ઉત્સવ

અંતે દુર્ગાદાસે રાજકુમારને ઔરંગઝેબથી બચાવી જ લીધા

વિશ્ર્વના યુદ્ધવીર -પ્રફુલ શાહ

(૧૪)
સર્વોચ્ચ પ્રાથમિકતા હતી કે બાળકુંવર અજિતસિંહને હેમખેમ મારવાડ પહોંચાડવાની. ઔરંગઝેબની દાનત, લાલચ અને ક્રૂરતા કોઈથી અજાણી નહોતી. એ આસાનીથી અજિતસિંહ સહિત કોઈને જવા ન જ દે.

આ માટે જોરદાર યોજના વિચારવી પડે. રાઠોડોના અમુક સરદારોએ ઔરંગઝેબને અપીલ કરી કે કેટલાક સરદાર જોધપુર પાછા ફરવા માગે છે, તો તેમને મંજૂરી આપો એવી વિનંતી. ચાલાક ઔરંગઝેબે માન્યું કે રાઠોડ સરદારોની સંખ્યા ઘટી જાય એ તો પોતાના હિતમાં છે. ઔરંગઝેબે ઉદારતાનો ડોળ કર્યો કે ભલે સરદારો જાય… પણ બધા રાજકુમાર અને રાણી અમારા મહેમાન બનીને અહીં જ રહેશે.

રાઠોડ આગેવાનો માટે આ અપેક્ષિત પ્રતિસાદ કમ ફરમાન હતું. મોગલોની બાજનજર હેઠળ બેવ રાજકુમારોને બહાર કાઢવાનું આસાન તો નહોતું જ પણ ભયંકર જોખમી હતું. સૌ મગજ દોડાવવા માંડ્યા. જલ્દી કંઈ સારું અને સલામત
સૂઝતું નહોતું, પરંતુ દુર્ગાદાસ રાઠોડના મગજમાં એક વિચાર ઝબકી ગયો અને આંખમાં આશા અને જોશની ચમક
ઝબકી ગઈ. આમેય મોગલને સપને સુધ્ધાં કલ્પના ન હોય કે પોતાની ભારે ઘેરાબંધીથી કોઈ છટકી શકે. મોગલોને પક્ષે અતિ-વિશ્ર્વાસ હતો, તો દુર્ગાદાસની તાકાત હતી ચતુરાઈ અને હિમ્મત.

દુર્ગાદાસ અને આગેવાનો પોતાની ચાલ રમવાની રાહ જોતા હતા. મોગલ સૈન્ય પોતાની તાકાત પર મુશ્તાક હતું. ઔરંગઝેબ તથા તેના વિશ્ર્વાસુઓ મહારાજાના સ્વર્ગવાસ બાદ ઢીલા પડી ગયેલા સરદારો અને આગેવાનોને પોતાના પક્ષે ખેંચી લેવા માટે સામ, દામ, દંડ અને ભેદનો ઉપયોગ કરવામાં મશગુલ હતા.

ઔરંગઝેબે મંજૂરી આપી હોવાથી ઘણા રાજપૂત સરદારો મારવાડ જવા માટે નીકળી ગયા. તેમના પર મોગલ સૈનિકોની ચાંપતી નજર હતી. કંઈ જ ખોટું ન થયું હોવાથી મોગલ સેનાને પોતાના બાવડાની તાકાત પરનો ભ્રામક વિશ્ર્વાસ
બમણો થઈ ગયો. પછી રાજકુંવરોને કિશનગઢની હવેલીથી લઈને બલુન્દાના ઠાકુર મોહકમસિંહની પત્ની બાધેલીને સોંપી દેવાયા.

ગંગાસ્નાન બાદ તેઓ મારવાડ જઈ રહ્યાં હતાં ત્યારે ચૂપચાપ બંને રાજકુમાર તેમને સોંપી દેવાયા. મોગલ સેનાની બાજ નજર પુરુષો પર હતી પણ મહિલાઓ દુ:સાહસ કરે એવું એમના મગજમાં જ નહોતું.
અહીં ઘટનાક્રમને થોડો મંદ પાડવાનું અનિવાર્ય છે. રાજકુમાર અજિતસિંહને કિશનગઢની હવેલીથી છાનામાના કેવી રીતે બહાર કાઢવામાં આવ્યા એ વિશે મતમતાંતર છે, પરંતુ સૌનો સાર અને નિષ્કર્ષ એક જ છે કે અજિતસિંહ દિલ્હીમાંથી સલામતપણે નીકળી ગયા. અજિતસિંહ બચાવો મિશન માટે નોંધાયેલી અલગ-અલગ ઘટના જોઈએ.

