રાપર કેનાલ દુર્ઘટના: વધુ એક મૃતદેહ મળ્યો, ચપ્પલ બન્યું મોતનું કારણ…
કચ્છઃ દિવાળીના વેકેશનની રજાઓ દરમ્યાન બંદરીય માંડવી શહેરની રમણીય બીચ પર ફરવા આવેલા અંજારના પિતા પુત્રના સમુદ્રમાં ડૂબી જવાથી મૃત્યુ થયાની ઘટના હજુ લોકોના માનસપટ પર તાજી છે તેવામાં ગત સોમવારના રાપર નજીક ગેડી સેલારી ગામ પાસે નીકળતી નર્મદા કેનાલમાં બે મહિલા અને બે પુરુષ સહિત ચાર જણ ડૂબી ગયા હતા. ગોઝારી ઘટનામાં આજે વધુ એક મૃતદેહ મળ્યો હતો. અત્યાર સુધીમાં ત્રણ મૃતદેહ મળી આવ્યા છે અને એકની શોધખોળ હજુ પણ ચાલું છે.
આ પણ વાંચો : રાપરના ગેડી નજીક કેનાલમાં એક સગીર સહીત ચાર ડૂબ્યા, બેના મોત
કેવી રીતે બની હતી ઘટના
રાપરના પોલીસ સબ ઈન્સ્પેક્ટર પી.એલ.ફણેજાએ જણાવ્યું, વાગડના ગેડી અને આસપાસના ગામોની વાડીઓમાં કપાસના કાલાં ફોલવાં દર વર્ષની જેમ આ વર્ષે પણ મોટી સંખ્યામાં પરપ્રાંતિય ખેતમજૂરો આવ્યાં છે. અલવરના આવા જ એક ખેતમજૂર પરિવારના સગીર વયના બાળકનું ચપ્પલ નર્મદા કેનાલમાં પડી જતાં તેને લેવા કેનાલમાં ઉતર્યો હતો. જો કે તેનો પગ લપસતાં તે કેનાલના ઊંડા પાણીમાં ગરકાવ થયો હતો. સગીરને બચાવવા માટે પરિવાર અને તે જ ગામના ભાઈ બહેન સહિત અન્ય ચાર જણાં પણ કેનાલ પાસે દોડી આવ્યાં હતાં.
જે બાળક કેનાલમાં ખાબકેલો તે જેમ તેમ કરીને બહાર આવી ગયો હતો પરંતુ તેને બચાવવા જતાં બે મહિલા અને બે પુરુષ કેનાલના પાણીમાં ગરકાવ થઈ ગયાં હતાં. કેનાલની પાળે જામેલી લીલના કારણે ચારે જણ લપસીને સીધાં પાણીમાં ખાબક્યાં હતાં અને ડૂબવા માડ્યાં હતાં.
આ પણ વાંચો : અમરેલીઃ કારનો દરવાજો લોક થઈ જતાં એક જ પરિવારના 4 બાળકોના ગૂંગળાઈ જવાથી મોત
રેસ્ક્યુ ટીમની ભારે જહેમત બાદ પાણીમાં ડૂબેલા ચાર પૈકી બે જણના મૃતદેહ સોમવારે સાંજે મળ્યાં હતા, બેની શોધખોળ રાત્રી સુધી હાથ ધરવામાં આવી હતી. કેનાલમાં વહેતો પાણીનો પ્રવાહ બંધ કરાવીને ભચાઉથી આધુનિક સાધનોથી સજ્જ રેસ્ક્યું ટીમને બોલાવીને મૃતદેહ શોધવાની કવાયત હાથ ધરવામાં આવી હતી.