બોલિવૂડનું સ્વીટ કપલ આલિયા ભટ્ટ અને રણબીર કપૂરની દીકરી રાહા કપૂરનો બીજો જન્મદિવસ 6 નવેમ્બર, 2022ના રોજ હતો. આલિયા અને રણબીરે તેમની પુત્રી રાહાના 2જા જન્મદિવસની ઉજવણી જંગલ-થીમ આધારિત પાર્ટી સાથે કરી હતી. જેમાં તેમના પરિવારજનો અને મિત્રોએ હાજરી આપી હતી.
રણબીર કપૂર અને આલિયા ભટ્ટની દીકરીની બર્થડે પાર્ટીમાં બેબી રાહા સાથે આખો પરિવાર જોવા મળ્યો હતો. રણબીર અને આલિયાએ તેમની પ્રિય રાહાના જન્મદિવસને ખાસ બનાવવા માટે કોઈ કસર છોડી ન હતી. તેથી જ થીમથી લઈને કેક સુધીની દરેક વસ્તુ યુનિક હતી. રાહાના ગ્રીન કેક પર જંગલની થીમ સાથે મેળ ખાતા લીલા પાંદડાઓ સાથે સિંહ, સસલું, રીંછ અને ઝેબ્રા જેવા પ્રાણીઓ દર્શાવવામાં આવ્યા હતા. કેક પર “રાહા 2” લખેલું હતું. આલિયાએ જંગલની થીમ પસંદ કરી અને ઘરની અંદર લીલુંછમ વાતાવરણ બનાવ્યું હતું. રાહાની બર્થડે પાર્ટીમાં લીલા અને સફેદ રંગના ફુગ્ગા લગાવવામાં આવ્યા હતા. પાર્ટીમાં ટેટૂ મેકિંગનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. પૌત્રી રાહાના જન્મદિવસ પર, તેના નાના મહેશ ભટ્ટ પણ બાળક બન્યા હતા અને મિકી-મીની સાથે મસ્તી કરતા જોવા મળ્યા હતા.
આ પાર્ટીમાં ફિલ્મમેકર કરણ જોહર પોતાના બાળકો યશ અને રૂહી સાથે પહોંચ્યા હતા. આલિયા-રણબીરનો મિત્ર અયાન મુખર્જી પણ કરીના કપૂર ખાન સાથે પાર્ટીમાં જોડાયો હતો, કરીના તેના નાના પુત્ર જહાંગીર અલી ખાનને જન્મદિવસની પાર્ટીમાં લઇ આવી હતી.
આ પણ વાંચો…..ફિલ્મ ‘ધ સાબરમતી રિપોર્ટ’ માટે વિક્રાંત મેસીને મળી રહી છે ધમકીઓ: ગોધરા કાંડની છે સ્ટોરી
આ અવસર પર દાદી નીતુ કપૂર, નાની સોની રાઝદાન અને ફોઇ રિદ્ધિમા કપૂરે ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા. આલિયાએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ રાહાના જન્મના થોડા અઠવાડિયા પછીનો એક ફોટો પણ શેર કર્યો હતો. આ ફોટોમાં આલિયા બેબી રાહાને પોતાના ખોળામાં પકડી રહી છે અને રણબીર તેની દીકરીને પ્રેમથી જોઈ રહ્યો છે. આલિયાએ આ ફોટો પોસ્ટ કરતાની સાથે જ તે વાયરલ થઈ ગયો હતો અને નેટીઝન્સે તેના પર પ્રેમનો વરસાદ કર્યો હતો. આલિયાએ સાથે ખાસ પોસ્ટ પણ લખી છે. તેણે લખ્યું છે કે’બે વર્ષ થઈ ગયા અને મને એ સમય ફરી જીવવાનું મન થાય છે જ્યારે તમે થોડા અઠવાડિયાના હતા. પરંતુ કદાચ માતા-પિતા બન્યા પછી દરેકને લાગે છે કે તમારું બાળક હંમેશા બાળક રહેવું જોઈએ. હેપ્પી બર્થ ડે મારી જાન જન્મદિવસની શુભેચ્છાઓ.. તમે છો તો મને દરેક દિવસ જન્મદિવસના કેક જેવો લાગે છે,’ આલિયાએ લાગણી વ્યક્ત કરી .