કચ્છના ચકચારી હનીટ્રેપ ગુનામાં દોઢ વર્ષથી ફરાર મહિલા વકીલ ભુજથી ઝડપાઇ…
ભુજ: એશિયાના સૌથી ધનાઢ્ય માધાપર ગામના જાણીતા ટ્રાન્સપોર્ટના વ્યવસાયી દિલીપ ગાગલ પાસેથી ચાર
કરોડ રૂપિયા પડાવવા અમદાવાદની યુવતી મારફતે હની ટ્રેપ કરી, બળાત્કારની ખોટી ફરિયાદ નોંધાવી મરવા માટે મજબૂર કરવાના જે-તે સમયે ભારે ચર્ચાસ્પદ બનેલા ગુનામાં પશ્ચિમ કચ્છની સ્થાનિક ગુન્હાશોધક શાખાએ દોઢ વર્ષે અંજારની ધારાશાસ્ત્રી કોમલ દયારામ જેઠવાને ભુજથી ઝડપી પાડી છે.
આ પણ વાંચો : Ahmedabadમાં ગુનાખોરો બેફામ બન્યા, વિરમગામમાં પીએસઆઈની બુટલેગરે ગાડી ચડાવી હત્યા કરી
કોમલ અને તેના સાગરીત વકીલ એવા આકાશ મકવાણા સહિતના દસથી વધુ આરોપીઓ વિરુદ્ધ ગત 5મી જૂન 2023ના રોજ નખત્રાણા પોલીસ મથકે રૂપિયા પડાવવા માટે દિલીપ ગાગલને હની ટ્રેપ કરવાનું કાવતરું ઘડીને તેને મરવા માટે મજબૂર કરવાની ફરિયાદ નોંધાઈ હતી.
આ પ્રકરણમાં કોમલ જેઠવા સાથે કુલ ચાર વકીલોના નામ આરોપી તરીકે બહાર આવતાં કચ્છના વકીલ આલમમાં ચકચાર પ્રસરી હતી. અગાઉ પોલીસ ભુજના વકીલ વી.આર. જાડેજા, કોમલના સાથીદાર આકાશ મકવાણા અને કુખ્યાત મનીષા ગોસ્વામીના વકીલ આસિફ અન્સારીની ધરપકડ કરી ચૂકી છે.
આ પણ વાંચો : પ્રેમીએ નાળામાં ડુબાડી પ્રેમિકાની હત્યા કરી, એક મહિના પહેલા જ સાથે જીવવાના સોગંદ ખાધા હતા
ઉલ્લેખનીય છે કે, રીઢી આરોપી ના હોવા છતાં કોમલ અત્યારસુધી નાસતી રહી અને એલસીબીને તેના કોઈ સગડ જ ના મળ્યાં તે જ બાબત ખરેખર તો તપાસનો વિષય છે. ભુજની પાલારા જેલમાં રહીને ગુનાખોરીનું નેટવર્ક ચલાવનારી આ ગુનાની મુખ્ય સૂત્રધાર મનીષા ગોસ્વામીનો પતિ ગજુગીરી ગોસ્વામી અને વડોદરાનો અખલાક પઠાણ હજુ સુધી પકડાયાં નથી. હનીટ્રેપના આ પ્રકરણમાં સામેલ મોટાભાગના આરોપીઓ હાઈકૉર્ટ અને ક્રમશઃ સ્થાનિક કૉર્ટમાંથી જામીન પર મુક્ત થઈ ચૂક્યાં છે.