“જેનું ઘર તોડ્યું તેને 25 લાખનું વળતર આપો” સુપ્રીમનો યોગી સરકારને આદેશ
નવી દિલ્હી: ઉત્તર પ્રદેશમાં બુલડોઝર કાર્યવાહીને લઈને સુપ્રીમ કોર્ટે મોટો ચુકાદો સંભળાવ્યો છે. કોર્ટે ઉત્તર પ્રદેશ સરકારને જે વ્યક્તિનું ઘર બુલડોઝરથી તોડી પાડ્યું છે તેને 25 લાખ રૂપિયાનું વળતર આપવાનો આદેશ આપ્યો છે. આ કેસમાં CJIએ કહ્યું કે ઘર તોડવામાં કોઈ પ્રક્રિયાનું પાલન કરવામાં આવ્યું નથી. સરકારે પોતે જ એફિડેવિટ આપીને કહ્યું છે કે આ મામલે કોઈ નોટિસ જારી કરવામાં આવી નથી.
CJIએ નારાજગી વ્યક્ત કરી
ચીફ જસ્ટિસ ડી વાય ચંદ્રચૂડે કહ્યું કે ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે કે માત્ર 3.6 ચોરસ મીટરનું દબાણ હતું. તમારા દ્વારા આનો કોઈ પુરાવો આપવામાં આવ્યો નથી અને નોટિસ આપ્યા વિના તમે કોઈનું ઘર તોડવાનું કેવી રીતે શરૂ કરી શકો? કોઈના ઘરમાં ઘૂસી જવું એ અરાજકતા છે અને આ માટે પીડિતોને 25 લાખ રૂપિયાનું વળતર આપવું જોઈએ. જ્યારે ઉત્તર પ્રદેશ સરકારની બુલડોઝર કાર્યવાહી કરી હતી ત્યારે સુપ્રીમ કોર્ટે પણ નારાજગી વ્યક્ત કરી હતી.
આપણ વાંચો: વીમા કંપનીઓને ઝટકો! LMV લાયસન્સ ધારકો અંગે સુપ્રીમ કોર્ટે આપ્યો મહત્વનો ચુકાદો
કેમ કોઇ પ્રક્રિયાનું પાલન ન કરાયું?: કોર્ટ
કોર્ટે સરકારની આકરી ઝાટકણી કાઢતા કહ્યું હતું કે આ કાર્યવાહી સંપૂર્ણરીતે તમારી મનમાની છે. અમારી પાસે એફિડેવિટ છે. તમે સાઇટ પર જઈને જ સીધું મકાન તોડી પાડવાનો આદેશ આપી દીધો હતો. જસ્ટિસ જે. બી. પારડીવાલાએ કહ્યું કે, તે અનધિકૃત છે તે કહેવા માટે તમારી પાસે શું આધાર છે, તમે 1960થી શું કર્યું, છેલ્લા 50 વર્ષથી શું કરી રહ્યા હતા. CJIએ કહ્યું કે મનોજ ટિબ્રેવાલ દ્વારા વોર્ડ નંબર 16 મોહલ્લા હમીદનગરમાં સ્થિત તેમના પૈતૃક મકાન અને દુકાનને તોડી પાડવાની ફરિયાદ કરીને લખવામાં આવેલા પત્ર અંગે કોર્ટ દ્વારા સુઓ મોટો લેવામાં આવ્યું હતું.
કોર્ટે સરકારને કર્યા તીખા સવાલ:
સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે ઉત્તર પ્રદેશ સરકારને કહ્યું કે તમારા અધિકારીએ ગઈકાલે રાત્રે રોડ પહોળો કરવા માટે પીળા નિશાન વાળી જગ્યાને તોડી નાખી અને બીજા દિવસે સવારે તમે બુલડોઝર લઈને આવ્યા. તમે પરિવારને ઘર ખાલી કરવા માટે પણ સમય આપતા નથી આથી રોડ પહોળો કરવાનું માત્ર બહાનું જ જણાય છે.
CJIએ કહ્યું કે ઉત્તર પ્રદેશ સરકારે નેશનલ હાઇવેની મૂળ પહોળાઈ બતાવવા માટે કોઈ દસ્તાવેજ રજૂ કર્યા નથી. અને NHRCના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે તોડવામાં આવલો ભાગ 3.75 મીટર કરતા ઘણો વધારે હતો.