ઉત્સવ

ભૂખે સે પૂછા દો ઔર દો ક્યા, ચાર રોટિયાં

ઝબાન સંભાલ કે -હેન્રી શાસ્ત્રી

ભૂખ તો સુખ હોય તોય લાગે અને દુ:ખ હોય તોય લાગે. હા, સુખી માણસોમાં અન્ન કરતા પૈસાની ભૂખ વધારે હોય, જ્યારે દુ:ખી માણસો અન્નથી ભૂખ માગવા પૈસા કમાતા હોય એ વાત જુદી છે.

શબ્દકોશમાં ભૂખના વિવિધ અર્થ આપવામાં આવ્યા છે. ભૂખ એટલે ક્ષુધા, ખાવાની તીવ્ર ઈચ્છા એ અર્થ પહેલા ધ્યાનમાં આવે છે. ભૂખ એટલે આકાંક્ષા, ઇચ્છા, લાલસા, કામના, અભિલાષા એવા અર્થ પણ છે. મનુષ્ય માત્રમાં પ્રસિદ્ધિની ભૂખ ઓછી નથી થતી. આ સિવાય દારિદ્રય, કંગાલિયત કે ગરીબાઈ એવા પણ એના અર્થ છે. અતિશય કંગાલિયત દર્શાવવા અઢાર ગાડાં ભૂખ એમ કહેવાય છે. આ ઉપરાંત ભૂખના અન્ય અર્થ છે લોભ, તૃષ્ણા અને વાસના. ભૂખની એક માર્મિક કહેવત છે કે ભૂખ ગઈ ત્યારે ભોજન આવ્યું, જોબન ગયું ત્યારે જોરૂ આવી ને ટાઢ ગઈ ત્યારે ડગલો મળ્યો, જ્યારે જે વસ્તુની જરૂર-આવશ્યકતા હોય ત્યારે જો એ ન મળે તો પછી એની કિંમત, એનું મૂલ્ય નથી રહેતા. આ કહેવત ભૂખ ગઈ ભોજન મિલી, ઠંડ ગઈ મિલી કબાહ, જોબન ગયા ને તિયા મિલી, તો તીનોંકુ આગ લગા તરીકે પણ જાણીતી છે. કબાહ એટલે ડગલો અથવા ઓઢવાની શાલ અને તિયા એટલે જોરૂ અથવા પત્ની. સુથારનું મન બાવળિયે એમ ભૂખ્યાનું મન ભોજનિયે કહી શકાય. આ માનસિકતા દર્શાવતી એક નાનકડી કહેવત કથા જાણવા – સમજવા જેવી છે. ભૂખે સે પૂછા દો ઔર દો ક્યા? તો બોલા ચાર રોટિયાં. ભૂખ્યાને પૂછવામાં આવ્યું કે દો ઔર દો ક્યા? મતલબ કે બે ને બે કેટલા થાય એવો સવાલ કરવામાં આવ્યો હતો, પણ એ તો ભૂખ્યો હતો એટલે તેને દો એટલે બેની બદલે આપો એ અર્થ જ સમજાયો અને એ અર્થ પકડી તેણે કહ્યું કે ચાર રોટિયાં દો-ચાર રોટલી આપો. તેનું મન ગણવા નહીં પણ જમવા ક્યાં મળે છે એમાં વ્યસ્ત હતું. ભૂખ આમ તો શારીરિક લક્ષણ છે, પણ ભાષામાં તો તેને માનવધર્મ સાથે પણ સાંકળી લેવામાં આવ્યું છે. આ ભાવના ભૂખ્યાને ભોજન, પ્યાસાને પાણી, નાગાને વસ્ત્ર, એ સ્વચ્છ ઈન્સાની કહેવતમાં આબાદ વ્યક્ત થાય છે. કોઈ ભૂખ્યું માણસ નજરે પડે તો તેને અન્ન- ભોજન આપવું, પોતાની પાસે એક જ રોટલો હોય તો એમાંથી હિસ્સો આપવો, તરસ્યાને પાણી પીવડાવવું – પરબની કલ્પના એમાંથી જ જન્મી હશે અને શરીર ઢાંકવાના વાંધા હોય એને વસ્ત્ર દાન કરવું એ જ સાચી માણસાઈ છે. ગમે તેવી વિપરીત પરિસ્થિતિમાં સ્વમાની માણસ પોતાની ટેક ભૂલે નહીં એ વાત ભૂખ્યો સિંહ તરણું ન ખાય એ કહેવતમાં સુપેરે વ્યક્ત થાય છે.

