ઉત્સવ

અદાણી સંચાલિત મુંદ્રા પોર્ટને પચ્ચીસ પૂરા થયા આઠે કોઠાનું આયોજન અને સોળે કળાએ વિકાસ

જૂનાગઢ ડિસ્ટ્રિક્ટ કો.ઓપ.બેંકની માંગરોળ બ્રાંચમાં નોકરી કરતા જગદીશ વોરાને પ્રગતિશીલ અને સાહસિક વિચારસરણી વારસામાં મળેલી. દીકરાને ૨૦૦૩માં કચ્છમાં નોકરી મળી કે તરત તેણે બહુ વિચાર્યા વિના મુંદ્રામાં બે નાના પ્લોટ લીધેલા. હવા પાણી માફક આવી જાય તો એક પ્લોટમાં ઘર બાંધવું અને બીજો પ્લોટ સારા ભાવ આવે ત્યારે વેચીએ તો તેના પૈસામાંથી મકાન બાંધકામનો ખર્ચ નીકળી જાય એવી ગણતરી હતી. ૨૦૦૮માં તેની ગણતરી મુજબ જ તેને બેવડો લાભ થયો. મકાનના પૈસા પણ ડબલ થયા અને પ્લોટના ભાવ પણ વધી ગયા.

ભૂકંપ પહેલા કચ્છ નપાણિયા અને કાયમી અછતગ્રસ્ત તરીકે લોકો ઓળખતા સરકારી કર્મચારીઓ માટે તે સજા અને અહીંના માલધારીઓ માટે ઉનાળો એ હિજરતની મોસમ ગણાતી. ગુજરાતના કોઇપણ જિલ્લાથી મિનિમમ ૬-૭ કલાકે પહોંચાતા કચ્છમાં ઔદ્યોગિક વિકાસ તેની આરંભિક હદ સામખિયાળી, ભચાઉ અને ગાંધીધામ સુધી જ મર્યાદિત હતો તે અરસામાં ઉદ્યોગકારનું નાની વયે સપનું જોતા ગૌતમ અદાણીએ કચ્છના પોતાના પ્રથમ અભ્યાસ પ્રવાસ દરમિયાન અનુભવ્યું કે ગુજરાતનો લગભગ ત્રીજા ભાગનો દરિયાકાંઠો ધરાવતા કચ્છમાં આવેલા સરકારી બંદરોમાં વિકાસની તકો છે. સરકાર માટે પોતાના બંદરોનો વિકાસ અને સૂચારું સંચાલનની મર્યાદા હતી. કચ્છને કુદરતે મબલખ ભૌગોલિક અનુકૂળતા આપી છે. બંદરો ઉપર જહાજોને ખાલી કરવા લાંબો સમય રાહ જોવી પડતી હતી એ જોઇને તેમણે મુંદ્રા પોર્ટનું બાંધકામ ફક્ત કામકાજ માટે નહીં પરંતુ તેનું સંચાલન કરી મુંદ્રા પોર્ટને વિશ્ર્વના નકશામાં મૂકવા દ્રઢ નિર્ણય કર્યો. એ દિવસ હતો તા.૭મી ઓક્ટોબર,૧૯૯૮. આ દિવસે અદાણીએ બાંધેલી પ્રથમ બર્થ ઉપર ખાદ્યતેલ ભરેલું પ્રથમ જહાજ એમ.ટી.આલ્ફા ૨ સિંગાપોરથી મુંદ્રા બંદરે લાંગર્યું. એ સાથે મુંદ્રા પોર્ટનો ઉદય થયો. આજે દુનિયાના દેશોના વેપાર જગતના મુખે બોલાતા મુંદ્રા પોર્ટે પોતાના અસ્તિત્વના પચ્ચીસ વર્ષ પૂરાં કર્યાં છે. મુંદ્રા નગરની એ સમયે વસતિ અંદાજે ૨૮ હજાર હતી. મુંદ્રા પોર્ટની વૃદ્ધિ સાથે લોકોની આર્થિક સામાજિક સમૃદ્ધિ વધતા આજે વસતિનો આ આંક સવા લાખ આસપાસ છે. ૧૯૯૮માં તબક્કાવાર મુંદ્રા પોર્ટ આસપાસની ૩૪૦૪ એકર જમીનમાં એક જેટી સાથે વિકાસના બીજ રોપાયા બાદ આજે આ બીજ ૨૮ જેટીના વિકાસ સાથે ઘેઘુર વટવૃક્ષ બનીને માત્ર કચ્છ જ નહીં પરંતુ વિશ્ર્વના વેપાર વણજનો મુકામ બન્યું છે. મુંદ્રા આસપાસની ૧૫ હજાર હેક્ટર જમીનમાં માલ પરિવહન અને સંગ્રહ માટેની આધુનિક સવલતોથી મુંદ્રા પોર્ટ ૭૨૪ કલાક ધમધમે છે.

