ડૉલર સામે રૂપિયો ચાર પૈસા ઘટીને નવા તળિયે
મુંબઈ: સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં નરમાઈ, વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં અવિરત વેચવાલીનું દબાણ અને વિશ્ર્વ બજારમાં બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં તેજીનું વલણ રહેતાં આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં સત્રના અંતે ડૉલર સામે રૂપિયો ચાર પૈસા તૂટીને ૮૪.૧૧ના નવાં તળિયે બંધ રહ્યો હતો. જોકે, આજે વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈનું વલણ રહ્યું હોવાથી ગબડતાં રૂપિયાને અમુક અંશે ટેકો મળ્યો હોવાનું ફોરેક્સ ટ્રેડરોએ જણાવ્યું હતું. આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગત ગુરુવારના ૮૪.૦૭ના બંધ સામે ભાવ ટૂ ભાવ ૮૪.૦૭ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં ૮૪.૧૨ અને ઉપરમાં ૮૪.૦૬ની રેન્જમાં અથડાઈને અંતે આગલા બંધ સામે ચાર પૈસાના ઘટાડા સાથે ૮૪.૧૧ના મથાળે બંધ રહ્યો હતો. ગત શુક્રવારે સ્થાનિક બજાર દિવાળી નિમિત્તે સત્તાવાર ધોરણે બંધ રહી હતી. એકંદરે ઈક્વિટી માર્કેટમાં નરમાઈ ઉપરાંત વિદેશી સંસ્થાકીય રોકાણકારોની અવિરત વેચવાલીને કારણે ડૉલર સામે રૂપિયો દબાણ હેઠળ આવી રહ્યો હોવાનું બીએનપી પારિબાસના વિશ્ર્લેષક અનુજ ચૌધરીએ જણાવતા ઉમેર્યું હતું કે ગત શુક્રવારે અમેરિકાના નોન ફાર્મ પૅ રૉલ ડેટા અને ઑક્ટોબર મહિનાના ઉત્પાદનના ડેટા નબળાં આવ્યા હોવાથી ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈનું વલણ રહેતાં રૂપિયો વધુ ગબડતો અટક્યો હતો. આગામી ટૂંકા સમયગાળા દરમિયાન ડૉલર સામે રૂપિયો ૮૩.૯૫થી ૮૪.૩૦ની રેન્જમાં અથડાતો રહે તેવી શક્યતા તેમણે વ્યક્ત કરી હતી. આજે વિશ્ર્વ બજારમાં બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ આગલા બંધ સામે ૨.૬૩ ટકાના ઉછાળા સાથે બેરલદીઠ ૭૫.૦૨ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હોવાથી તેમ જ સ્થાનિક સ્તરે બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં અનુક્રમે ૯૪૧.૮૮ પૉઈન્ટનો અને ૩૦૯ પૉઈન્ટનો બોલાયેલો કડાકો અને ગત શુક્રવારે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં રૂ. ૨૧૧.૯૩ કરોડની વેચવાલી રહી હોવાથી રૂપિયો દબાણ હેઠળ રહ્યો હતો.