Gujaratમાં Zika Virusની એન્ટ્રી, ગાંધીનગરમાં 75 વર્ષીય વૃદ્ધનો રિપૉર્ટ આવ્યો પોઝિટિવ
Zika Virus Cases in Gujarat: ગાંધીનગરમાં 75 વર્ષીય વૃદ્ધમાં ઝીકા વાયરસના શંકાસ્પદ લક્ષણો જણાઈ આવતાં આરોગ્ય તંત્ર દ્વારા જરૂરી સેમ્પલ પરિક્ષણ માટે પૂનાની લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા હતા. જેનો રીપોર્ટ પોઝિટિવ આવતાં તંત્ર દોડતુ થઈ ગયું હતું. આરોગ્ય તંત્ર દ્વારા 72 ટીમો મારફતે 90 હજાર લોકોનો સર્વે કરી પોરાનાશક તેમજ ફોગીંગની પણ કામગીરી હાથ ધરવામાં આવી હતી. રાજ્યમાં ઝીકા વાયરસના આ કેસ સાથે છેલ્લા પાંચ વર્ષમાં કુલ પાંચ કેસો નોંધાઈ ચૂક્યા છે. વર્ષ – 2016 માં એક, 2017 માં બે, 2018 માં એક અને ચાલુ વર્ષે એક એમ કુલ પાંચ ઝીકા વાયરસનાં કેસ છે.
દિવાળી પહેલા સેમ્પલ પૂના પરિક્ષણ માટે મોકલવામાં આવ્યું હતું
પ્રાપ્ત વિગતો પ્રમાણે દિવાળીના તહેવાર પહેલા ગાંધીનગરમાં રહેતા એક 75 વર્ષિય વૃદ્ધમાં ઝીકા વાયરસના શંકાસ્પદ લક્ષણો જણાતા તબીબોએ તેમના જરૂરી સેમ્પલ લઈને પૂના ખાતેની લેબમાં પરિક્ષણ માટે મોકલ્યા હતાં. જેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આરોગ્ય તંત્ર દ્વારા પણ શંકાસ્પદ દર્દીના ઘર સહિતના આસપાસ વિસ્તારોમાં ખાસ ડ્રાઈવ યોજી પોરાનાશક તેમજ ફોગીંગની પણ કામગીરી હાથ ધરવામાં આવી હતી.
આ પણ વાંચો : વિશેષ : ગર્ભવતી મહિલાઓ પર તોળાય છે ઝીકા વાયરસનું જોખમ
આરોગ્ય વિભાગે શું કહ્યું
આ અંગે રાજય આરોગ્ય વિભાગના એડીશ્નલ ડાયરેક્ટર મિલાપ પટેલે જણાવ્યું હતું કે, ગાંધીનગરમાં સેક્ટર 5માં રહેતા એક વૃદ્ધને તાવ સહીતના શંકાસ્પદ વાયરસના લક્ષણો હતા. જેમનો રિપૉર્ટ પોઝિટિવ આવ્યો છે. વૃદ્ધનો રિપૉર્ટ પોઝિટિવ આવતા જ અત્યાર સુધીમાં સેક્ટર – 5,4,6 અને 13 વિસ્તારમાં 72 ટીમો દ્વારા હાઉસ ટુ હાઉસ સર્વે કરી 90 હજાર લોકોના આરોગ્યની તપાસ કરાઈ છે. ઉપરાંત ચારસોથી વધુ ઘરોમાં પોરાનાશક તેમજ ફોગીંગની પણ કામગીરી હાથ ધરવામાં આવી છે.
ઝીકા વાયરસના લક્ષણો:
તાવ
ફોલ્લીઓ
માથાનો દુખાવો
સાંધાનો દુખાવો
આંખોની લાલાશ
સ્નાયુમાં દુખાવો