ગાંધીજી વિશે અન્ય કોઇ પુસ્તક-ગ્રંથ ના હોય અને માત્ર આ આઠ ગ્રંથો રહી જાય તોયે એ સંપૂર્ણ થઇ રહે છે
નરીમાન પોઈન્ટની પાળેથી -મૂળચંદ વર્મા
મહાનગરી મુંબઇ એ વૈભવની નગરી છે, છતાં અહીં એવા મસ્તમૌલા, અલગારી આદમીઓ થાય છે કે જેમને વૈભવની તલમાત્ર તૃષ્ણા પણ હોતી નથી. એવા એક અલ્લડ-ઓલિયા આદમીને સ્વતંત્ર ભારતના પ્રથમ વડા પ્રધાન અને ત્રણ દાયકાથી અધિક સમય એકચક્રી સત્તાધીશ શ્રી જવાહરલાલ નેહરુ સાથે અંતરંગ મિત્રતા હતી. શ્રી નહેરુના નાસ્તાના ટેબલ ઉપરથી બેધડક, બિન્ધાસ્ત રીતે સફરજનની ફાડ ઊંચકીને મોઢામાં મૂકી દેતા અને શ્રી નહેરુ પોતાના હાથે સફરજન કાપીને એમને હેતપૂર્વક ખવડાવતા. આ મસ્ત ફકીર માણસે ઇચ્છયું હોત તો એને રશિયા કે જર્મનીના એમ્બેસેડર બનાવવામાં આવ્યા હોત. ખુશખુશાલ રાજ્યસભાના સભ્ય તરીકે નિમણૂક કરી હોત. પણ… એ એલિયો આદમી નિસ્પૃહ રહ્યો અને મહાનગર મુંબઇની શેરીઓમાં રખડવાનું ઝાઝું પસંદ કર્યું. એ આદમી જેવી તેવી હયાતીનો નહોતો. એ માણસે આઠ આઠ ગંજાવર ગ્રંથોમાં મહાત્મા ગાંધીનું જીવનચરિત્ર અલેખ્યું છે. મહાત્મા ગાંધીજી વિશે અન્ય કોઇ પુસ્તક-ગ્રંથ ના હોય અને માત્ર આ આઠ ગ્રંથો રહી જાય તોયે ભાવિ પેઢીના વિદ્વાનોને અધ્યયન માટે એ સંપૂર્ણ થઇ રહે છે. સ્વયં ગાંધીજીએ એ ગ્રથોનાં પ્રૂફો વાંચવાનું પસંદ કર્યું હતું. આ અલગારી આદમી તે શ્રી ડી. જી. તેંડુલકર એટલે કે શ્રી દીનાનાથ ગોપાળ તેંડુલકર.
આખી દુનિયામાં તેઓ પરિભ્રમણ કરી આવ્યા હતા અને યુવાનીમાં રશિયામાં વસવાટ કરી આવ્યા હતા. છતાં, મુંબઇમાં ખાદીની હાફપેન્ટ અને અડધી બાંયનું શર્ટ પહેરીને ફરતા એવા જ પોશાકમાં વડા પ્રધાન શ્રી જવાહરલાલ નહેરુ અને શ્રીમતી ઇંદિરા ગાંધીના નિવાસસ્થાને પહોંચી જતા હતા. ગાંધીજીના જીવનચરિત્રનાં આઠ ગ્રંથોએ સાત સમંદર પાર એમને અતાગ ખ્યાતિ અપાવી હતી, પરંતુ આ માણસ ધરતી ઉપર જ રહ્યો. છ-સાત હજાર પાનાંના ગ્રંથ લખવા એ કંઇ સરળ કાર્ય નથી. સાહિત્ય એકેડેમીએ જ્યારે એમનો પરિચય (બાયોડેટા) મંગાવ્યો તો માત્ર આટલી જ માહિતી મોકલાવી:
‘નામ: દીનાનાથ ગોપાળ તેંડુલકર,
જન્મતારીખ: ૧-૧૦-૧૯૦૯,
જન્મસ્થાન: રત્નાગિરિ,
શિક્ષણ: બી.એ. (ઓનર્સ)
વ્યવસાય: લેખન.’
