કચ્છ વિદ્યાર્થી પરિષદમાં વિદ્યાવિજય મુનિજી બોલ્યા: ‘વિદ્યાર્થી, વિવાહાર્થી કે પેટાર્થી?’
વલો કચ્છ -ડૉ. પૂર્વી ગોસ્વામી
વિદ્યાવિજય મુનિજી
ભણતરજો પ્રશ્ર્ન ખાલી કચ્છલા જ નં પ સજ઼ે ડેશમેં ચિંધા ઉપજાયતો. ભલે રાષ્ટ્રીય નીતિ- ૨૦૨૦ રજૂ થિઇ વિઇ આય ત પ સવાલ ભણતરજી પદ્ધતિ, ભણેસરી તીં ભણાઇંધલ ગુરુ મિણીંકે આવરી ગિનંધલ ચિંધા, ‘કારો વડર’ ભની મંડરાજેતિ. અનાં પાં ખપે તિતરો ભણતરમેં સુધાર ગ઼િની નાય સગ્યાસિ. કચ્છજી હાલત પેલેથી નબડ઼ી રિઇ આય નેં અજ઼ જડે શિક્ષણજી ગાલ થિએતી તડે હી લિખંધલકે મુનિરાજ વિદ્યાવિજયજીજો પ્રવચન જાધ અચેતો જુકો કચ્છ વિદ્યાર્થી પરિષદમેં સંમેલનજે પ્રમુખ પધતાંનું મુનિ બોલ્યાવા. જેઁકે ખેરખબર સવાસો વરે થેલા આવ્યા હૂંધા, તય અજ઼ પ ઇનીજી ગાલીયું ઇતરી જ કમજી સાબિત થિએ તીં આય.
મુનિરાજજા વિદ્યાર્થીકે સંબોધીને સબધ વા ક, આ સંમેલન એ વિદ્યાર્થી સંમેલન છે એટલે વિદ્યાર્થી’ શબ્દ તરફ હું તમારૂં ધ્યાન ખેંચવા માગું છું. વિદ્યાર્થી શબ્દનો અર્થ ‘વિદ્યાનો અર્થી’ એ સ્પષ્ટ છે. જે વિદ્યાની ઇચ્છા કરે છે, વિદ્યાની ઉપાસના કરે છે, વિદ્યાની આરાધના કરે છે. પણ – ‘વિદ્યા’ એ શી વસ્તુ છે? આપણા શાસ્ત્રાએ તે વિદ્યાને ‘વિદ્યા’ ગણી છે જે ‘વિદ્યા’ મુક્તિને માટે સાધનભૂત છે.
હું ‘સા વિદ્યા યા વિમુક્તયે’ બંધનોને તોડે, સ્વતંત્રતાને આપે તે વિદ્યા છે. પણ આજની વિદ્યા સાચી વિદ્યા છે કે કેમ? અને તે વિદ્યાનો અર્થી, સાચો વિદ્યાર્થી છે કે કેમ ? એ પ્રશ્ર્ન બહુ વિચારવા જેવો છે. આજના વિદ્યાર્થી જે સમયે વિદ્યાને પ્રાપ્ત કરવાનાં પગલાં માંડે છે, તે સમયે તે બિલકુલ અજ્ઞાત છે. તેને પેાતાને પણ ખબર નથી કે હું શા માટે આ નિશાળમાં જાઉં છું? એટલે આવા વિદ્યાર્થી વિદ્યાર્થી છે કે કેમ? આ પ્રશ્ર્નનો ઉત્તર તેના માતાપિતા પાસેથી લેવો જોઇએ. અને જો તેઓ સાચેસાચી રીતે જવાબ આપે તો, હું ધારૂં છું કે આજના વિદ્યાર્થીને વિદ્યાર્થી’ કહેવા કરતાં વિવાહાર્થી’ કે પેટાર્થી’ કહેવો વધારે બંધબેસતું થઇ શકે. ભણીને છોકરો લગાર હોશિયાર થશે એટલે તેને માટે ક્ધયા મળશે અથવા થોડુંક ભણીને વ્યાજવટાવ કાઢતાં આવડી જશે, ચિઠ્ઠી -પત્ર લખતાં વાંચતાં આવડી જશે, અને તાર વાંચતાં આવડી જશે એટલે દશ-વીસ રૂપિયાની નોકરી મળી જશે. આવા ઉદ્દેશથી અભ્યાસ કરનાર વિદ્યાર્થીને વિવાહાર્થી’ કે પેટાર્થી’ સિવાય બીજું શું કહી શકાય? આ તો પ્રાથમિક જ્ઞાન લેનાર વિદ્યાર્થીની વાત થઈ, પરંતુ આજની ‘ઉચ્ચ કેળવણી’ લેનાર સમજદાર નવયુવા, કે જેએ સ્વયં વિચાર કરી શકે છે, તેમનો પણ ઉદ્દેશ શો છે? તેઓ પણ ખુલ્લી રીતે એકરાર કરશે કે કોઇ પણ રીતે ગુજરાન ચલાવવાનાં સાધન માટે જ અમે આ અધ્યયન કરીએ છીએ એટલે એવો ઉચ્ચ કેળવણી લેનારો વિદ્યાર્થી પણ ખરી રીતે વિદ્યાર્થી નથી, પણ પેટાર્થી છે.