એક, લોકાવાયકા મુજબ ખ્વાજા ફરાસત અને મુકનદાસ ખીચીએ મદારી બનીને રાજકુમારને દિલ્હીથી બાહર કાઢયા હતા. સૂરપાલિયે ગામનો મનોહરદાસ ગોકલોત નામના ચારણે મદારી બનીને આ કામગીરી પાર પાડી હતી. આ ગોકલોત આમ તો મુકનદાસના નિવાસસ્થાને રહેતો હતો. આ પરાક્રમની કદરદાની રૂપે એને જાગીર પણ ભેટ અપાયાનો ઉલ્લેખ મળે છે.

બે, વીર દુર્ગાદાસે પોતાની પીઠ પર ભગવામાં વીંટીને રાજકુમાર અજિતસિંહને બહાર લાવ્યા હતા. તેઓ યુદ્ધ કરતા-કરતા રાજકુમારને બચાવીને સલામતપણે મારવાડ લઈ ગયા હતા.
ત્રણ, એક અન્ય નોંધ મુજબ બાધેલી રાણી સાથે બંને રાજકુમારને મોકલ્યા ત્યારે રસ્તામાં નાના રાજકુમાર દલથમ્ભનનું મૃત્યુ થયું હતું.

ચાર, દુર્ગાદાસને ગળા સુધી ખાતરી હતી કે મોગલ સેના આસાનીથી પોતાને અને ખાસ તો રાજકુમારને છટકવા નહીં દે. આના ઉપાય રૂપે બાધેલી રાણીએ બાળ અજિતસિંહના સ્થાને પોતાની દીકરીને મૂકીને મોગલોની આંખમાં ધૂળ ફેંકી હતી. આમાં તેમણે પોતાની નવજાત બાળકીનું બલિદાન આપવું પડ્યું હતું.

પાંચ, મોગલ સૈનિકોએ દિલ્હીમાં દુર્ગાદાસ રાઠોડના ઘરને ઘેરી લીધું, ત્યારે રાજકુમારનો જીવ બચાવવા માટે અજિતસિંહની દાયણ ગોરા ટૉક આગળ આવી હતી. તેણે રાજકુમારની જગ્યાએ પોતાનો સગો દીકરો મૂકી દીધો હતો. એ માસૂમને ઔરંગઝેબે ગુસ્સામાં રહેંસી નાખ્યો હતો.

દુર્ગાદાસ રાઠોડ પૂરેપૂરા સજાગ અને સજ્જ હતા. રાજકુમારને બચાવવા માટે તેમણે જડબેસલાક પ્લાન બનાવ્યો હતો. તેઓ પોતાની ટૂકડી અને રાજકુમાર સાથે બહાર નીકળ્યા, ત્યારે પહેરેદારોને ગંધ આવી ગઈ. તેમના પર તરત હુમલો કરાયો, પરંતુ દુર્ગાદાસે ચોક્કસ અંતર બાદ ૧૫-૨૦ રાજપૂત સૈનિકોને ઊભા રાખ્યા હતા.

મોગલો એક ટૂકડી સાથે લડે ત્યાં સુધીમાં રાજકુમારને લઈને દુર્ગાદાસ વધુને વધુ આગળ નીકળી જાય એવી વ્યૂહરચના હતી. પહેલી ટૂકડીની વીરગતિ બાદ થોડા અંતરે બીજી ટૂકડી સામે આવે. બાંધેલી રાણી સાંજ સુધી લડતા રહીને મોક્ષગતિ પામ્યાની નોંધ મળે છે.

આ લોહિયાળ યુદ્ધમાં મોગલ સૈનિકોની સાથે લડીને વીર દુર્ગાદાસ અંતે રાજકુમાર અજિતસિંહ અને મહારાણી ઉપરાંત સાત રાજપૂતોને લઈને બલુંદા નગર સુધી સલામત રીતે પહોંચી ગયા હતા. (ક્રમશ:)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button