તરોતાઝા

કૉલ્ડ પ્રેસ કે રિફાઈન્ડ તેલ સ્વાસ્થ્ય માટે ક્યું ઉત્તમ?

સ્વાસ્થ્ય સુધા -શ્રીલેખા યાજ્ઞિક

આજકાલ બજારમાં વિવિધ પ્રકારનાં તેલ ઉપલબ્ધ હોય છે. દિવાળીના દિવસો ચાલી રહ્યા છે ત્યારે દિવાળીમાં ઘરે બનતાં ખાસ ફરસાણમાં ક્યા તેલનો ઉપયોગ કરવો જોઈએ? કેટલી માત્રામાં કરવો જોઈએ …આવા પ્રશ્ર્નો સર્તક ગૃહિણીના મનમાં અવશ્ય ઊભો થાય. ચાલો, આજે  વિવિધ પ્રકારના તેલનો ઉપયોગ કઈ રીતે કરવો જોઈએ તે વિશે સાચી જાણકારી મેળવી લઈએ.  

મગફળી, તલ, નાળિયેર, સૂરજમુખી, રાઈસ બ્રાન, સોયાબીન, સરસિયું-ક્યું તેલ આરોગ્ય માટે શ્રેષ્ઠ? આહાર તજજ્ઞો તો સ્વાસ્થ્યને  ટકાવી રાખવા માટે કચ્ચી ઘાણીના તેલનો ઉપયોગ કરવાની સલાહ આપે છે. તેનું મુખ્ય કારણ છે આ તેલ તૈયાર કરતી વખતે  કોઈ પણ પ્રકારની રાસાયણિક પ્રક્રિયા કરવામાં આવતી નથી. સૌથી વધુ ભોજન પકાવવા માટે વપરાતું તેલ છે સરસિયાનું. સામાન્ય રીતે આપણે જે તેલનો ભોજન પકાવવા માટે ઉપયોગ કરતાં હોઈએ છીએ તે તેલ ઉત્તમ છે, તેમ માનવામાં આવે છે. એવી પણ માન્યતા જોવા મળે છે કે રિફાઈન્ડ તેલની સરખામણીમાં કૉલ્ડ પ્રેસ્ડ (કચ્ચી ઘાણી)નું તેલ સ્વાસ્થ્ય માટે વધુ  સારું છે.

Also read: ફોકસ: હાર્ટ-અટૅક ને કાર્ડિયાક અરેસ્ટ વચ્ચે શું છે તફાવત?

કૉલ્ડ પ્રેસ કે કચ્ચી ઘાણીનું તેલ કેવું હોય? આ તેલ કાઢવા માટે સરળ પદ્ધત્તિનો ઉપયોગ કરવામાં આવે છે. મગફળી કે તલને પ્રથમ સૂર્યપ્રકાશમાં સૂકવવામાં આવે છે. ત્યારબાદ જ્યાં સુધી તેમાંથી તેલ ન નીકળે ત્યાં સુધી ધીમે ધીમે લાકડાના મશીનમાં દબાવવામાં આવે છે. નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઑફ હેલ્થ દ્વારા બહાર પાડવામાં આવેલાં એક સંશોધન પ્રમાણે કચ્ચી ઘાણીમાં તૈયાર થતાં તેલમાં વિવિધ વિટામિન જેવા કે વિટામિન ઈ, વિટામિન કે, વિટામિન સીની માત્રા વધુ હોય છે. તેમજ ઍન્ટિ-ઑક્સિડન્ટ અને  ફેટ હોય છે. જે પ્રાકૃત્તિક રીતે નીકળતી હોવાને લીધે તે સ્વાસ્થ્ય માટે સારી ગણાય છે. તેથી કચ્ચી ઘાણીનું  તેલ અન્ય તેલની તુલનામાં વધુ પૌષ્ટિક ગણાય છે.

રિફાઈન્ડ તેલ કઈ રીતે તૈયાર થાય છે? સોયાબીન, સૂર્યમુખી, મકાઈ વગેરેના બીજમાંથી તેલ મેળવવા માટે તેને એક પ્રકારની કેમિકલ ટ્રિટમેન્ટ આપવામાં આવે છે. રિફાઇનિંગ દ્વારા પ્રાપ્ત થતું તેલ કચ્ચી ઘાણીથી વધુ માત્રામાં મળે છે. તેલને વધુ તાપમાન ઉપર ગરમ કરવામાં આવે છે જેથી તે લાંબા સમય સુધી ખરાબ થતું નથી. તેથી તેનો ભાવ કચ્ચી ઘાણીના તેલ કરતાં ઓછો હોય છે. 