૨૫ વર્ષમાં દેશના વિકાસ સાથે વિશાળ માળખાકીય જરૂરિયાતોનું નિર્માણ કરવા મુંદ્રા પોર્ટે પણ તાલસે કદમ મિલાવીને વિશ્ર્વના ટોચનાં બંદરો જેવી મહાકાય જહાજોના આવાગમન, માલના ઝડપી ઉતાર-ચડાવ જેવી પાયાની માળખાકીય સવલતો ઊભી કરીને આ દેશની તાકાતના દર્શન કરાવ્યાં છે. ૨૦૦૧માં ગુજરાત સરકાર સાથે વિધિવત્ કરાર કર્યા બાદ મુંદ્રા પોર્ટના ખાનગી ક્ષેત્રે વિકાસ માટે અદાણી સમૂહે પાછું વાળી જોયું નથી. મુંદ્રા પોર્ટ પોતાની રેલવે લાઇન મારફત આજે રેલવેની રાષ્ટ્રીય માર્ગે જોડાયું છે. કોઇ આયાત-નિકાસકાર, વેપાર કે ઉદ્યોગ ગૃહ માંગે તે સુવિધા મુંદ્રા પોર્ટમાં મોજૂદ છે. ગુજરાત મેરિટાઇમ બોર્ડના એક અધિકારી કહે છે કે મુંદ્રા પોર્ટને કુદરતી ૧૫ મીટરનો ડ્રાફટ મળ્યો છે જે કુદરતની કચ્છ અને ગૌતમભાઇ અદાણી ઉપર એક સીધી કૃપા છે. આ ડ્રાફ્ટના કારણે ૭૫૦૦૦ મેટ્રિક ટનની ક્ષમતાના મહાકાય કાર્ગો જહાજોને લાંગરવાની મોકળાશ છે. દેશના અન્ય કોઇ બંદરોમાં આ સવલત નથી.

