(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: સંવત ૨૦૮૦માં રોકાણકારોને બખ્ખાં કરાવ્યા બાદ નવી સંવતના મુહૂર્તના સોદામાં તેજીનો ચમકારો બતાવ્યા બાદ વર્ષના સત્તાવાર પહેલા જ સત્રમાં મંદીના ભડાકા બોલાવીને શેરબજારે રોકાણકારોની દિવાળીની મજા બગાડી નાંખી હતી. નિષ્ણાતો અનુસાર આ માટે સાત કારણો જવાબદાર છે જેમાં અમેરિકાની ચૂંટણી અને ફેડરલની કોમેન્ટ્રીની ચિંતા, કોર્પોરેટ ક્ષેત્રના નબળા પરિણામ, એફઆઇઆઇની વેચવાલી, ક્રૂડ ઓઇલના ભાવ, ચીનના સ્ટિમ્યુલસ પેકેજ અને ઊંચા વેલ્યુએશન્સને કારણે પ્રોફિટ બુકિંગનો સમાવેશ છે.
અમેરિકાની ચૂંટણીને લગતી અનિશ્ર્ચિતતા વચ્ચે ગ્લોબલ ઇક્વિટી માર્કેટની પીછેહઠ સાથે સ્થાનિક શેરબજારમાં હિંદુ નવા વર્ષના પહેલા દિવસે મંદીનો ધડાકો થયો હતો અને સત્રને અંતે સેન્સેક્સ ૯૪૧.૮૮ પોઇન્ટ અથવા તો ૧.૧૮ ટકાના કડાકા સાથે ૭૮૭૮૨.૨૪ પોઇન્ટની સપાટીએ સેટલ થયો હતો. સત્ર દરમિયાન બેન્ચમાર્ક ૧૪૯૧.૫૨ પોઇન્ટના કડાકા સાથે ૭૮,૨૩૨.૬૦ની નીચી સપાટીએ પટકાયો હતો. આમ સત્ર દરમિયાન બેન્ચમાર્ક નીચી સપાટીથી ૫૦૦ પોઇન્ટ પાછો ફર્યો હોવાથી માર્કેટ કેપનું ધોવાણ આઠ લાખ કરોડથી ઘટીને રૂ. છ લાખ કરોડ સુધી પહોંચ્યું છે. એ જ રીતે, નિફ્ટી ૩૦૯ પોઇન્ટ અથવા તો ૧.૨૭ ટકાના કડાકા સાથે ૨૩,૯૯૫.૩૫ની સપાટીએ સ્થિર થયો હતો.
અદાણી પોર્ટ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, સન ફાર્મા, એનટીપીસી, બજાજ ફિનસર્વ, ટાટા મોટર્સ, એક્સિસ બેન્ક અને ટાઇટન મેજર લુઝર રહ્યાં હતાં. જ્યારે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ટેક મહિન્દ્રા, સ્ટેટ બેન્ક, એચસીએલ ટેકનો, ઇન્ફોસિસ અને ઇન્ડ્સઇન્ડ બેન્ક ટોપ ગેઇનર રહ્યાં હતાં. એફકોન ઇન્ફ્રાનો શેર તેના ઇશ્યૂભાવ સામે આઠ ટકાના ડિસ્કાઉન્ટ સાથે લિસ્ટેડ થયો હતો જોકે પાછળથી બે ટકાના સુધારા સાથે બંધ થયો હતો.
હીરો મોટોકોર્પે તહેવારોની મોસમમાં વાહનોના વેચાણમાં ૧૩ ટકાનો વધારો નોંધાવ્યો છે. એસએઆર (સાર) ટેલિવિન્ચર લિમિટેડે ભારતની અગ્રણી ટેલિકોમ સર્વિસ પ્રોવાઇડર, મિશન ક્રિટિકલ કનેક્ટિવિટી અને ક્લાઉડ સોલ્યુશન્સ કંપની, તિકોના ઇન્ફિનેટ પ્રાઇવેટ લિમિટેડમાં ૯૧ ટકા હિસ્સો હસ્તગત કર્યા છે. ઉપરોક્ત કંપનીઓના કરારોની શરતો અનુસાર ટેલિવેન્ચર લિમિટેડ રૂ. ૬૬૯.૦૪ કરોડમાં તિકોના ઇન્ફિનેટનો કુલ ૯૧ ટકા હિસ્સો હસ્તગત કરશે. આ સોદોે પૂર્ણ થયા પછી, તિકોના ઇન્ફિનેટ, સાર ટેલિવેન્ચર લિમિટેડની નોંધપાત્ર પેટાકંપની બની જશે.
એકમે સોલાર હોલ્ડિંગ્સ રૂ. ૨,૯૦૦ કરોડના બુક બિલ્ટ ઇશ્યુ સાથે છઠી નવેમ્બરે મૂડીબજારમાં પ્રવેશી રહી છે, જેમાં રૂ. ૨,૩૯૫ કરોડની ફ્રેશ ઇક્વિટી અને રૂ. ૫૦૫ કરોડની ઓએફએસનો સમાવેશ છે. છે. ભરણું આઠમી નવેમ્બરે બંધ થશે, પ્રાઇસ બેન્ડ રૂ. ૨૭૫થી રૂ. ૨૮૯ પ્રતિ શેર છે. અરજી માટે લઘુત્તમ લોટ સાઈઝ ૫૧ શેર છે.
