નવી દિલ્હીઃ શું સરકાર કોઈની અંગત મિલકત લોકકલ્યાણ માટે લઈ શકે ? આ મામલે સુપ્રીમ કોર્ટનો(Supreme Court)નિર્ણય આવ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે દરેક ખાનગી સંપત્તિને સામુદાયિક સંપત્તિ ન કહી શકાય. જાહેર હિતમાં ખાનગી મિલકતની સમીક્ષા થવી જોઈએ. સુપ્રીમ કોર્ટની બેન્ચે બહુમતી મતથી અગાઉના આદેશને રદ કર્યો છે.
સુપ્રીમ કોર્ટે આપ્યો આ ચુકાદો
મુખ્ય ન્યાયાધીશે બહુમતી નિર્ણયમાં નિર્ણય લીધો છે કે દરેક ખાનગી મિલકતને સામુદાયિક ભૌતિક સંસાધનો ગણી શકાય નહીં. સરકાર માત્ર અમુક સંસાધનોને સામુદાયિક સંસાધન તરીકે ગણી શકે છે અને તેનો ઉપયોગ જાહેર લાભ માટે કરી શકે છે તમામ સંસાધનોનો નહીં.
સુપ્રીમ કોર્ટની બેન્ચે બહુમતીથી જસ્ટિસ ક્રિષ્ના અય્યરના અગાઉના ચુકાદાને ફગાવી દીધો હતો જેમાં કહેવામાં આવ્યું હતું કે ખાનગી માલિકીના તમામ સંસાધનો રાજ્ય દ્વારા હસ્તગત કરી શકાય છે. આ મામલે સુપ્રીમ કોર્ટે કહ્યું કે 1960 અને 70ના દાયકામાં સમાજવાદી અર્થવ્યવસ્થા તરફ ઝોક હતો. પરંતુ 1990ના દાયકાથી બજાર લક્ષી અર્થવ્યવસ્થા તરફ ધ્યાન કેન્દ્રિત કર્યું.
દરેક મિલકતને સામુદાયિક સંસાધન કહી શકાય
સુપ્રીમ કોર્ટે કહ્યું કે, ભારતની અર્થવ્યવસ્થાની દિશા કોઈપણ ખાસ પ્રકારની અર્થવ્યવસ્થાથી અલગ છે. તેના બદલે, તેનો ઉદ્દેશ વિકાસશીલ દેશના ઉભરતા પડકારોનો સામનો કરવાનો છે. નિર્ણયમાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે છેલ્લા 30 વર્ષમાં ગતિશીલ આર્થિક નીતિ અપનાવીને ભારત વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર બની ગયું છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે તે ન્યાયમૂર્તિ ઐયરની ફિલસૂફી સાથે સહમત નથી કે ખાનગી વ્યક્તિઓની મિલકત સહિત દરેક મિલકતને સામુદાયિક સંસાધન કહી શકાય.
આ પણ વાંચો…..કેનેડામાં ખાલિસ્તાન વિરુદ્ધ વિરોધ પ્રદર્શન, ભારતીયોએ દેખાડી દેશભક્તિ
સુપ્રીમ કોર્ટના 9 જજોની બંધારણીય બેન્ચે ચુકાદો આપ્યો
આ નિર્ણય સુપ્રીમ કોર્ટના 9 જજોની બંધારણીય બેન્ચે આપ્યો છે. ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ, જસ્ટિસ હૃષિકેશ રોય, જસ્ટિસ બીવી નાગરત્ના, જસ્ટિસ સુધાંશુ ધૂલિયા, જસ્ટિસ જેબી પારડીવાલા, જસ્ટિસ મનોજ મિશ્રા, જસ્ટિસ રાજેશ બિંદલ, જસ્ટિસ સતીશ ચંદ્ર શર્મા અને જસ્ટિસ ઑગસ્ટિન જ્યોર્જ મસીહની બંધારણીય બેંચે આ ચુકાદો આપ્યો છે.