આનંદો! આવતીકાલથી નેરલ-માથેરાન ટોય ટ્રેન સેવા ફરી શરુ થશે…
મુંબઈઃ મહારાષ્ટ્રના લોકપ્રિય હિલ સ્ટેશન પૈકીના માથેરાનના પ્રેમીઓ માટે આનંદના સમાચાર છે કે આવતીકાલથી નેરલથી માથેરાન વચ્ચે ટોય ટ્રેન શરુ થશે, જેથી વરિષ્ઠોથી લઈને બાળકો પણ ટોય ટ્રેનની મજા માણી શકશે. માથેરાન હિલ સ્ટેશન મહારાષ્ટ્રનું લોકપ્રિય હિલ સ્ટેશન છે, જ્યાં નેરોગેજ ટ્રેક ધરાવે છે.
આ પણ વાંચો : રાજ્યમાં ત્રીજો મોરચોઃ પરિવર્તન મહાશક્તિ પાર્ટી ૧૨૧ બેઠક પરથી લડશે ઈલેક્શન…
મધ્ય રેલવેના કલ્યાણ-કર્જત સેક્શનમાં આવેલા નેરલ સ્ટેશનથી માથેરાન માટે આવતીકાલથી સંપૂર્ણ ટોય ટ્રેન સર્વિસ ચાલુ કરવામાં આવશે. હવેથી નેરલથી માથેરાન માટે રેગ્યુલર ટોય ટ્રેનની સર્વિસ શરુ થશે.
ચોમાસા બાદ ભારતીય રેલવે દ્વારા નેરલ-માથેરાન ટોય ટ્રેન સેવા ફરી શરૂ કરવામાં આવશે. આ ટ્રેન સેવાઓ ચોમાસાની મોસમ દરમિયાન સલામતી અને સુરક્ષાના કારણોસર જૂનથી ઓક્ટોબર સુધી બંધ રાખવામાં આવે છે. જોકે, માથેરાન અને અમન લોજને જોડતી સેવાઓ આ સમયગાળા દરમિયાન કાર્યરત રહે છે. હવે આ ટોય ટ્રેન સેવા આવતી કાલથી શરુ કરવામાં આવશે, જે તેના નિયત ટાઈમટેબલ પ્રમાણે ચાલુ રહેશે.
મધ્ય રેલવેમાં સવારના નેરલથી માથેરાન માટે સવારે 8.50 અને 10.50 વાગ્યે બે ડાઉન ફેરી હશે, જ્યારે માથેરાનથી નેરલ માટે બપોરે 2.45 અને સાંજે 4 વાગ્યે બે અપ સેવાઓ હશે. ટોય ટ્રેનમાં કુલ છ કોચ હશે, જેમાં ત્રણ સેકન્ડ-ક્લાસ કોચ, એક ફર્સ્ટ ક્લાસ વિસ્ટાડોમ કોચ અને બે સેકન્ડ-ક્લાસ કમ લગેજ વાન કોચનો સમાવેશ થાય છે. ઉપરાંત, અમનલોજ-માથેરાન-અમન લોજ વચ્ચેની ટોય ટ્રેનની શટલ સર્વિસ ઉપલબ્ધ રહેશે.
આ પણ વાંચો : હેં, નવેમ્બરમાં અહીં મળે છે હાફૂસ કેરીઃ જાણો કેટલો છે ભાવ
તમામ શટલ સર્વિસમાં ત્રણ સેકન્ડ-ક્લાસ કોચ, એક ફર્સ્ટ-ક્લાસ કોચ અને બે સેકન્ડ-ક્લાસ-કમ-લગેજ કોચથી પણ સજ્જ હશે. આ શટલ ટ્રેન અપ અને ડાઉન લાઇન પર દિવસની છ ફેરી રહેશે. આ ઉપરાંત, શનિવાર અને રવિવારના દિવસોમાં પ્રવાસીઓના ધસારાને ધ્યાનમાં લઇને ટોય ટ્રેનના બે વધારાના ફેરા પણ કરાવવામાં આવશે.