MNEMONICS

શાળાના ભણતરમાં વિવિધ વિષયો ભણવાની સાથે કેટલીક જ્ઞાનવર્ધક જાણકારી આપનારા જ્ઞાની શિક્ષકોનો ભેટો થતો હોય છે. અમુક શિક્ષકો વિદ્યાર્થીઓને ગોખણપટ્ટીથી દૂર રહી કોઈ મહત્ત્વની બાબત યાદ રાખવા માટે નુસખો અપનાવતા હોય છે. એક ઉદાહરણ પરથી વાત સ્પષ્ટ થઈ જશે. વર્ષના 12 મહિનામાં ફેબ્રુઆરીને બાદ કરતા ક્યા મહિનામાં 30 દિવસ અને કયા મહિનામાં 31 દિવસ હોય છે એ યાદ રહે એ માટે એક પંક્તિ તૈયાર કરવામાં આવી છે: Thirty Days has September, April, June and November. All the Rest have Thirty One. મતલબ કે સપ્ટેમ્બર, એપ્રિલ, જૂન અને નવેમ્બર એ 4 મહિનામાં 30 દિવસ હોય છે, બાકીના 7 મહિનામાં 31 દિવસ. યાદ રાખવું કેટલું સરળ છે. બાકી રહ્યો ફેબ્રુઆરી જેમાં સામાન્યપણે 28 દિવસ હોય છે, પણ લિપ યરમાં 29 દિવસ હોય છે. Using Mnemonic devices is an excellent way to help elementary students learn and retain important information. નીમોનિકસના ઉપયોગથી વિદ્યાર્થીઓને અભ્યાસમાં મહત્ત્વ ધરાવતી બાબતો ગોખ્યા વિના યાદ રહી જાય છે. Mnemonics is a Memory Aid, ગુજરાતીઓની ભાષામાં બદામ ખાવા બરાબર છે જે યાદશક્તિ માટે ખાતર પૂરું પાડે છે.

રોમન આંકડામાં 1,5,10, 50,100, 500 અને 1000 અંગ્રેજી આલ્ફાબેટના અક્ષરોથી વ્યક્ત થાય છે. પ્રત્યેક અંક માટે એક અંગ્રેજી અક્ષર નિશ્ચિત કરવામાં આવ્યો છે, પણ કયા અંક માટે કયો અક્ષર છે એ જો બરાબર યાદ ના રહે તો 10ની જગ્યાએ 100 કે 1000 અથવા 5ની જગ્યાએ 50 કે 500 લખાઈ જાય અને જો જમણના નોતરામાં આવી ભૂલ થાય તો કેવી હાલત થાય એ વિચારી જુઓ. જોકે, ભાષાજ્ઞાનીઓએ આનો અસરકારક ઉકેલ શોધી કાઢ્યો છે. એક જ વાક્ય યાદ રાખવાનું અને એ વાક્ય છે I Value Xylophones Like Cows Dig Milk. અહીં દરેક શબ્દના પહેલા અક્ષરનું મૂલ્ય ચડતા ક્રમમાં નજરે પડે છે. I=1, V=5, X=10, L=50, C=100, D=500, and M=1,000. યાદ રાખવાનો કેવો સરળ કીમિયો છે ને. સૂર્યમાળાના ગ્રહનો ક્રમ યાદ રાખવા માટે My Very educated Mother Just Served Us Nine Pizzas યાદ રાખવાનું. The first letter of each word symbolises a planet. so the order is Mercury, Venus, Earth, Mars, Jupiter, Saturn, Uranus, Neptune, Pluto. હા, હવે પ્લુટો સૂર્યમાળાનો સભ્ય નથી, પણ આ કીમિયો વર્ષો પહેલા શોધાયો ત્યારે પ્લુટોની ગણતરી ગ્રહ તરીકે થતી હતી. પ્લુટો સિવાયના આઠ ગ્રહ યાદ રાખવા માટે નવો કીમિયો છે My Very Excellent Mother Just Served Us Nachos.