કૃષિ પેદાશોથી કામકાજ શરૂ કરનાર મુંદ્રા પોર્ટ રેલવે સુવિધા સાથે જોડાયું ત્યારથી તમામ મુખ્ય ચીજવસ્તુઓના પરિવહન અને સંચાલન માટે સક્ષમ થયું છે. અદાણી ગૃપ મુંદ્રા પોર્ટમાં માગને અનુરૂપ સુવિધા સતત ઉમેરતું રહ્યું છે. મુંદ્રા પોર્ટ ઉપર ક્ધટેનર્સના સંચાલન માટે અલાયદી ખાસ સુવિધાનું નિર્માણ કર્યું છે. જો કે ભારતમાં ક્ધટેનરનું સંચાલન થાય છે, પરંતુ યોગ્ય રીતે ક્ધટેનર હેન્ડલ કરવા માટે તેને અનુરૂપ મશીનરી નથી. મુંદ્રા પોર્ટે ભારતીય ઇતિહાસમાં સૌ પ્રથમવાર ક્ધટેનર ક્વે ક્રેઇન્સ નોએલ જર્મનીથી આયાત કરી છે. આ કમી મુંદ્રા પોર્ટે પૂરી દીધી છે. ચાલુ વર્ષના અંત સુધીમાં મુંદ્રા બંદરે ક્ધટેનર કાર્ગોની સંચાલન ક્ષમતા ૦.૮ મિલિયને લઇ જવાશે.અને ક્ધટેનર સંચાલનની ક્ષમતા ૩૦% પ્રાપ્ત કરવા માટે પાંચ નવી રેલવે હેન્ડલિંગ હાલ ઉમેરવામાં આવી રહી છે. મુંદ્રામાં લિક્વિડ કાર્ગોના સંચાલન માટે કાર્યરત લિક્વિડ ટર્મિનલે અત્યાર સુધીનો સૌથી વધુ વેજીટેબલ ઓઇલ (ક્રુડ,સોયાબીન તેલ)નું ૬૧,૮૪૧ મેટ્રિક ટન શિપમેન્ટ હેન્ડલ કરીને તેના સામર્થ્યનો પુરાવો આપ્યો છે. મુંદ્રા પોર્ટે તેના અસ્તિત્વના આ ગાળામાં તાજેતરમાં સૌ પ્રથમવાર ૯,૦૦૮ મેટ્રિક ટન હાઇડ્રોલિસિસ પીઆઇ ગેસ (ઇંઙૠ) નિકાસ હેન્ડલ કરી પોતાના લિક્વિડ પ્રોડક્ટસના વિસ્તરણની પાંખને નવી ઊંચાઇ આપી છે. નાણાકીય વર્ષ-૨૪ના પ્રથમ ત્રિમાસિક ઉઘાડના ગાળામાં ફક્ત મુંદ્રા પોર્ટે ૧.