વીમા કંપનીઓને ઝટકો! LMV લાયસન્સ ધારકો અંગે સુપ્રીમ કોર્ટે આપ્યો મહત્વનો ચુકાદો
નવી દિલ્હી: કોમર્શિયલ વાહન ચાલકો માટે સુપ્રીમ કોર્ટે મોટી રાહત આપી છે અને વીમા કંપનીઓને મોટો ઝટકો આપ્યો છે. આજે બુધવારે આપેલા ચુકાદામાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે લાઇટ મોટર વ્હીકલ (LMV) ડ્રાઇવિંગ લાયસન્સ ધરાવનાર ચાલક પણ ટ્રાન્સપોર્ટ વિહિકલ ચલાવી શકે છે, જોકે આ આદેશ 7,500 કિલોગ્રામથી ઓછા વજનના વાહન માટે જ લાગુ થશે.
સુપ્રીમ કોર્ટની પાંચ ન્યાયાધીશોની બંધારણીય બેન્ચે આજે બુધવારે ચુકાદો આપ્યો હતો. મુખ્ય ન્યાયાધીશ ડી વાય ચંદ્રચુડની આગેવાની હેઠળની બેન્ચે જણાવ્યું હતું કે દેશમાં માર્ગ અકસ્માતો ચિંતાનો વિષય છે, પરંતુ LMV લાયસન્સ ધારકોને વધુ અકસ્માતો સર્જે છે, એવી દલીલના સમર્થનમાં વીમા કંપનીઓ કોઈ પુરાવા રજુ કરી શકી નથી.
બેંચનો ચુકાદો વીમા કંપનીઓ માટે મોટો ઝટકો છે. વીમા કંપનીઓ એવી દલીલો કરીને ઇન્સ્યોરન્સ ક્લેઈમ નકારી રહી છે કે ચોક્કસ વજનના ટ્રાન્સપોર્ટ વિહિકલનો અકસ્માત થયો હોય, તો કાયદાકીય જોગવાઈ મુજબ ડ્રાઈવર વાહન ચલાવવા માટે અધિકૃત નથી.
જસ્ટીસ હૃષિકેશ રોયે આ ચુકાદો લખ્યો હતો અને બેન્ચના દરેક જજે સર્વસંમતિથી ચુકાદાને માન્ય રાખ્યો હતો. ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ અને જસ્ટિસ રોય ઉપરાંત બેન્ચમાં જસ્ટિસ પીએસ નરસિમ્હા, પંકજ મિથલ અને મનોજ મિશ્રાનો પણ સમાવેશ થાય છે.
Also Read – મદરેસાની શક્તિઓ ઘટી? હવે માત્ર શિક્ષણ આપી શકાશે, સરકારે છીનવી લીધો આ હક…
કેન્દ્ર તરફથી હાજર રહેલા એટર્ની જનરલ આર વેંકટરામણીની રજૂઆત બાદ મોટર વાહન (MV) અધિનિયમ, 1988માં સુધારો કરવા માટેની સુનાવણી પૂર્ણ થઇ હતી. બેન્ચે 21 ઓગસ્ટના રોજ પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો.
વર્ષમાં 2017 માં મુકુંદ દેવાંગન વિરુદ્ધ ઓરિએન્ટલ ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડના કેસ અંગે સુનાવણી થઇ હતી. સર્વોચ્ચ અદાલતની ત્રણ ન્યાયાધીશોની બેન્ચે ઠરાવ્યું હતું કે ટ્રાન્સપોર્ટ વિહિકલ, જેનું કુલ વજન 7,500 કિલોથી વધુ ન હોય, તેને LMV ગણવામાં આવશે.
કેન્દ્ર સરકારે ચુકાદાને સ્વીકાર્યો હતો અને ચુકાદાને અનુરૂપ નિયમોમાં સુધારો કરવામાં આવ્યો હતો.