अर्थपूर्ण म्हणी

કહેવતો અને રૂઢિપ્રયોગની એક ખાસિયત એ છે કે ઉદાહરણ દ્વારા એમાં ટૂંકમાં બહુ ગહન કે તાત્વિક વાત અત્યંત સરળતાથી સમજાઈ જતી હોય છે. દરેક ભાષામાં આ લાક્ષણિકતા નજરે પડે છે. આજે આપણે મરાઠી ભાષાના કેટલાક ઉદાહરણથી આ વાત જાણીએ – સમજીએ. उडाला तर कावळा आणि बुडाला तर बेडूक. કાવળા એટલે કાગડો અને બેડુક એટલે દેડકો. ઉડ્યો તો કાગડો સમજવાનું અને ડૂબી જાય તો દેડકો માની લેવાનું એ શબ્દાર્થમાં પરીક્ષણથી હકીકત સમજાય અને એ માટે રાહ જોવી પડે એ ભાવાર્થ એમાં રહેલો છે. દૂધનું દૂધ અને પાણીનું પાણી થવાની વાત છે. उभारले राजवाडे तेथे आले मनकवडे કહેવતમાં રાજવાડે એટલે રજવાડું અને મનકવડે એટલે સામેની વ્યક્તિના મનમાં શું ચાલી રહ્યું છે એ સમજવાની ક્ષમતા ધરાવતી વ્યક્તિ. એના ભાવાર્થમાં આ શબ્દોના સૂક્ષ્મ અર્થ વણી લેવામાં આવ્યા છે. સુખ સમૃદ્ધિ આવે એટલે એની સાથે સાથે હાજી હા કરનારા લોકોની ફોજ પણ હાજર થઈ જાય એ આ કહેવત પાછળનો ભાવાર્થ છે. उसाच्या पोटी कापूस પ્રયોગમાં ઉસ એટલે શેરડી અને કાપૂસ એટલે કપાસ. બંનેના ગુણધર્મમાં આસમાન જમીનનો તફાવત છે. જ્યારે કોઈ સદ્દગુણીને ત્યાં દુર્ગુણ વ્યક્તિનો જન્મ થાય ત્યારે આ કહેવતનો ઉપયોગ થાય છે. ऊराचे खुराडे आणि चुलीचे तुणतुणे કહેવત અત્યંત માર્મિક છે. સાંકડા ઘરમાં રસોડાની પીપુડી વગાડવી એવો એનો શબ્દાર્થ છે. અતિશય કફોડી સ્થિતિ એ એનો ભાવાર્થ છે. ઘણીવાર લોકો નાની અમથી સફળતાથી ફૂલીને ફાળકો થઈ જતા હોય છે. આ વાત ભાવાર્થ સાથે एका पिसाने मोर होत नाही કહેવતમાં પ્રભાવી રીતે વ્યક્ત થાય છે. સુંદર મજાનું એક પીંછું હાથ લાગે એટલે આખો મોર બની નથી જતો. નાની અમથી સફળતાથી પોરસાય જવા સામે લાલબત્તી છે.

भरमानेवाले शब्द

ગજબનાક સામ્યને કારણે ભ્રમ પેદા કરી ચોંકાવી દેનારા શબ્દ સમૂહની યાત્રા આજે આગળ વધારીએ. અલબત્ત ભ્રમ નિરસન આવકાર્ય છે, કારણ કે ખુલાસો સત્ય – અસત્ય, સારું – ખરાબ વગેરે ભેદ સ્પષ્ટ કરે છે. आरजी और आरजू શબ્દ યુગ્મમાં ત્રણેય અક્ષર અને તેમના ક્રમ સુધ્ધાં સરખા છે. ફરક માત્ર દીર્ઘ ઈ અને દીર્ઘ ઊનો છે. જોકે, અર્થમાં તફાવત દીર્ઘ એટલે કે લાંબો છે. આરજી એટલે કામચલાઉ જ્યારે આરજૂ એટલે ઈચ્છા, વિનંતી. માનવ સ્વભાવ એવો છે કે आरजू कभी आरजी नहीं होती. ઈચ્છાઓ ક્યારેય કામચલાઉ નથી હોતી, નિરંતર હોય છે.आहट और आहत જોડીમાં માત્ર અંત્ય અક્ષરનો ફરક છે. આહટ એટલે પગનો ધ્વનિ. કૈફી આઝમીની પ્રેમળ રચના છે: ज़रा सी आहट होती है तो दिल सोचता है, कहीं ये वो तो नहीं. પ્રેમના પૂરમાં તણાતા હોઈએ ત્યારે પ્રત્યેક પગલાનો ધ્વનિ પ્રિયતમ/પ્રેયસીની આગમનની જ જાણે છડી પોકારે છે. આહત એટલે ઘાયલ. જોગાનુજોગ આ બંને શબ્દ વચ્ચે જોડાણ પણ છે. दिल आहत होता है तब हरघडी आहट सुनाई देती है. દિલ પ્રેમમાં ઘાયલ થયું હોય ત્યારે પ્રત્યેક ક્ષણ એના પગરવના ભણકારા વાગ્યા કરે. इलायची और एलची અત્યંત જાણીતા શબ્દ છે. ઈલાયચી એટલે એલચી – તેજાનો જ્યારે એલચી એટલે રાજદૂત. उद्यत और उद्धत જોડીમાં ઉદ્યત એટલે તૈયાર અને ઉદ્ધત એટલે અવિનયી. અર્થમાં કોઈ મેળ નહીં. उद्यम और उधम શબ્દયુગ્મમાં એવું ગજબનાક સામ્ય છે કે ધ્યાનથી ન જોઈએ તો સરખા લાગે. પણ અર્થમાં એટલો તફાવત છે કે ધ્યાન સહેજ પણ વિચલિત ન થાય એની તકેદારી રાખવી પડે. ઉદ્યમ એટલે મહેનત – પરિશ્રમ અને ઉધમ એટલે તોફાન. હા, એ અલગ વાત છે કે उद्यम न करना हो वे उधम मचाते हैं. આજની અંતિમ જોડી છે उपहार और उपाहार. માત્ર કાનાનો ફરક, પણ ઉપહાર એટલે ભેટ, સોગાદ જ્યારે ઉપાહાર એટલે નાસ્તો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button