ભુજની પાલારા જેલમાંથી પેરોલ પર છૂટ્યા બાદ ફરાર થઇ ગયેલો નકલી કલેકટર ભોપાલથી ઝડપાયો
ભુજઃ ચાર વર્ષ પહેલાં વસંત કેશવજી ભોજવિયા નામના ભેજાબાજ શખ્સે પોતે આઈએએસની પરીક્ષા પાસ કરી કલેકટર માટે સિલેક્ટ થયો હોવાનો દાવો કરી, મોરબી શહેરમાં કેટલાક લોકો સાથે ૧૩.૮૦ કરોડ જેટલી રકમની છેતરપિંડી આચરી હતી. તે સમયે ભારે ચર્ચાસ્પદ બનેલા ગુનામાં આરોપી ભુજ જેલમાંથી પેરોલ પર છૂટ્યા બાદ ફરાર થઈ ગયો હતો. જે અઢી વર્ષ બાદ ફરી પોલીસની ઝપટે ચડ્યો હતો..
વર્ષ ૨૦૧૯માં આરોપી વસંત કેશવજી ભોજવિયા પોતે આઇએએસ બની અને કલેકટર હોવાનો દાવો કરી રૂપિયાની જરૂર હોવાથી ફરિયાદી પાસેથી કટકે કટકે ૧૩.૮૦ કરોડ જેટલી માતબર રકમ પડાવી લીધી હતી. તેમજ અન્ય એક આરોપીને બેંક અધિકારી તરીકે બતાવી નકલી ડીડી બનાવી છેતરપિંડી કરવામાં આવી હતી. આ ઘટનામાં પોલીસે આરોપીને ભુજની પાલારા જેલમાં ધકેલી દીધો હતો. ત્યાંથી તેને થોડા સમય માટે પેરોલ પર મુક્ત કરાયા બાદ હાજર થવાને બદલે તે નાસી ગયો હતો.
આ પણ વાંચો : કચ્છના ચકચારી હનીટ્રેપ ગુનામાં દોઢ વર્ષથી ફરાર મહિલા વકીલ ભુજથી ઝડપાઇ…
કોર્ટે ૨૩-૦૩-૨૦૨૨ના રોજ હાજર થવા હુકમ કર્યો હોવા છતાં ફરાર થઈ ગયો હતો. જે બાદ પોલીસે વસંતને મધ્યપ્રદેશના ભોપાલ ખાતેથી દબોચી લીધો હતો અને કોર્ટના આદેશથી ફરી ભુજની ખાસ પાલરા જેલમાં ધકેલી દેવામાં આવ્યો હતો.