વળી તેલને રિફાઈન્ડ કરવા  માટે તેમાં અનેક વખત એસિટિક એસિડ, બ્લિચિંગ સોડા જેવા રસાયણનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. જેને કારણે પોષક તત્ત્વો ખરાબ થાય છે. કૉલ્ડ પ્રેસ્ડ ઑઈલનો  ઉપયોગ કરવાથી વ્યક્તિને કૉલેસ્ટ્રોલ કે બ્લડ પ્રેશર વધવાની શક્યતા ઘટી જાય છે. ત્વચાની ચમક જળવાઈ રહે છે. તેલ કાઢ્યા બાદ તેની સુગંધ તથા સ્વાદ જળવાઈ રહે છે.  એસીબીઆઈ (નેશનલ સેન્ટર ફોર બાયોટેકનોલૉજી ઇન્ફર્મેશન)ની વેબસાઈટ ઉપર મળતી માહિતી પ્રમાણે ઘાણીનું તેલ અન્ય રિફાઈન્ડ તેલની તુલનામાં સ્વાસ્થ્ય માટે વધુ ફાયદાકારક છે.

કચ્ચી ઘાણી તેલના લાભ  રોગપ્રતિકારક શક્તિ વધારે :

કહેવત છે ને કે ‘શરીરે સ્વસ્થ તો સુખી સર્વ વાતે’. વ્યક્તિની પાચન ક્રિયાની સાથે તેનું  રોગપ્રતિકારક તંત્ર અગત્યની ભૂમિકા ભજવે છે. સતત રિફાઈન્ડ તેલને બદલે ૨૧ દિવસ સુધી જો કચ્ચી ઘાણીના તેલનો ઉપયોગ કરવામાં આવે તો રોગપ્રતિકારક શક્તિ મજબૂત બની શકે છે. ડાયાબિટીસની વ્યાધિમાં ગુણકારી : ઘાણીના તેલનો ઉપયોગ કરવાથી ડાયાબિટીસની સમસ્યામાં રાહત મેળવી શકાય છે. કેમ કે લોહીમાં ગ્લુકૉઝની માત્રા વધવાને કારણે ડાયાબિટીસ વકરે છે.

Also read: કેવું નઇ? આપણા બેસણામાં બધા હાજર ને આપણે જ ગેરહાજર?

ઘાણીનું તેલ ઍન્ટિડાયાબિટીક ગુણ ધરાવે છે. એવું કહેવાય છે કે તલનું તેલ  કેટલીક હદ સુધી ગ્લુકૉઝના વધતા સ્તરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.  ત્વચાને ચમકીલી બનાવે છે : ક્ચ્ચી ઘાણીનું તેલ સ્વાસ્થ્યની સાથે ત્વચા માટે ગુણકારી ગણાય છે. એક સંશોધન દ્વારા જાણવા મળેલ છે કે ઘાણીના તેલનો ઉપયોગ ત્વચાને મુલાયમ બનાવવા માટે કરવો હિતકારી છે. તેમાં ઍન્ટિબેક્ટેરિયલ તથા ઍન્ટિફંગલ ગુણો સમાયેલાં છે. તેથી જ તેનો ઉપયોગ સૌંદર્ય પ્રશાધનો બનાવતી કંપની દ્વારા તૈયાર થતાં લૉશનમાં તેમજ અનેક કૉસ્મેટિક ઉત્પાદનોમાં થાય છે. જે ત્વચાને કોમળ બનાવે છે. 

હૃદયના સ્વાસ્થ્યને જાળવી રાખે છે : હૃદયની તંદુરસ્તી જાળવવી અત્યંત આવશ્યક ગણાય છે. કાચી ઘાણીનું તેલ વ્યક્તિના શરીરની અન્ય સમસ્યાઓની સાથે હૃદયની સ્વસ્થતા જળવાઈ રહે તે માટે ઉપયોગી ગણાય છે. ઘાણીના તેલમાં ટોકોફેરોલ, પૉલિફેનોલ તેમજ ઍન્ટિઑક્સિડન્ટ સમાયેલાં હોય છે. જે હૃદય સંબંધિત તકલીફથી બચાવે છે. 

સોજાની તકલીફમાં લાભકારી : શરીરમાં વારંવાર સોજા આવી જવાની તકલીફ અનેક લોકોમાં જોવા મળે છે. તેવા સંજોગોમાં ઘાણીનું તેલ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક ગણાય છે. તેનું મુખ્ય કારણ આ તેલમાં ઍન્ટિ-ઈન્ફેલમેટરી ગુણો હોય છે. જે સોજાને ઘટાડવામાં ઉપયોગી બને છે. તેમ જ સોજાને કારણે અનેક વખત સાંધામાં દુખાવો રહેવો કે શરીરમાં કળતર થવું વગેરેથી છૂટકારો મળી શકે છે. 