વિક્રમ સંવત ૧૯૪૩, આસુ મેણેંજી ચોથજો અરવલ્લીજે સાઠંબા ગામમેં મુનિરાજજો જનમ દશા શ્રીમાળી જૈન જ્ઞાતિમેં થ્યો હો. અધા અમથાલાલ નેં માં પરસનબાઇજે હિન પુતરજો મૂર નાંલો ત બહેચરદાસ હો, પૂંઠીયાનું વૈરાગ્યમેં હિનીકે નયો અવતાર મુનિ વિદ્યાવિજયજીજો જુડ્યો. હિકડ઼ેથી વધુ ફેરા ઇ ચાતુર્માસ કચ્છમેં ભરી વ્યાવા ઇતરે હિન પ્રડેસજી હાલતકે જાણંધાવા. આઉં આભાર મનીંયા સુભાષભા છેડાજી, જુકો મુંકે મુનિરાજજી દિવ્યયાત્રા કે લખંધલ મુળજીભાજી ચોપડ઼ી ગુજરાતનું પરમધન’ ઉપ્લબ્ધ કરાયોં. પ્રવચનમેં ઇની ખાલી વિદ્યાર્થી ભાવ જ પ્રગટ ક્યોં ન વો, હિન ભેરો શિક્ષણજી પદ્ધતિ, વિસયેંજો બોજો, પરિક્ષા તીં શિક્ષકજે ધરમ- કરમજી પ ગ઼ાલીયું ચેં આય. હિન સિવા નયે યુગમેં નયો સાહસ ખેડ઼ી નિત નયા પ્રયત્ન કરેજી પ રજુઆત મુનિરાજ કિઇ હુઇ જેંતે પાં ગોર ફરમાયું ત અજ઼ સધિ પૂંઠીયા પ પાંકે લાગુ પેતી.
વિદ્યાવિજયજીજા વિચાર વા ક, આજનાં શિક્ષણના વિષયનો બોજો એટલો બધો વધારી નાખવામાં આવ્યો છે કે જેને લીધે બાળકોનાં મગજો પ્રારભથી જ કુંઠિત બની જાય છે. પરિણામે એમનો માનસિક વિકાસ અને સ્મરણશક્તિઓ રૂંધાઇ જાય છે. આજનો વીસ કે તેથી વધારે વર્ષો સુધી અભ્યાસમાં રહેલો વિદ્યાર્થી વાત વાતમાં ડાયરીનાં પાનાં ખોલ્યા વિના રહેતો નથી. આવતા રવિવારે મારે શું શું કરવાનું છે, એ તે ડાયરીમાં નોંધી લે તે નોંધી લે, પરંતુ કાલે મારે શું કરવાનું છે? અરે આજે શું કરવાનું છે? એ પણ ન નોંધી લે તે તેને યાદ ન જ રહે. કયા હિંદુસ્તાનના માનવીઓની ગ્રંથોના ગ્રંથો કંઠસ્થ રાખવાની અદ્ભુત શકિત, અને કયાં આજે કલાક પછી કરવાનું કાર્ય પણ ડાયરીમાં ન નોંધ્યું હોય તે ભૂલી જવાય, એવી સ્મરણશક્તિ? આનું કારણ મને તો એમ લાગે છે કે નાની ઉંમરથી ભણવાના વિષયોના બોજા વધારીને તેમની સ્મરણશક્તિ છૂંદી નાખવામાં આવે છે. જે વિષયોની સાથે જીવનનો કંઇ સબંધ નથી, અથવા તો જે સમય અને જે સ્થાન માટે જે વિષયોની કંઈ આવશ્યકતા જ નથી, એવા વિષયોનાં પોથાનાં પોટલાં માથા ઉપર મૂકીને બાળકોને સ્કૂલમાં જવું પડે જે એના અર્થને તોડી નાખે છે.’
સમય એકસર રહેતો નથી. વખતના વહેવા સાથે માનવજાતિના વિચારોમાં, ભાવનાઓમાં, ક્રિયાઓમાં, રીતરિવાજોમાં પરિવર્તન થાય જ છે. અનાદિ કાળથી આમ થતું આવ્યું છે. છેલ્લાં કેટલાંક વર્ષોથી આ કેળવણીના વિષયમાં જાગૃતિનાં પ્રકાશ કિરણો ચમકવા લાગ્યાં છે. બેશક, આપણો દેશ જેટલું અનુકરણ કરવામાં શુરો -પૂરો છે. એટલું સ્વયં શોધવામાં કાબેલિયત ગુમાવતો ગયો છે. છતાં આજે સારી વસ્તુનું અમલીકરણ કાલે સ્વયં વિચારક અને સ્વયં શોધક પણ ઊભા કરશે. એવો આપણે આશાવાદ સેવવો જોઇએ.
આવી પરિસ્થિતિ આજે હોવા છતાં પણ કબૂલ કરવુ પડશે -કેટલાંક વર્ષોથી જે કંઈ નવિન પ્રયત્ન થઈ રહ્યા છે એ આવકારદાયક તો છે જ. સ્વાધીનતા પછી સેંકડો વર્ષોથી પરાધીનતા જેવી કેડીમાં જકડાઇ રહેલી પ્રજા, એક પછી એક ધીરે ધીરે ખરી ‘સ્વતંત્રતા’માં પગલાં માંડતી થાય, તે તો શુભ ચિન્હ છે, એમાં તો બે મત હોઇ શકે જ નહિ.