ભારતના ઑસ્ટ્રેલિયા-પ્રવાસ વિશે સુનીલ ગાવસકરે કરી મોટી ભવિષ્યવાણી
મુંબઈ: ભારતીય ટીમ ન્યૂ ઝીલૅન્ડ સામેની ટેસ્ટ-સિરીઝમાં 0-3થી હારી ગઈ ત્યાર બાદ હવે આપણી ટીમે ઑસ્ટ્રેલિયાનો સંઘર્ષભર્યો પ્રવાસ કરવાનો છે. કિવીઓ સામેની શ્રેણી પહેલાં ભારતીય ટીમે બાંગ્લાદેશ સામે 2-0થી જીતીને વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ (ડબ્લ્યૂટીસી)ની ફાઇનલમાં પહોંચવા માટેની આશા વધારી દીધી હતી, પણ ન્યૂ ઝીલૅન્ડ સામેના રકાસને પગલે હવે ફાઇનલની આશા પર પાણી ફરી વળી રહ્યું છે. ક્રિકેટ-લેજન્ડ સુનીલ ગાવસકરે ફાઇનલમાં પહોંચવા વિશેની ભારતીય ટીમની આશા વિશે ચોંકાવનારું નિવેદન આપ્યું છે.
આ પણ વાંચો: Birthday Virat Kohli: 36 વર્ષનો થયો કિંગ કોહલી, ક્રિકેટના આ મોટા રેકોર્ડ કર્યા પોતાના નામે
ભારતીય ટીમ જો ન્યૂ ઝીલૅન્ડ સામેની સિરીઝ જીતી ગયું હોત તો ઑસ્ટ્રેલિયામાં પાંચમાંથી બે ટેસ્ટ જીતીને પણ કામ ચાલી ગયું હોત, પરંતુ કિવીઓ સામેના પરાજયે ભારત માટે ગણિત સાવ બગાડી દીધું છે.
ભારતીય ટીમ ટેસ્ટના વર્લ્ડ કપને લગતા પૉઇન્ટ્સ-ટેબલમાં મોખરાના સ્થાનેથી બીજા સ્થાન પર જતું રહ્યું છે. હવે ભારતે ઑસ્ટ્રેલિયામાં પાંચ મૅચવાળી શ્રેણી 4-0થી જીતવી જ પડશે અને એક ટેસ્ટ ડ્રૉમાં જશે તો પણ ચાલશે. હા, એક પણ પરાજય ભારતની રહીસહી આશા પર પાણી ફેરવી શકે એમ છે. અન્ય ટીમોના પરિણામો પર પણ ભારતે મદાર રાખવો પડશે.
આ પણ વાંચો: કિવિઓ સામે હાર્યા પછી ગિલક્રિસ્ટે ટીમ ઈન્ડિયા માટે કહ્યું કે ટીમ સરળતાથી હારશે નહીં…
શું ભારત ટેસ્ટના વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચી શકશે? એવા સવાલના જવાબમાં ગાવસકરે એક જાણીતી વેબસાઇટને જવાબમાં કહ્યું, ‘ના, મને નથી લાગતું કે આપણે ફાઇનલમાં પહોંચી શકીશું. ખરેખર મને નથી લાગતું. ભારત ટેસ્ટ-સિરીઝમાં ઑસ્ટ્રેલિયાને 4-0થી નહીં હરાવી શકે. જોકે એવું થશે તો હું ખૂબ ખુશ થઈશ. ભારત 3-1થી જીતી શકે એમ છે, પરંતુ 4-0થી….? હું હમણાં વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ વિશે વધુ ચર્ચા કરવા નથી માગતો. હાલમાં ટીમ ઇન્ડિયાએ ફક્ત ઑસ્ટ્રેલિયામાં સિરીઝ જીતવા પર જ બધુ ધ્યાન આપવાની જરૂર છે. આપણી ટીમ 1-0થી, 2-0થી, 3-0થી કે 2-1થી જીતશે એનાથી કોઈ ફરક નહીં પડે. ત્યાં જશો ત્યારે જીતજો, બસ. એવું થશે તો આપણે બધા ભારતીય પ્રશંસકો ફરીથી આનંદિત મૂડમાં આવી જઈશું.’
ભારતે ઑસ્ટ્રેલિયા ખાતેના અગાઉના બન્ને પ્રવાસમાં ટેસ્ટ-સિરીઝ 2-1થી જીતી લીધી હતી. ખરેખર તો ભારતે કાંગારૂઓ સામે છેલ્લી ચારેય શ્રેણી 2-1થી જીતી છે. ઑસ્ટ્રેલિયાની ટીમ ભારતને છેલ્લે 10 વર્ષ પહેલાં (2014-’15માં) ટેસ્ટ-શ્રેણીમાં હરાવવામાં સફળ થઈ હતી.