મ કદી બની જ નહીં!) નો મુર્હૂત શોટ તે એમણે મારા પર લેવડાવ્યો હતો! ’ 

Also read: બોક્સ ઑફિસની હરીફાઈમાં આટલી બધી કડવાશ?

એ રીતે જોઈએ તો શત્રુઘ્ન સિંહાએ બોલિવૂડમાં નવી પ્રથા પાડવામાં પણ નિમિત્ત બન્યા છે. જોકે, આ કિસ્સા એ વાત પણ પૂરવાર કરે છે કે દરેક વખતે વ્યક્તિની ઈમેજના આધારે જ કયાસ કાઢી લેવો વાજબી નથી. શત્રુઘ્ન સિંહા જેવા કિસ્સામાં એ આપણને ગલત સાબિત કરી શકે છે.!                                                                                       

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button