દાઉદ-લૉરેન્સ બિશ્ર્નોઈનો ફોટો ટી-શર્ટ પર: ઈ-કંપની સામે કેસ
મુંબઈ: અન્ડરવર્લ્ડ ડૉન દાઉદ ઈબ્રાહિમ અને ગૅન્ગસ્ટર લૉરેન્સ બિશ્ર્નોઈની પ્રશંસા કરતાં ટી-શર્ટનું વેચાણ કરવા બદલ મહારાષ્ટ્ર પોલીસની સાયબર વિંગે અમુક ઈ-કૉમર્સ કંપનીઓ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.
ગુનાખોરોની પ્રસિદ્ધિ થાય તેવી તસવીરો સાથેનાં આવાં ઉત્પાદનો યુવા મન પર નકારાત્મક અસર કરીને સમાજ માટે મોટું જોખમ ઊભું કરે છે, એવું પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.
સાયબર સિક્યોરિટી અધિકારીઓ દ્વારા ઑનલાઈન વેચાતાં ઉત્પાદનો પર નજર રાખવામાં આવી રહી હતી. ફ્લિપકાર્ટ, અલિએક્સપ્રેસ સહિતનાં ઈ-કૉમર્સ પ્લૅટફોર્મ્સ તેમ જ ટીશૉપર અને એટસી જેવી ઈ-કંપની લૉરેન્સ બિશ્ર્નોઈ અને દાઉદ ઈબ્રાહિમ જેવા ગૅન્ગસ્ટરની પ્રસિદ્ધિ કરતાં ટી-શર્ટ વેચતાં હોવાનું અધિકારીઓની નજરે પડ્યું હતું.
આપણ વાંચો: દાઉદ ઈબ્રાહિમની જમીન ખરીદનાર વકીલને મળી ધમકી, કોની સામે નોંધાયો ગુનો?
મહારાષ્ટ્ર સાયબરની અખબારી યાદીમાં જણાવાયું હતું કે આ પ્રકરની સામગ્રી હાનિકારક છે, કારણ કે તેનાથી યુવાનોનાં નૈતિક મૂલ્યોનું અધ:પતન થાય છે અને ગુનાખોરી પ્રવૃત્તિના લોકોની પ્રશંસા થતી હોવાનું લાગે છે.
આ બાબતને ગંભીરતાથી લઈ મહારાષ્ટ્ર સાયબરે ભારતીય ન્યાય સંહિતાની કલમ 192, 196 અને 353 તેમ જ ઈન્ફર્મેશન ટેક્નોલૉજી ઍક્ટની જોગવાઈ હેઠળ ગુનો નોંધ્યો હતો. આ પ્રકરણે વધુ તપાસ ચાલી રહી હોવાનું અધિકારીનું કહેવું છે.