ટ્રમ્પનું ચૂંટાવું ભારત માટે ચિંતાનો વિષય? ટ્રમ્પની આ નીતિઓ ભારતને અસર કરશે
નવી દિલ્હી: યુએસ રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં રીપબ્લીકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પની જીત (Donald Trump won US election) થઇ છે. ટ્રમ્પની જીત થયાના તુરંત બાદ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Narendra Modi)એ તેમને અભિનંદન પાઠવતા X પર પોસ્ટ કરી છે. વડા પ્રધાન મોદીએ ટ્રમ્પને સારા મિત્ર ગણાવ્યા હતાં, અને ટ્રમ્પ સાથે તેમની અગાઉની મુલાકાતને યાદ કરી હતી. જોકે ટ્રમ્પનું ચૂંટાવું ભારત માટે ઘણા ક્ષેત્રમાં મુશ્કેલીઓ ઉભી કરી શકે છે.
ટ્રમ્પે તેમના પાછલા કાર્યકાળમાં ભારત માટે મુશ્કેલી ઊભી કરી હતી. યુરોપિયન યુનિયને ટ્રમ્પના ચૂંટાવાથી વેપાર ક્ષેત્રે ગંભીર અસર પડવાની આશંકા વ્યક્ત કરી છે. આવી સ્થિતિમાં જોવાનુ એ રહેશે કે આ કાર્યકાળમાં ભારત પ્રત્યે ટ્રમ્પનું વલણ કેવું રહેશે.
વેપાર નીતિ પર અસર:
અહેવાલ મુજબ ડોનાલ્ડ ટ્રમ્પ જાન્યુઆરીમાં અમેરિકાના રાષ્ટ્રપતિનું પદ સંભાળે એ બાદ ભારત સાથેના વ્યાપારી સંબંધો પર અસર પડી શકે છે. ડોનાલ્ડ ટ્રમ્પની આર્થિક નીતિઓ ‘અમેરિકા ફર્સ્ટ’ પર ધ્યાન કેન્દ્રિત કરે તેવી પૂરી સંભાવના છે, આવી સ્થિતિમાં ભારત જેવા દેશોને થોડી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.
ટ્રમ્પે તેમના પ્રથમ કાર્યકાળમાં અમેરિકન ઉદ્યોગોને પ્રાધાન્ય આપવાની નીતિ અપનાવી હતી. ભારત અને ચીન સહિત ઘણા દેશોમાંથી અમેરિકામાં આયાત પર ભારે ટેરિફ લડ્યો હતો. ટ્રમ્પે ભારતને ઘણા અમેરિકન ઉત્પાદનો પર ટેરિફ દૂર કરવા અથવા ઘટાડવા માટે પણ કહ્યું હતું. જો ટ્રમ્પના આગામી કાર્યકાળમાં પણ તેમનું વલણ આવું રહેશે તો, ભારત સાથે યુએસના વ્યાપારિક સંબધોને ભારે અસર પડશે.
વિઝા નીતિ પર અસર:
ચૂંટણી પ્રચાર દરમિયાન ટ્રમ્પ યુએસની મિગ્રન્ટ્સ પોલિસીમાં મોટા ફેરફારનું વચન આપી ચુક્યા છે, જેને ધ્યાનમાં રાખીને ભારત ટ્રમ્પની વિઝા નીતિ પર નજર રાખશે. તેમની નીતિઓ યુએસમાં રહેતા ભારતીયો માટે ઘણી સમસ્યાઓ ઊભી કરી શકે છે.
નોંધનીય છે કે અમેરિકાના ટેક્નોલોજી સેક્ટરમાં મોટી સંખ્યામાં ભારતીયો કામ કરે છે અને તેઓ ‘H-1 B’ વિઝા પર ત્યાં જાય છે. ટ્રમ્પે તેમના પ્રથમ કાર્યકાળ દરમિયાન ‘H-1B’ વિઝા નિયમો ઘણા કડક બનાવ્યા હતાં. જો ટ્રમ્પ તેમની અગાઉની નીતિને વળગી રહેશે તો અમેરિકામાં ભારતીયો માટે નોકરીની તકો ઘટી શકે છે.
Also Read – અમેરિકામાં ટ્રમ્પની જીતથી યુરોપમાં ગભરાટ; જર્મની અને ફ્રાન્સે ચિંતા વ્યક્ત કરી
કાશ્મીર મુદ્દે ટ્રમ્પની મધ્યસ્થી:
ટ્રમ્પે તેમના અગાઉના કાર્યકાળ દરમિયાન કાશ્મીર પર મધ્યસ્થીની વાત કરી હતી. ટ્રમ્પે દાવો કર્યો હતો કે વડા પ્રધાન મોદી પણ ઇચ્છે છે કે તેઓ કાશ્મીર પર મધ્યસ્થી કરે. જો કે, ભારતે તત્કાલીન અમેરિકન રાષ્ટ્રપતિના દાવાને ફગાવી દીધો હતો અને કહ્યું હતું કે વડાપ્રધાને ટ્રમ્પને આવું કંઈ કહ્યું નથી.
પાકિસ્તાને ટ્રમ્પના આ નિવેદનને આવકાર્યું હતું પરંતુ ભારત તેનાથી નારાજ થઈ ગયું હતું. વાસ્તવમાં, ભારતે ઘણી વખત કહ્યું છે કે તે કાશ્મીર પર કોઈની મધ્યસ્થી સ્વીકારશે નહીં.
હવે જોવાનું એ રહે છે કે આગામી ટર્મમાં કાશ્મીર મુદ્દે ટ્રમ્પનું વલણ કેવું રહેશે.