ભારતના બે સ્ટાર ખેલાડીએ આઇપીએલના ઑક્શન માટે મૂળ કિંમત કેમ આટલી નીચી રાખી?
મુંબઈ: આઇપીએલની આગામી સીઝન પહેલાં ખેલાડીઓ માટેનું મેગા ઑક્શન યેાજાશે અને એની તારીખ તથા સ્થળ જાહેર થઈ ગયા બાદ હવે ખેલાડીઓની બાબતમાં નિતનવા સમાચારો જાણવા મળશે. મિડલ-ઑર્ડરના બૅટર સરફરાઝ ખાન અને ઓપનર પૃથ્વી શૉએ હરાજીમાં પોતાના નામે બિડ કદાચ નહીં બોલાય એવા ડરથી પોતાની નીચી મૂળ કિંમત નક્કી કરી હોવાનું જાણવા મળ્યું છે.
આગામી ૨૪-૨૫ નવેમ્બરે સાઉદી અરેબિયાના જેદ્દાહમાં આઇપીએલ માટેનું મેગા ઑક્શન યેાજાવાનું છે.
મુંબઈના બે ટૅલન્ટેડ બૅટર સરફરાઝ ખાન અને પૃથ્વી શૉએ પોતાના માટે માત્ર ૭૫-૭૫ લાખ રૂપિયાની બેઝ પ્રાઇસ નક્કી કરી છે. બન્ને આક્રમક બૅટરનું એવું માનવું છે કે જો મેાટી મૂળ કિંમત રાખવામાં આવશે તો કદાચ કોઈ ટીમ બિડ નહીં મૂકે એટલે સાધારણ બેઝ પ્રાઇસ રાખવી જ સારી.
આ પણ વાંચો: નિવૃત્તિ પહેલા શાકિબ અલ હસનની બોલિંગ એક્શન પર સવાલ ઉઠ્યા, કડક એક્શન લેવામાં આવી શકે છે
શાર્દુલ ઠાકુર અને વૉશિંગ્ટન સુંદરે બે-બે કરોડ રૂપિયાની બેઝ પ્રાઇસ નક્કી કરી છે, જ્યારે સરફરાઝ અને પૃથ્વીએ હરાજીમાં પોતાની શરુઆતને સલામત રાખવાનો અભિગમ રાખ્યો છે.
ઉલ્લેખનીય છે કે ૨૦૨૪ના ઑક્શનમાં એકેય ટીમે સરફરાઝ ખાનને નહોતો ખરીદ્યો. તે હવે કૅપ્ડ પ્લેયર (ભારત વતી રમી ચૂકેલો ખેલાડી) છે એટલે તે પોતાની બેઝ પ્રાઇસ ૫૦ લાખ રૂપિયાથી નીચે ન રાખી શકે. સરફરાઝ ટી-૨૦ ફૉર્મેટમાં ખાસ કંઈ ઝળક્યો નથી એવું માનીને ઘણા ફ્રૅન્ચાઇઝીઓ તેને ખરીદવાનું ટાળે, પણ હવે તે ભારતીય ટીમનો મેમ્બર હોવાથી તેની પાછળ કમસે કમ ૭૫ લાખ રૂપિયા તો ફાળવી જ શકે.
આ પણ વાંચો: Birthday Virat Kohli: 36 વર્ષનો થયો કિંગ કોહલી, ક્રિકેટના આ મોટા રેકોર્ડ કર્યા પોતાના નામે
અહીં એ પણ ઉલ્લેખનીય છે કે ૨૦૧૫માં સરફરાઝે આઇપીએલમાં અસાધારણ ડેબ્યૂ કર્યું હતું. જોકે ત્યાર બાદ તેને આ લીગ ટૂર્નામેન્ટમાં ફક્ત ૩૭ મૅચ રમવા મળી છે. એમાં તેણે ૧૩૦.૫૮ના સ્ટ્રાઇક-રેટ સાથે કુલ ૫૮૫ રન બનાવ્યા છે જેમાં તેની એક હાફ સેન્ચુરી સામેલ છે.
૨૦૨૨ અને ૨૦૨૩માં પૃથ્વી શૉને દિલ્હી કૅપિટલ્સે ૭.૫ કરોડ રૂપિયા આપ્યા હતા, પરંતુ તેનું ફૉર્મ અને તેનું વર્તન સતત ચર્ચામાં રહ્યા છે. એક વર્ષથી તેની ફિટનેસ પણ ચર્ચાસ્પદ રહી છે. દિલ્હીના ભૂતપૂર્વ હેડ-કોચ રિકી પૉન્ટિંગે એક વખત ત્યાં સુધી કહ્યું હતું કે પૃથ્વીએ એક વાર તેના ખરાબ ફૉર્મ છતાં નેટ પ્રૅક્ટિસમાં બૅટિંગ કરવાની ના પાડી હતી.
એ ભૂતકાળને ધ્યાનમાં રાખીને પૃથ્વીએ પોતાની બેઝ પ્રાઇસ બે કરોડને બદલે ૭૫ લાખ રૂપિયા રાખવાનું પસંદ કર્યું હશે.
કોની કેટલી બેઝ પ્રાઇસ? ખેલાડીઓના નામ પર કરીએ એક નજર…
બે કરોડ રૂપિયા: રિષભ પંત, કેએલ રાહુલ, શ્રેયસ, અશ્વિન, ચહલ, શમી, ખલીલ અહમદ, દીપક ચાહર, વેન્કટેશ ઐયર, આવેશ ખાન, ઇશાન કિશન, મુકેશ કુમાર, ભુવનેશ્વર, પ્રસિદ્ધ ક્રિષ્ના, નટરાજન, પડિક્કલ, કૃણાલ પંડ્યા, હર્ષલ પટેલ, અર્શદીપ, વૉશિંગ્ટન સુંદર, શાર્દુલ, સિરાજ, ઉમેશ યાદવ, સ્ટાર્ક, જોફરા આર્ચર, બટલર, મૅક્સવેલ, સ્ટીવ સ્મિથ, જૉની બેરસ્ટૉ, રબાડા, માર્ક વૂડ અને ગસ ઍટકિન્સન.
૧.૨૫ કરોડ રૂપિયા: જેમ્સ ઍન્ડરસન
૭૫ લાખ રૂપિયા: સરફરાઝ ખાન અને પૃથ્વી શૉ