૭૨ મિલિયન ઝઊઞનું સંચાલન કર્યું છે જે તેના નજીકના સ્પર્ધક કરતાં ૧૨ ટકા વધુ છે. સમયની માગ અનુસાર મુંદ્રા બંદર ખાતે ૬,૩૦ હજાર મે.ટન સંગ્રહ ક્ષમતા ધરાવતા ગોડાઉન, ૪,૨૬ હજાર કિલો લિટર લિક્વિડ કાર્ગોના સંગ્રહ માટે ૯૭ ટાંકીનું આજ સુધીમાં નિર્માણ કર્યું છે. કાર્ગોની સરળ હેરફેર માટે ૪/૬ લેનના રસ્તાના જોડાણની સવલત ઊભી કરી છે. આજે મુંદ્રા વિરાટકાય માલવાહક જહાજોને પોતાના કાંઠે લાંગરવાની તાકાત ધરાવે છે.

બંદર આધારીત સ્પેશ્યલ ઇકોનોમિક ઝોન વિકસાવવાની કેન્દ્ર સરકારની નીતિનો લાભ ઉઠાવી દેશનો સૌથી મોટો સેઝ મુંદ્રામાં પાછલાં વર્ષોમાં સ્થાપ્યો છે. જેમાં નોંધપાત્ર સંખ્યામાં ઉદ્યોગો આવ્યા છે.

અદાણી ઉદ્યોગ સમૂહે સમય પારખીને અને આવનારા સમયમાં દેશની જરૂરિયાતોનું આકલન કરીને પોર્ટ બેઝ ઉદ્યોગોના વિકાસનો અભિગમ અપનાવી વિવિધ માળખાકીય સુવિધાઓમાં આત્મનિર્ભર બનવાના ભારત સરકારના નિર્ધારમાં યત્કિંચીત યોગદાન આપવા માટે મુંદ્રા પોર્ટ આસપાસ થર્મલ પાવર પ્લાન્ટ, વીન્ડ, સૌર જેવા રીન્યુએબલ પાવર પ્લાન્ટ કાર્યાન્વિત કર્યા છે.
આજે કચ્છના મુલાકાતીઓ માટે મુંદ્રા પોર્ટ એક પ્લેસ ઓફ ઇન્ટરેસ્ટ તરીકે સ્થાન મેળવ્યું છે.તેને બીજી દ્રષ્ટિએ મુલવીએ તો અદાણી ગૃપે મુંદ્રાની ગામડાની ઓળખને ભૂંસીને એક વૈશ્ર્વિક ઔદ્યોગિક નગરમાં પરિવર્તિત કર્યું છે તેનો પુરાવો અહીં ફૂલ્યા ફાલ્યો વેપાર-ધંધા, ફાઇવસ્ટાર કક્ષાની હોટેલ, રેસ્ટોરન્ટ, આલીશાન મકાનો, ગેસ્ટ હાઉસ અને વિશેષ કરીને પચરંગી પ્રજાની વિકસેલી વસાહતો છે.

