બનાસકાંઠા

વાવનું ખેતર ગુલાબભાઈને ત્રણ વર્ષ માટે આપ્યું છેઃ ગેનીબેનના નિવેદનથી કોંગ્રેસના નેતાઓ ચોંક્યા

Vav Assembly By Poll: ગુજરાતમાં 13 નવેમ્બરે વાવ વિધાનસભાની પેટા ચૂંટણી યોજાશે. હાલ આ બેઠક પર પ્રચાર વેગીલો બની રહ્યો છે. આજે ચૂંટણી પ્રચાર દરમિયાન બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે એક નિવેદન આપ્યું હતું.

આ પણ વાંચો: વાવ પેટા ચૂંટણીઃ અપક્ષ ઉમેદવારે કોંગ્રેસ-ભાજપનું ટેન્શન વધાર્યું…

બનાસકાંઠાના કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોરે વાવમાં કોંગ્રેસ દ્વારા યોજાયેલા મેઘવંશી સમાજના સ્નેહમિલન કાર્યક્રમમાં સૂચન નિવેદન કરતા કહ્યું હતું કે, વાવનું આ ખેતર ગુલાબસિંહને કાયમ માટે લખી આપ્યું નથી. ત્રણ વર્ષ માટે ગીરો આપ્યું છે. તેમણે ગુલાબસિંહને પણ કહ્યું હતું કે, ત્રણ વર્ષ પછી જ્યાં જવું હોય ત્યાં જજો પછી રેવા દેવું હોય તો રેવા દેજો. ત્રણ વર્ષ પછી ખેતર છૂટું કરી દઈશું પછી આપણામાંથી કોઈક નવું નેતૃત્વ કરશે.ગેનીબેનના આ નિવેદનથી કોંગ્રેસના નેતાઓ એકબીજાની સામે જોવા માંડ્યા હતાં.

આ ઉપરાંત તેમણે કહ્યું, આપણે કોઈ મોબાઈલની દુકાને રિચાર્જ કરાવવા માટે જઈએ ત્યારે પૂછીએ કે રિચાર્જની વેલિડિટી કેટલી છે. તો તેઓ કહે બે મહિના…ત્રણ મહિના…બે વર્ષ…ત્રણ વર્ષ… તો આપણને ત્રણ વર્ષ માટે રિચાર્જ કરી આપો. ગુલાબસિંહનું રિચાર્જ ત્રણ વર્ષ માટે કર્યું છે. વેલિડિટી પૂર્ણ થયા પછી કંઈ નક્કી નહીં. જો બરોબર ચાલશે તો બરોબર છે, નહીતર આગળ કંઈ થશે નહીં.

આ પણ વાંચો: વાવ બેઠક પર બંને પક્ષોને સાત પાસની ચિંતા: આ કારણે ભાજપ-કોંગ્રેસનું ટેન્શન વધ્યું

વાવમાં ગુલાબ ખીલવાનું છેઃ મેવાણી
બીજી તરફ કોંગ્રેસના વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ કહ્યું હતું કે, વાવમાં ગુલાબ ખીલવાનું છે. અહીં દલિત સમાજનું સંમેલન છે તેનો વાવની ચૂંટણીમાં નિર્ણાયક રોલ બની રહેશે. વાવ બેઠક પર 90 ટકા જેટલા દલિતો ગુલાબસિંહ રાજપૂત અને કોંગ્રેસ સાથે રહેશે. બીજી તરફ કેન્દ્રીય પ્રધાન સી.આર. પાટીલે પણ વાવ બેઠક માટે પ્રચાર આરંભ્યો હતો. તેમણે ભાભર ખાતે જઈ પૂર્વ સાંસદ, ધારાસભ્ય અને જિલ્લા ભાજપ સહિતના આગેવાનો સાથે બેઠક યોજી વાવ બેઠકની સ્થિતિનો ચિતાર મેળવ્યો હતો. પાટીલે કહ્યું હતું કે, તમામને ચૂંટણી લડવાનો અધિકાર છે. અહીં જંગ ત્રિપાંખિયો હોય કે ચોપાંખિયો ભાજપના ઉમેદવારની જીત નિશ્ચિત છે.

વાવમાં ત્રિપાંખિયો જંગ
વાવ પેટા ચૂંટણી માટે ભાજપે સ્વરૂપજી ઠાકોર, કોંગ્રેસે ગુલાબસિંહ રાજપૂતને ટિકિટ આપી છે. જ્યારે ભાજપમાંથી બળવો કરી ચૌધરી સમાજના આગેવાન માવજી પટેલે અપક્ષ ઉમેદવારી કરતા હવે જંગ ત્રિપાંખિયો બન્યો છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button