શ્રી ડી. જી. તેંડુલકર પ્રખર લેખક ઉપરાંત કાબેલ ફોટોગ્રાફર હતા. એમના હજારો ફોટોગ્રાફસ દેશ-પરદેશનાં સામયિકોમાં પ્રગટ થયા છે. પણ પોતાનો એક પણ ફોટોગ્રાફ એમણે પાડયો-પડાવ્યો નહોતો.
શ્રી તેંડુલકરના પિતા મુંબઇની એક પ્રાથમિક શાળાના શિક્ષક હતા એટલે દીનાનાથે પિતાના ઘરમાં શ્રીમંતાઇ ભાળી જ નહોતી. ફુરસદના સમયે એમના પિતા બેરિસ્ટર વેલીંગકરની કાલબાદેવી ખાતે આવેલી વેલીંગકર ચાલના મહેતાજી હતા અને ભાડું ઉઘરાવીને હિસાબ રાખતા હતા. આથી એમને કાલબાદેવીની ચાલમાં એક નાનકડી ખોલી-ઓરડી આપવામાં આવી હતી. શ્રી ડી.જી. તેંડુલકર પણ અહીં જ રહેતા હતા. જ્યારે એક દિવસ શ્રી નહેરુ આ ઓલિયા-મસ્તકલંદર માણસની ઓરડીએ પહોંચી ગયા તો જોયું કે સાંકડી- અંધારી ઓરડીમાં પુસ્તકો-સામયિકોના ખડકલા વચ્ચે એક સામાન્ય ખાટલા પર બેસીને મહાત્મા ગાંધીના જીવનગ્રંથો લખી રહ્યા હતા. મુંબઇ રાજયના મુખ્ય પ્રધાનને શ્રી જવાહરલાલ નહેરુએ પોતે ડી.જી.ને જમીન-ઘર આપવા ભલામણ કરી.
શ્રી ડી. જી. તેંડુકરને નારાયણ દાભોલકાર રોડ, મલબાર હીલ પરિસરમાં ‘રોકહિલ’ ખાતે જમીનનો નાનકડો પ્લોટ ફાળવવામાં આવ્યો હતો. શુભેચ્છકોએ એમને નાનકડું, રમણીય મકાન બંધાવી આપ્યું હતું. શ્રી તેંડુલકરે લગ્ન કર્યાં નહોતાં અને ૧૯૭૪માં મરણ પામ્યા ત્યારે એ તમામ મિલકત વસિયતનામામાં મહારાષ્ટ્ર સરકારને સોંપી ગયા હતા. એવો હતો આ નિસ્પૃહ આદમી.
ડી.જી.એ પોતાના નાનકડા ને નમણા મકાનની આસપાસ એક સુંદર બગીચો બનાવ્યો હતો અને પોતે જ માળી તરીકે કામ કરતા હતા. બગીચામાં પપૈયાનાં ઝાડ વિશેષ વાવ્યાં હતાં ભૂખ લાગે તો પપૈયું ઉતારીને આરોગતા અને આખો દિવસ એમ જ કાઢી નાખતા હતા. શ્રી ઇન્દુલાલ યાજ્ઞિકની જેમ આ ભેખધારી માણસ પણ મિત્રો ને પરિચિતોને ત્યાં જઇ જમી લેતા હતા અને સહુ એમને હેતથી આવકારતા હતા.
મુંબઇ કૉંગ્રસ સેવાદળના એક સમયના સરસેનાપતિ સ્વ. શર્માજી સાથે એમને ભાઇબંધી, શ્રી શર્માજી તો એસ. કે. પાટીલના જમણા હાથ. ત્યારે શ્રી એસ. કે. પાટીલ રેલવે પ્રધાન હતા એટલે દર શનિવારે સાંજની ફલાઇટમાં મુંબઇ આવે અને સોમવારે સવારની ફલાઇટમાં દિલ્હી જાય. શ્રી પાટીલને માટે એરપોર્ટથી ઘર સુધી પશ્ર્ચિમ રેલવે તરફથી કાર મોકલવામાં આવતી હતી. એક સોમવારની સવારે શર્માજીએ ડ્રાઇવરને કહ્યું કે એરપોર્ટ જતી વખતે નારાયણ દાભોલકર રોડથી લઇ લેજો. શ્રી પાટીલે પૂછયું તો કહે: ‘તેંડુલકરજી શ્રીમતી ઇંદિરા ગાંધી માટે કંઇક ભેટ મોકલનાર છે.’