૨૫ વર્ષ પહેલાં કચ્છમાં કૃષિ અને પશુપાલન રોજગારીનો મુખ્ય સ્ત્રોત હતો અને આર્થિક-સામાજિક જીવન ધોરણ પણ નીચું હતું. પરિણામે લોકો ધંધા રોજગાર માટે વિદેશ જતા રહેતા. બાળકો માટે પાયાની એવી શાળાઓ અને આરોગ્યની સવલતો કથળેલી સ્થિતિમાં હતી. ઉબડ-ખાબડ રસ્તાઓ, સ્વચ્છતાનો અભાવ અન્ય ગામોની જેમ મુંદ્રાની ઓળખ હતી.

અદાણી ગૃપના આગમન બાદ સીધી અને આડકતરી રોજગારી માટેના વિકલ્પોનો ઉઘાડ થયો. મુંદ્રાના લોકો પણ નાના મોટા વેપાર માટે અવનવા ઉત્પાદનોથી વાકેફ થયા અને લોકોની માગ પ્રમાણેની ચીજવસ્તુઓ રાખવા લાગ્યા કમાવા માટે વિદેશ જનારાઓ ઘટ્યા. ઔદ્યોગિક વિકાસ સાથે સ્થાનિક લોકોને નાના મોટા કામ માટે કોન્ટ્રેકટ મળતા થયા. પોર્ટના વિકાસના ફળ સ્વરૂપ મુંદ્રા આસપાસના ૫૯ ગામોની વસતિ માટે ૧૭૦૦૦ સીધી અને ૫૫ હજાર આડકતરી રોજગારીની તકો ઉપલબ્ધ થઇ છે. આજે મુંદ્રાનો નગર પંચાયતનો દરજ્જો વસતિના ધોરણે મ્યુનિસિપાલિટીમાં ફેરવાયો પરિણામે શહેરી સુખાકારીના વિકાસ અને નગર આયોજન માટે રાજ્ય સરકાર તરફથી મળતી ગ્રાન્ટની રકમમાં પણ વધારો થયો. બંદરના કારણે મચ્છીમારી ઉપર નભતો સમાજ અપૂરતી સુવિધા અને વૈકલ્પિક રોજગારના અભાવ છતાં આ વ્યવસાય ઉપર આધારિત હતો. માછીમારીની મોસમ બાદ બેરોજગારીનો સામનો કરતા આ સમાજ સહીત મુંદ્રામાં સ્થાનિકે જ સુવિધાઓ મુંદ્રાના વિકાસની સાથે જ ઉપલબ્ધ કરવા માટે એક ઉદ્યોગ ગૃહ તરીકે સામાજિક જવાબદારી અદા કરવા અદાણી ફાઉન્ડેશનની રચના કરી. ફાઉન્ડેશને મુંદ્રાના વસાહતીઓ અને ખૂટતી સવલતોનો અભ્યાસ કરી કામગીરી હાથ ધરી. આજે અદાણી ફાઉન્ડેશન માછીમાર સમાજની સર્વાંગી ઉન્નતિ માટે આવાસો, રસ્તાઓ, બાળઉછેર, કોમ્પ્યુટર શિક્ષણ ઉપરાંત માછીમારી માટેના આધુનિક સાધનો ઉપલબ્ધ કરાવવા સાથે તેઓના સમાજ જીવનના સુધાર માટે આ સમાજને ઉચ્ચ શિક્ષણ માટે પ્રોત્સાહિત કરી રહ્યું છે. ઓફ સીઝનમાં પણ રોજગારી ચાલુ રહે તે માટે તેઓને મેન્ગ્રુવ પ્લાન્ટેશનની પ્રવૃત્તિમાં લગાડે છે. સ્થાનિક લોકોને મેન્ગ્રુવના પ્લાન્ટેશનની કામગીરીમાં જોડવા સાથે આજીવિકાના નવા દ્વાર ખુલતા અત્યાર સુધીમાં ચાર હજાર હેક્ટરથી વધુ વિસ્તારમાં મેંગ્રુવ પ્લાન્ટેશન અને તેની જાળવણી થવાથી દરિયાઇ સૃષ્ટિનું જતન કરવામાં અદાણી ફાઉન્ડેશનને સફળતા મળી છે. ઉચ્ચ શિક્ષણ માટે ફાઉન્ડેશનના પ્રોત્સાહનના પરિણામે માછીમારોના પરિવારના યુવાનો વિવિધ કામ કરતા થયા છે. અદાણી વિદ્યામંદિર ભદ્રશ્ર્વર ખાતે વંચિત બાળકોને વિનામૂલ્યે શિક્ષણ પૂરું પાડે છે. ૧૯૯૬થી શ્રીમતી પ્રીતી ગૌતમ અદાણીના વડપણ હેઠળ કાર્યરત અદાણી ફાઉન્ડેશને શિક્ષણથી લઇ સ્વરોજગારીની તાલીમ, જળ સંવર્ધન, કૃષિ અને આરોગ્ય સહિતના ક્ષેત્રોમાં મુંદ્રા અને તાલુકાના આસપાસના લોકોના જીવનધોરણને સન્માનનીય સ્થાને મૂકવામાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે.

