આમચી મુંબઈટોપ ન્યૂઝ

ઝૂંપડાઓમાં કમર્શિયલ બાંધકામ પર પ્રોપર્ટી ટેક્સની યોજના ચૂંટણીઓને લીધે અધ્ધરતાલ

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: મુંબઈ મહાનગપાલિકાની આવકનો મુખ્ય સ્રોત પ્રોપર્ટી ટેક્સ માનવામાં આવે છે, જોકે છેલ્લા અનેક વર્ષોમાં તેના માધ્યમથી થનારી આવકમાં ધરખમ ઘટાડો થયો હોવાનું જણાઈ આવ્યું છે. તેથી સુધરાઈએ પોતાની નાણાકીય અછતને પહોંચી વળવા માટે ઝૂંપડપટ્ટી વિસ્તારમાં આવેલા કમર્શિયલ બાંધકામ પર પ્રોપર્ટી ટેક્સ લાદવાની યોજના બનાવી છે અને તેનો લગતો સર્વેક્ષણ પણ હાથ ધરવામાં આવ્યો હતો. જોકે થોડા મહિના અગાઉ યોજાયેલી લોકસભાની ચૂંટણી અને હવે રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીને કારણે તેનું કામ અટવાઈ ગયું છે.

Also read: Assembly Election: રાહુલ ગાંધી આવતીકાલથી મહારાષ્ટ્રમાં, ચૂંટણી પ્રચારનો કરશે આરંભ

અગાઉ મુંબઈ મહાનગરપાલિકાનો આવકનો મુખ્ય સ્રોત ઓક્ટ્રોય ગણાતો હતો. જોકે ઓક્ટ્રોઈ નાબૂદ થયા બાદ હવે પાલિકાની મોટાભાગની આવક પ્રોપર્ટી ટેક્સના માધ્યમથી આવે છે. પ્રોપર્ટી ટેક્સના માધ્યમથી આવતા મહેસૂલમાંથી મુંબઈમાં જુદા જુદા ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટનું કામ કરવામાં આવે છે.

જોકે છેલ્લા થોડા વર્ષોમાં પ્રોપર્ટી ટેક્સ થકી થતી આવકમાં સતત ઘટાડો જણાયો છે. તો છેલ્લા અઢી વર્ષમાં ફિક્સ ડિપોઝિટના ૧૦,૦૦૦ કરોડ રૂપિયા પણ જુદા જુદા પ્રોજેક્ટ માટે વપરાઈ ગયા છે. સતત ઘટતી આવક અને ફિક્સ ડિપોઝિટમાં થઈ રહેલા ઘટાડાને કારણે પાલિકાએ પોતાની નુકસાની ભરપાઈ કરવા માટે ઝૂંપડપટ્ટીમાં આવેલા કમર્શિયલ યુનિટની સાઈઝના આધારે તેમની પાસેથી પ્રોપર્ટી ટેક્સ વસૂલ કરવાની યોજના બનાવી છે.

પાલિકાનાં સૂત્રોના જણાવ્યા મુજબ ચાલુ વર્ષે માર્ચ મહિનામાં ઝૂંપડપટ્ટીના વિસ્તારોમાં કમર્શિયલ એકમોને ઓળખવા અને દસ્તાવેજ બનાવવા માટે એક સર્વેક્ષણ હાથ ધરવામાં આવ્યું હતું. જોકે ચૂંટણીને પગલે કામ ધીમી ગતિએ આગળ વધી રહ્યું છે, કારણકે ડિપાર્ટમેન્ટના અનેક અધિકારી-કર્મચારીઓ ચૂંટણીની ફરજમાં તહેનાત કરી દેવામાં આવ્યા છે.

Also read: કટ્ટર શત્રુ હવે એક: અબુ આઝમી માટે ઉદ્ધવ જૂથ કરશે ચૂંટણી પ્રચાર

આ અગાઉ, પણ સુધરાઈએ ઝૂંપડપટ્ટીના રહેવાસીઓ પર ટેક્સ લગાવવાની વિચારણા કરી હતી. એ સમયે સુધરાઈએ એરિયા અને કયા પ્રકારનું ઝૂંપડું છે તેના આધારે વાર્ષિક 2,400 રૂપિયાથી લઈને 18,000 રૂપિયા સુધીનો પ્રોપર્ટી ટેક્સ વસૂલવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. તત્કાલિન સુધરાઈ કમિશનર અજોય મહેતાએ બજેટમાં ઝૂંપડપટ્ટીની મિલકત પર ટેક્સ વસૂલવાના પ્રસ્તાવનો સમાવેશ કર્યો હતો. જોકે પાલિકા અમુક કારણવશ તેમાં આગળ વધી શકી નહોતી. હાલમાં ઝૂંપડપટ્ટીના રહેવાસીઓ પાસેથી કોઈ પણ ટેક્સ લેવામાં આવતો નથી. જોકે હવે સુધરાઈએ ઝૂંપડપટ્ટી વિસ્તારોમાં કમર્શિયલ પ્રોપર્ટી ટેક્સ લાદવાનો વિચાર કરી રહી છે.

Also read: માહિમ બેઠક પર રાજકારણ ગરમાયુંઃ રાજ ઠાકરે અને શિંદે વચ્ચે આરોપ-પ્રત્યારોપ

સુધરાઈના ટેક્સ એન્ડ અસેસમેન્ટ વિભાગના અધિકારીના કહેવા મુજબ ઝૂંપડપટ્ટી વિસ્તાારોમાં અમુક જૂના કમર્શિયલ સ્ટ્રક્ચર પહેલાથી જ પ્રોપર્ટી ટેક્સ ચૂકવે છે. પરંતુ છેલ્લા અમુક વર્ષોમાં ઘણા નવા કમર્શિયલ યુનિટ ઝૂંપડપટ્ટીમાં બન્યા છે. આ નવા સ્ટ્રક્ટરની અધિકારીઓ વિઝિટ કરશે અને જરૂરી માહિતી એકઠી કરશે અને પછી તેના પર કર વસૂલવાનો પ્રસ્તાવ આગળ વધારશે. જોકે આ વર્ષ અગાઉ લોકસભાની ચૂંટણી અને હવે ત્યારબાદ વિધાનસભાની ચૂંટણી થવાની હોવાથી સમગ્ર કામ અટવાઈ ગયું છે. ચૂંટણી બાદ કામ ઝડપથી કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button