ભોજન બનાવવા માટે સૌથી સારું તેલ ઘાણીનું, તેમ જ સરસિયાનું ગણાય છે. સરસિયાના તેલમાં બનતી રસોઈમાં એક વાસ આવે છે જે અનેક લોકોને પસંદ પડતી નથી. સિંગતેલ કે તલનું તેલ વાપરી શકાય છે. તેલનો ઉપયોગ બને તેટલી મર્યાદિત માત્રામાં કરવો સ્વાસ્થ્ય માટે ગુણકારી હોય છે. તહેવારોના દિવસોમાં તળેલાં ફરસાણ ખાવાની ઈચ્છા થાય ત્યારે તેનો સ્વાદ માણી લેવો. તળેલી વાનગીની સાથે બને તેટલી વધુ માત્રામાં શાકભાજી તથા ફળનો આહારમાં ઉપયોગ કરવો જરૂરી છે. ચાલવા નીકળી જવું, જેથી ચરબીનો ભરાવો થતો રોકી શકાય. જે લાંબાગાળે વ્યક્તિના સંપૂર્ણ સ્વાસ્થ્યને જાળવવામાં મદદ કરશે. 

સ્વાસ્થ્ય માટે ક્યું તેલ શ્રેષ્ઠ 

નિષ્ણાત આહાર તજજ્ઞો વારંવાર સલાહ આપતાં હોય છે કે એકનું એક તેલ ખાવાને બદલે રસોઈ પકાવવા માટે વિવિધ તેલનો ઉપયોગ કરવો જરૂરી છે. રસોઈ માટે વપરાતા તેલમાં મોનો અનસેચ્યુરેટેડ ફેટ તથા પૉલી અનસેચ્યુરેટેડ ફેટનું પ્રમાણ સરખું જળવાઈ રહે તેનું ધ્યાન રાખવું. પૉલી અનસેચ્યુરેટેડ બે ભાગમાં હોય છે. એક ઓમેગા ૩ તથા ઓમેગા ૬. તેના સેવનથી લોહીમાં કૉલેસ્ટ્રોલનું સ્તર ઘટે છે. તેમજ આવશ્યક ફેટી એસિડસ અને વિટામિન પ્રદાન કરે છે. બંને હૃદયની તંદુરસ્તી જાળવી રાખવામાં અગત્યની ભૂમિકા ભજવે છે. જે ખાસ કરીને સફોલા, કનોલા સનફ્લાવર જેવા તેલમાંથી મળે છે. મોનો અનસેચ્યુરેટેડ ફેટ ઑલિવ ઓઈલ, રાઈસ બ્રાન તથા સરસિયું-મગફળીના તેલમાંથી મળી રહે છે.

Also read: મહાન ભારતમાં ખેલાશે મહાભારત

જે હૃદયને વિવિધ બિમારીથી બચાવે છે.   હાર્વર્ડ યુનિવર્સિટીની ટીએચ ચૈન સ્કૂલ ઑફ પબ્લિક હેલ્થ દ્વારા કરવામાં કરવામાં આવેલાં સંશોધનમાં જાણવા મળ્યું છે કે નાળિયેરનું તેલ શરીરમાં લૉ ડેન્સિટી લિપોપ્રોટીન (એલડીએલ)ની માત્રામાં વધારો કરે છે. જેનો સીધો સંબંધ હાર્ટ ઍટેક સાથે છે. નાળિયેર તેલમાં હાઈ ડેન્સિટી લિપોપ્રોટીન (એચડીએલ) હોય છે. જે એલડીએલને લોહીમાંથી બહાર કાઢે છે. આમ નિષ્ણાતોના મતે જે તેલમાં સંતૃપ્ત ચરબીનું પ્રમાણ ઓછું હોય છે  તે જ તેલ રસોઈ માટે સારું હોય છે. તેલના ઉપયોગની માત્રા મર્યાદિત રાખવી જરૂરી છે. 

લીલી ફણસી-ગાજર-તલ તથા તલના તેલનું સલાડ

સામગ્રી : ૧૦-૧૨ નંગ ફણસી, ૧ મોટું ગાજર, ૧ ચમચી મરી પાઉડર, ૧ ચમચી લીંબૂનો રસ,  સ્વાદાનુસાર મીઠું, ૧ ચમચી શેકેલા તલ, ૧ ચમચી તલનું તેલ, સજાવટ માટે કોથમીર. બનાવવાની રીત : સૌ પ્રથમ ફણસીને બરાબર સાફ કરીને પ્રત્યેક ફણસીના બે ટૂકડાં કરી લેવાં. તેની ઉપર મીઠું રગદોળી લેવું. ગાજરને સાફ કરીને તેની લાંબી ચીરી કરી લેવી. ફણસી તથા ગાજરને વરાળથી ૫-૭ મિનિટ માટે બાફી લેવા. ત્યારબાદ એક વઘારીયામાં તલનું તેલ ગરમ કરવું. તેમાં ૧ ચમચી તલ નાખીને બરાબર હલાવી લેવું. બાફેલી ફણસી તથા ગાજરને એક મોટા બાઉલમાં કાઢી લેવું. તેની ઉપર તલનું એક ચમચી તેલ  મિક્સ કરવું.  મરી પાઉડર ભભરાવી. લીંબુનો રસ નાખ્યા બાદ બરાબર મીક્સ કરી લેવું. કોથમીરથી સજાવીને સલાડનો આનંદ માણવો.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button