જ્યારે કાર પહોંચી તો સફેદ, સરસ કાગળમાં એક મોટું પાકેલું પપૈયું લઇને ડી.જી. આવ્યા અને શ્રી પાટીલને વિનંતી કરી કે શ્રીમતી ઇંદિરા ગાંધીને પહોંચાડી દેજો મારા બગીચામાં ખાસ ઉગાડયું છે.
ડી.જી. તે રાતે ઊંઘ્યા જ નહોતા. રાતે બે વાગ્યે ઊઠીને પણ પપૈયુ જોયું હતું. મળસ્કે પંખીઓ ટહુકી ઊઠયાં ત્યારે પપૈયુ તોડ્યું હતું અને કાળજીથી પેકિંગ કર્યું હતું.
ગાંધીજીનું સંપૂર્ણ જીવનચરિત્ર આલેખનાર ડી. જી. શુષ્ક માનવી નહોતો. રસિક મિજાજના માણસ હતા. ‘પાશ્ર્ચાત્ય સંગીતનો બેનમૂન ટેપસંગ્રહ તેમની પાસે હતો. બિથોવનની તમામ ‘સિમ્ફની’ની ટેપ તેમના સંગ્રહમાં હતી.
ઘરમાં એમણે પસંદગીના કૂતરાં-બિલાડા વસાવ્યાં હતાં. બિલાડી એમના ખાટલાના એક ખૂણે રજાઇ ઓઢીને સૂઇ રહેતી તો ખાટલા નીચેની રાજગાદી કૂતરાઓ હસ્તક હતી. કોઇ મિત્રે એમને રીંછનું ચામડું આપ્યું હતું. પાટીવાળા ખાટલા પર રીંછનું આ ચામડું પાથરતા, તેની ઉપર ચટાઇ પાથરીને ચાદર ઓઢીને આ માણસ ઊંઘી જતો. એમને એકમાત્ર વ્યસન હતું. સતત સિગારેટ પીવાનું.
એક વાર એક પ્રતિષ્ઠિત સંસ્થાના કાર્યકર એમના નિવાસસ્થાને સંસ્થાની વિશેષ સભાના અધ્યક્ષ બનવાનું આમંત્રણ આપવા પહોંચી ગયા ત્યારે ડી. જી. બગીચામાં કામ કરી રહ્યા હતા એટલે તેમને માળી સમજીને પૂછયું: ‘એય માળી, તેંડુલકર સાહેબ ઘરે છે?’
‘તમે ત્યાં જઇને બેસો, હું મોકલું છું.’
બાગકામ પૂરું કરીને તેંડુલકર પેલા કાર્યકર પાસે પહોંચ્યા અને કહ્યું: ‘તમને ચા મળે એવો સંભવ નથી કારણકે ઘરમાં ચા અને દૂધ બંને નથી અને કોઇ અન્ય બનાવનાર નથી.
‘હું તેંડુલકર.’
‘તમે કઇ કહો તો પહેલાંજ ચોખવટ કરી લઇએ કે મને ભાષણબાજી આવડતી નથી. બે-ચાર માણસોમાં ભળવાનું મને પસંદ નથી હું કદી સ્ટેજ ઉપર બેસતો નથી ત્યાંથી બોલતા મારા વિશે જરા જેટલુંય વર્તમાનપત્રોમાં પ્રગટ થાય એ મને જરાયે ગમતું નથી. છેલ્લી વાત એ કે મને કોઇ સૂચના કરે કે આમ કરો અને તેમ કરો તે પ્રત્યે મને પુષ્કળ નફરત છે. આ રીતે હું તમારે માટે જરાયે કામનો માણસ નથી.’
‘ત્યારે સાહેબ, મને મારા પ્રેસિડન્ટને ફોન કરીને તેમની સાથે વાત કરી લેવા દેશો?’ કાર્યકરે ગભરાઇ જઇને કહ્યું.
