નવા વર્ષનો સંકલ્પ છે કે ….
કૌશિક મહેતા
ડિયર હની,
નવા વર્ષનો પ્રારંભ થઇ ગયો છે. એ વિષે સંદેશાઓની ભરમાર છે. હવે તો આ સંદેશા વાંચીને ઉબકા આવે છે. નવા વર્ષમાં સંકલ્પોની વાત પણ થયા કરે છે. નવા વર્ષમાં આ સંકલ્પ લેવો ને તે લેવો ….ન્યૂ યર રિઝોલ્યુશન … મોટાભાગે નવા વર્ષે સંકલ્પ લે છે અને પછી વર્ષનાં થોડા દિવસો વીતે કે એ બધા સંકલ્પ હવાહવાઈ થઇ જતા હોય છે. એના કરતાં તો સંકલ્પો લેવા જ નહિ એ વધુ સારું છે.
Also read: નૃત્ય મારો વ્યવસાય નહીં, મારા અસ્તિત્વનો અંશ છે
હા, એમ તો મેં એક વાર નક્કી કરેલું કે, ગિટાર શીખીશ. એક ગિટારવાદક મિત્રે તો કહેલું ય ખરું કે, રોજ એક કલાક આપો, છ મહિનામાં શીખડાવી દઈશ, પણ રોજ એક કલાક ના આપી શક્યો. સમય નહોતો એમ નહિ પણ સમયનું મેનેજમેન્ટ કરતા ના આવડ્યું. તારે કોઈ સંકલ્પ લેવાનો જ હોય તો કયો લે, એ જણાવજે. મને એ જાણવામાં રસ છે.
હા, મને ખબર છે કે, મારે કેવા સંકલ્પ લેવા જોઈએ એ વિષે તું શું માને છે. તું પહેલાં તો એમ જ કહીશ કે, ફોન કરીને પૂછીએ કે ક્યારે આવીશ? તો જવાબ મળે કે અડધો કલાકમાં, પણ એ અડધો કલાક તારો અડધો કલાક ક્યારેય નથી હતો….તો એવો સંકલ્પ લે કે, તું અડધો કલાક કહે તો અડધો કલાકમાં જ આવે. આ અડધો કલાક લાંબો થઇ જાય ત્યારે રાહ જોવી બહુ મુશ્કેલ બની જતી હોય છે.
તારી વાત સાચી છે, પણ સાચું કહું, આપણે ક્યાંય બહાર જવાનું હોય અને હું પૂછું કે, કેટલી વાર? તો તારો એક જ જવાબ હોય કે, બસ પાંચ મિનિટ અને આ તારી પાંચ મિનિટ પણ મારા અડધા કલાક જેવી હોય છે અને એ વિતાવવાનું પણ તારી જેમ જ મુશ્કેલ બની જતું હોય છે. મને એ ક્યારેય સમજાયું નથી કે, સ્ત્રીને તૈયાર થવામાં આટલી બધી વાર કેમ લાગતી હશે? કદાચ આ સવાલ દરેક પુરુષને સતાવે છે કારણ કે એ યુનિવર્સલ છે. તો ચાલ, સંકલ્પ લઈએ કે, મારી અડધી કલાક અડધી કલાક જ હશે અને તારી પેલી પાંચ મિનિટ પાંચ મિનિટ જ રહેશે.
Also read: અહીં નવી જ દૃષ્ટિ -નવી જ દિશા મળે છે…
તને વાંચવાનો શોખ છે ને મને તો છે જ. મારી પાસે ઘણાં બધાં પુસ્તકો એવા ય છે જે વાંચવા બાકી છે. સાથે ઘણાં બધાં એવાય છે કે બીજીવાર વાંચવા જોઈએ. જોકે, એવું બનતું નથી. મને એક વિચાર આવે છે કે, દર અઠવાડિયે આપણે એક દિવસમાં એકાદ કલાક એવો રાખીએ કે જેમાં માત્ર પુસ્તક વિશે જ વાત થાય. તું એકાદ પુસ્તક વાંચ અને હું પણ વાંચું. પછી બંને એ પુસ્તક વિશે વાત કરીએ. પુસ્તકમાં સારું શું છે, એમાં ના ગમ્યું એ એવું શું છે? એના વિષે ચર્ચા કરીશું. બહુ મજા આવશે. મને ખબર છે કે, તને અશ્ર્વિની ભટ્ટ ગમે છે અને તને ખબર છે કે, મને હરકિસન મહેતા ય ગમે છે અને ચન્દ્રકાન્ત બક્ષી પણ…. કોઈ વાર કોઈ હિન્દી કે અંગ્રેજી લેખક વિષે પણ વાત થઇ શકે. કોઈ ગમતી કવિતા વિષે કેમ વાત ના થાય !
-અને હા,એક સંકલ્પ તો લેવો જ છે. દર વર્ષે આઠ દસ દિવસ આપના બંને માટે આપવા છે અને એ માટે કોઈ ના જોયેલી કે અજાણી જગાએ જવું છે. એ માટે આગોતરું આયોજન પણ કરી લઈશું. એ માટે કોઈ ટ્રાવેલ એજન્ટ પાસે પેકેજ કરાવવું જ એવું જરૂરી નથી. આપણે આપણી રીતે જઈશું. એ કારણે થોડી અગવડ પડી શકે પણ એની ય મજા છે. બધું પહેલેથી જ નિર્ધારિત કરીને જઈએ તો એ પછી રૂટિીન બનવા લાગે છે. રોજ સવારે ગાડીમાં બેસી જવાનું, નક્કી થયેલા સ્થળોએ જવાનું અને ફટાફટ બીજા સ્થળે પહોચવાનું. એમાં શું મજા આવે? કોઈ સ્થળ તમને વધુ ગમે તો ત્યાં વધુ સમય રોકાઈ ના શકીએ તો ત્યાં જવાનો શો ફાયદો? એકાદ જગા છૂટી જાય તો ભલે છૂટી જાય, પણ ગમતા સ્થળની યાદો શ્ર્વાસોમાં ભરવા ના મળે તો એ તો ફોગટ ફેરો ગણાય.
છેલ્લે એક વાત કરુંં તો એ તારા લગતી છે. તું કોઈ વાતે ગુસ્સે થાય અને પછી રીસે ચઢે ત્યારે મારી શું હાલત થાય છે એ તને કેમ બયાં કરું. તું રિસાયેલી રહે છે એ સમય મારા માટે બહુ અકારો હોય છે. હું મારા કામે તો જાઉં છું પણ કામમાં મન લાગતું નથી. તારું રિસાયેલું મોં મારા સામે તરવર્યા કરે છે. શું આ રિસાવાનો સમય છે એ ઘટી ના શકે? તું રિસાય તો મને મનાવવામાં કોઈ વાંધો નથી, પણ એમાં સફળ થવામાં મને વાર બહુ લાગે છે અને એનું કષ્ટ બહુ થાય છે. તો નક્કી કર કે રિસાઈશ નહિ અને રિસાય તો જલદી માની જઈશ. લેડી છો, છતાંય આજે જેન્ટલમેન પ્રોમિસ આપ !
નવા વર્ષમાં આટલું નક્કી કરીએ તો ઘણું.
તારો બન્ની