૨૫ વર્ષ પહેલા મુંદ્રામાં મર્યાદિત શાળાઓ હતી. કૉલેજમાં અભ્યાસ માટે ભુજ, આદીપુર કે ગાંધીધામ જવું પડતું. અદાણી પોર્ટના વિકાસને પગલે ઔદ્યોગિકરણમાં આવેલા વેગને ધ્યાને લઇ આજે મુંદ્રામાં પ્રાથમિકથી
લઇ ઉચ્ચત્તર શિક્ષણ માટે સરકારી અને અર્ધ સરકારી શાળાઓ ઉપરાંત સીબીએસઈ માન્ય ચાર અંગ્રેજી અને ગુજરાતી માધ્યમની શાળાઓ ઉપરાંત ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા પદનામિત ૧૦ ખાનગી શાળાઓ તેમજ ૨૦૦૬થી આર્ટસ, સાયન્સ અને કોમર્સ કૉલેજ અસ્તિત્વમાં આવી છે. વધુમાં ઉદ્યોગોની કુશળ તક્નિકી માંગને અનુરૂપ આઇ.ટી.આઇ.ખુલતા ઉદ્યોગોને પણ પરોક્ષ રીતે લાભ થયો છે. ભરત ગુથણ અને હસ્તકલાઓ માટે પ્રખ્યાત કચ્છની મહિલાઓ ઘરે બેઠા સ્વરોજગાર કમાઇ શકે તે માટે એમ્બ્રોઇડરી અને જમાનાની માંગને અનુરૂપ બ્યુટી પાર્લર સહિતના વ્યવસાયો માટે તાલીમી અભ્યાસક્રમો મુંદ્રાની મહિલાઓ માટે ઉપલબ્ધ છે. મુંદ્રા પોર્ટના વિકાસના પગલે પાયાની મહત્ત્વની સ્વાસ્થ્ય સુવિધા મુંદ્રાના નાગરિકોને મળી છે. આધુનિક સુવિધાથી સજ્જ ત્રણથી ચાર હૉસ્પિટલ આજે ગંભીર શસ્ત્રક્રિયા કરવા પણ સક્ષમ છે. એક વખત ગામડું કહેવાતા મુંદ્રામાં આજે નાની મોટી દુકાનોમાં બ્રાન્ડેડ ચીજવસ્તુઓ મળતી થઇ છે અને છેલ્લા દાયકાઓમાં મોટા કદના મોલ પણ અસ્તિત્વમાં આવ્યા છે. મનોરંજન માટે સિનેમા હોલ, રાજ્યના મુખ્ય શહેરોને સાંકળતી ખાનગી બસ સેવાઓએ મુંદ્રાને વેપાર વણજનું કેન્દ્ર બનાવવામાં નોંધપાત્ર ફાળો આપ્યો છે. ૨૫ વર્ષ પહેલાનું ધૂળીયું અને રાતના આઠ વાગ્યા પછી સૂમસામ ભાસતું મુંદ્રાનું એસ.ટી.સ્ટેન્ડ અદ્યતન બનવા સાથે ચોવીસ કલાક ધમધમતું થયું છે. અહીંના રસ્તાઓ ઉપર તમને મર્સિડીઝ અને બીએમડબ્લ્યુ જેવી મોંઘીદાટ કાર પણ ફરતી જોવા મળશે. વેપાર-ઉદ્યોગકારો માટે રાહતરૂપ એવી કસ્ટમ કમિશનરની ફુલ ફ્લેજ્ડ ઓફિસ અદાણી પોર્ટના વિકાસના પગલે કાર્યરત થઇ છે. ૧૯૯૮માં કેન્દ્રને કસ્ટમ ડયૂટીની જે આવક રૂ.૨૨ કરોડની થઇ હતી તે આંકડો આજે રૂ. અઠ્ઠવીશ હજાર કરોડને આંબી ગયો છે. લોકોની સુરક્ષા માટે પોલીસમથકો અને કર્મચારીગણમાં જોરદાર વધારો થયો છે. મુન્દ્રામાં ખાનગી અને સરકારી બૅંકોની ૨૫થી વધુ શાખાઓ ઉપરાંત નાણાકીય વહેવાર માટેના ખાનગી જૂથો પણ કાર્યરત થયા છે. કચ્છનું ઇન્ડસ્ટ્રીયલ હબ બનેલા મુંદ્રામાં આજે જમીન, આવાસો અને અન્ય મિલકતોના ભાવો અકલ્પનીય રીતે વધ્યા છે એવી જ સ્થિતિ ભાડાના દરોની છે.

૩૦-૩૨ વર્ષની વયે ગૌતમ અદાણીની દીર્ઘદ્રષ્ટી અને ઉદ્યોગ સાહસિકતાને મૂર્તિમંત સ્વરૂપમાં નિહાળવા માટે મેનેજમેન્ટના વિદ્યાર્થીઓ માટે મુંદ્રા પોર્ટ કેસ સ્ટડીનો ભરપૂર ભંડાર છે. ખાનગી ક્ષેત્રે સંચાલનના મુંદ્રા પોર્ટના ૨૫ વર્ષના અસ્તિત્વના ઉજાસને બે વાક્યમાં કોઇ અભ્યાસુ લખે તો આવું લખે.. ‘આઠે કોઠાનું આયોજન અને સોળે કળાએ વિકાસ.’     
સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓથી લઇ રાજ્ય અને કેન્દ્ર સરકાર માટે જુદા જુદા ટેક્સનો સરસ સ્ત્રોત બની રહેલ અદાણી સંચાલિત મુંદ્રા પોર્ટની ૨૫ વર્ષની આ વિકાસગાથાનું દળદાર પુસ્તક બને પણ અહીં થોડું લખ્યું છે, જાજુ કરીને વાંચજો એ અપેક્ષા રહેશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button