‘જુઓ, વાંચો મારા ઘરનું નામ- ‘એકાન્ત’. અહીં મને ટેલિફોનની ઘંટડીનો ઘોંઘાટ પરવડી શકે નહીં એટલે મને આપવામાં આવેલો ટેલિફોન પણ મેં પરત કરી દીધો છે.’
એલ્ફિન્સ્ટન કૉલેજમાંથી ગણિતના ખાસ વિષય સાથે ડી.જી. સાહેબ બી.એ. થયા હતા અને ઉચ્ચ અભ્યાસ માટે ટોપીવાલા દેસાઇની સ્કોલરશીપ મેળવીને કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં દાખલ થયા હતા.
ત્યાં ૧૯૩૦માં મહાત્મા ગાંધીજીએ દાંડીકૂચની હાકલ કરી એટલે અભ્યાસ પડતો મૂકીને ઇંગ્લેન્ડથી અમદાવાદ જઇ પહોંચ્યા હતા. રાષ્ટ્રીયતાની ખુમારી એમનામાં બાળપણથી હતી. એમના પિતાના વર્ગમાં ભણતા હતા, ત્યારે પ્રથમ વિશ્ર્વયુદ્ધના દિવસો હતા આ યુદ્ધમાં બ્રિટિશનો જયજયકાર થાઓ એવી સામૂહિક પ્રાર્થના દરરોજ શાળામાં વગડાવવામાં આવતી હતી. આ પ્રાર્થનામાં બાળક ડી.જી.એ ભાગ લેવાનો ઇન્કાર કરતાં પિતાના હાથે સહુની હાજરીમાં ચમચમ સોટીનો માર ખાવો પડયો હતો.
દાંડીકૂચ વખતે ડી.જી. પોતે શ્રી નહેરુના ગાઢ સંપર્કમાં આવ્યા હતા અને યુસુફ મેહરઅલી તેમના ખાસ મિત્ર હતા. દાંડીકૂચ પછી ગાંધીજી પ્રવૃત્તિમાં થોડા ટાઢા પડી ગયા એટલે ફરીવાર યુરોપ ઉચ્ચ અભ્યાસ માટે જવાનું નક્કી કર્યું. ફરીવાર ટોપીલાલા દેસાઇની સ્કોલરશીપ મેળવી જર્મની ગયા અને ત્યાં ગોતીંજન યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવ્યો. નાઝીઓનું ત્યારે ચલણ હતું. ડી.જી. સામ્યવાદી છે એવી ગંધ જતાં તેમને એક મહિના સુધી જેલમાં પૂરી દેવામાં આવ્યા. જેલમાંથી છૂટીને પેરિસ પહોંચ્યા અને ત્યાંથી રોમાં રોલાંની ભલામણ ચિઠ્ઠી લઇ ૧૯૩૪ના સપ્ટેમ્બરમાં રશિયા પહોંચી ગયા. ત્યાં ફોટોગ્રાફી – ફિલ્મોગ્રાફીનો અભ્યાસ કર્યો, રશિયામાં અઢી વર્ષ રહ્યા હતા અને યુવાન ડી.જી. રશિયન યુવતીના પ્રેમમાં પણ પડ્યા હતા એમ શર્માજી કહેતા હતા. આ પ્રેમજીવન દીર્ઘ લગ્નજીવનમાં પરિણમ્યું નહોતું અને ભારત આવીને ડી.જી.એ કદી લગ્ન વિશે વિચાર્યું નહોતું.
આ એકલ આદમીનું મૃત્યુ પણ ‘એકાન્ત’માં શાંત પગલે આવ્યું હતું. એમની નજીકમાં તે વખતે ‘ટાઇમ્સ ઓફ ઇન્ડિયા’ના તંત્રી શ્રી શામલાલ રહેતા હતા. એમને ત્યાં રાતે જમીને આવ્યા અને ઊંઘી ગયા. સવારે દૂધની બાટલી લીધી. દૂધ ગરમ કરીને પીધું અને ખાટલા પર આરામ કરવા આડા પડ્યા તે ફરી ઊઠયા જ નહીં. (ક્રમશ:)