આરબીઆઈએ ગુજરાતની આ 3 બેંકોને કર્યો દંડ, જાણો વિગત
RBI Fines on Bank: રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા ગુજરાત, મહારાષ્ટ્ર અને અને મેઘાલયની પાંચ સહકારી બેંકો પર નિયમનકારી ધોરણોને પૂર્ણ કરવામાં નિષ્ફળ રહેવા બદલ કુલ રૂ. 4.16 લાખનો દંડ ફટકાર્યો છે.
આરબીઆઈની પ્રેસ રિલીઝ મુજબ, ગુજરાતના ભરૂચ સ્થિત જંબુસર પીપલ્સ કો-ઓપરેટીવ બેંક લિ.ને સહકારી બેંકો દ્વારા મેમ્બરશિપ ઓફ ક્રેડિટ ઇન્ફોર્મેશન કંપનીઝ (CICs) પર RBIની સૂચનાઓનું પાલન કરવામાં નિષ્ફળ રહેવા બદલ રૂ. 10,000 નો દંડ ફટકારવામાં આવ્યો છે. 31 માર્ચ, 2023 સુધીની બેંકની નાણાકીય સ્થિતિના આધારે આરબીઆઈ દ્વારા કરવામાં આવેલા નિરીક્ષણમાં જાણવા મળ્યું છે કે બેંકે કોઈપણ CIC ને ડેટા સબમિટ કર્યો નથી. આરબીઆઈએ સ્પષ્ટ કર્યું કે આ દંડ માત્ર નિયમનકારી અનુપાલન મુદ્દાઓને કારણે છે અને તેનાથી બેંક અને તેના ગ્રાહકો વચ્ચેના કોઈપણ વ્યવહારોને અસર નહીં થાય.
RBI એ નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ, ખાસ કરીને KYC ની જરૂરિયાતોનું પાલન ન કરવા બદલ સુરતમાં રાંદેર પીપલ્સ કો-ઓપરેટિવ બેંક લિમિટેડ પર રૂ. 1.5 લાખનો દંડ લાદ્યો છે. આરબીઆઈને નિરીક્ષણ દરમિયાન જાણવા મળ્યું કે બેંકે નિર્ધારિત સમયની અંદર ડિપોઝિટર એજ્યુકેશન એન્ડ અવેરનેસ ફંડમાં પાત્ર ભંડોળ ટ્રાન્સફર કર્યું નથી, જોખમ-આધારિત કેવાયસી અપડેટ કરવામાં નિષ્ફળ રહી છે.
આ પણ વાંચો : Powerful Leader: આરબીઆઈના ગવર્નરને સતત બીજા વર્ષે મળ્યો સેન્ટ્રલ બેંકરનો એવોર્ડ
તેમજ RBI એ CIC સભ્યપદ અને KYC આવશ્યકતાઓ પર RBIના નિર્દેશોનું પાલન ન કરવા બદલ ખેડા સ્થિત મહેમદાબાદ અર્બન પીપલ્સ કો-ઓપરેટિવ બેંક લિમિટેડ પર 60,000 રૂપિયાનો દંડ પણ લગાવ્યો છે. 31 માર્ચ, 2023 સુધીના બેંકના નાણાકીય રેકોર્ડના આધારે આરબીઆઈના નિરીક્ષણમાં જાણવા મળ્યું કે બેંક ત્રણ CIC ને ડેટા સબમિટ કરવામાં નિષ્ફળ રહી હતી.
આ સિવાય મહારાષ્ટ્રમાં, ઉદગીરમાં સ્થિત સહયોગ અર્બન કો-ઓપરેટિવ બેંક લિ.ને બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949ની કલમ 26Aનું ઉલ્લંઘન કરવા બદલ રૂ. 1.50 લાખનો અને મેઘાલયમાં RBIએ RBIના સુપરવાઇઝરી એક્શન ફ્રેમવર્ક (SAF)નું પાલન કરવામાં નિષ્ફળ રહેવા બદલ તુરા અર્બન કો-ઓપરેટિવ બેંકને રૂ. 1 લાખનો દંડ ફટકાર્યો હતો.