એક્સાઇડ ઇન્ડસ્ટ્રીઝે બીજા ક્વાર્ટરમાં ૧૩.૬૬ ટકાના ઘટાડા સાથે રૂ. ૨૩૩.૪૦ કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે. નીવા બુપા હેલ્થ ઇન્સ્યોરન્સ સાતમી નવેમ્બરે રૂ. ૨,૨૦૦ કરોડના આઇપીઓ સાથે મૂડાબજારમાં પ્રવેશી રહી છે. કંપનીએ પ્રાઇસ બેન્ડ રૂ. ૭૦થી રૂ. ૭૪ નક્કી કરી છે અને ભરણું ૧૧મી નવેમ્બરે બંધ થશે. ભરણામાં ફ્રેશ ઇક્વિટીનો હિસ્સો રૂ. ૮૦૦ કરોડનો અને ઓફર ફોર સેલનો હિસ્સો રૂ. ૧૪૦૦ કરોડનો છે.
વિશ્ર્વબજારના નરમ સંકેત અને કોર્પોરેટ સેકટરની નબળી કામગીરીથી ખરડાયેલા માનસ વચ્ચે સ્થાનિક શેરબજારમાં પણ નવા વર્ષના પહેલા દિવસે આખલો કડાકાભેર પટકાયો હતો. ભારતીય બેન્ચમાર્ક ઇક્વિટી સૂચકાંકો સેન્સેક્સ અને નિફ્ટીએ સોમવારે નીચા મથાળે સત્રની શરૂઆત કરી હતી. બેન્કિંગ, નાણાકીય અને આઇટી શેરોમાં જોરદાર વેચવાલી જોવા મળી હતી.
આગામી બે દિવસોમાં વૈશ્ર્વિક બજારોનું ધ્યાન યુએસ પ્રમુખપદની ચૂંટણી પર કેન્દ્રિત થશે અને ચૂંટણીના પરિણામોના પ્રતિભાવમાં નજીકના ગાળામાં અસ્થિરતા જોવા મળી શકે છે. જો કે, આ અલ્પજીવી હોવાની સંભાવના છે અને યુએસ ગ્રોથ, ફુગાવો અને ફેડરલની કાર્યવાહી જેવા આર્થિક ફંડામેન્ટલ્સ બજારના વલણને પ્રભાવિત કરશે. અમેરિકાની ચૂંટણીની ચિંતા વચ્ચે ભારતીય શેરબજારમાં પ્રારંભિક સત્રમાં જ ગણતરીની મિનિટોમાં ૧૫૦૦ પોઇન્ટ સુધીનો કડાકો અને નવેક લાખ કરોડ સુધીનું ધોવાણ જોવા મળ્યું હતું. આ પછી નીચા મથાળે ફંડોની લેવાલીનો ટેકો મળવાથી બજારને નીચી સપાટીથી સહેજ પાછાં ફરવામાં મદદ મળી હતી. સત્રને અંતે બજારે લગભગ ૬૦૦ પોઇન્ટનો ઘટાડો પચાવ્યો હોવાથી માર્કેટ કેપિટલના ધોવાણમાં પણ ઘટાડો થયો હતો અને અંતે તે રૂ. છ લાખ કરોડ જેવું રહ્યું હતું.
આ સત્રમાં બજારને પછાડનારા મુખ્ય પરિબળોમાં અમેરિકાની ચૂંટણી મુખ્ય રહી હતી. આગામી યુએસ પ્રેસિડેન્શિયલ ઇલેક્શન અને ફેડરલ રિઝર્વ દ્વારા વધારાના વ્યાજ દરમાં કાપની શક્યતાને કારણે ગ્લોબલ ઇક્વિટી માર્કેટનું સેન્ટિમેન્ટ ખરડાયું છે. ખાસ કરીને ઇમર્જિંગ માર્કેટ પર વધુ નકારાત્મક અસરની આશંકા ચર્ચાઇ રહી છે. વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઇઆઇ)ની એકધારી વેચવાલીને કારણે ડોલર સામે રૂપિયો ઓલટાઇમ લો સપાટીને અથડાયો હતો. આ ઉપરાંત ઈરાન અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધ ભીષણ બનવાની સંભાવના પણ બજારને ફટકો મારી રહી છે. આ તરફ ક્રૂડ ઓઇલનું ઉત્પાદન અને નિકાસ કરતાં દેશના સંગઠન, ઓપેકે ઉત્પાદન વધારો ડિસેમ્બર સુધી મોકૂફ રાખ્યો હોવાની જાહેરાત કરી હોવાથી ક્રૂડ ઓઇલના ભાવમાં સવારે બે ટકાથી મોટો ઉછાળો આવતા બજારમાં સાવચેતીનું માનસ સર્જાયુ હતું. બ્રેન્ટ ફયુચર્સમાં બેરલદીઠ ૧.૮૧ ડોલર અથવા તો ૨.૫ ટકાના ઉછાળા સાથે ક્રૂડ ૭૪.૯૧ ડોલરનો ભાવ બોલાયો હતો, જ્યારે યુએસ ટેક્સાસ ઇન્ટરમિડિએટ ક્રૂડ ૧.૮૬ ડોલર અથવા તો ૨.૭૦ ટકાના ઉછાળા સાથે ૭૧.૩૫ ડોલર પ્રતિ બેરલ બોલાયું હતું.
અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણીમાં આ વખતે રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ અને ડેમોક્રેટિ પાર્ટીના ઉમેદવાર કમલા હેરિસ વચ્ચે યુએસના પ્રેસિડેન્ટ માટે ચૂંટણી જંગ થવાની છે. અમેરિકાની રાષ્ટ્રપતિ ચૂંટણીના પરિણામની ભારતીય અર્થતંત્ર પર ઉંડી અસર જોવા મળી શકે છે. કમલા હેરિસ જીતી તો અમેરિકા તરફથી વધારે ઉદાર વલણ જોવા મળશે. રિઝર્વ બેંક પણ વ્યાજદર ઘટાડવા પ્રેરિત થશે. જો ડોનાલ્ડ ટ્રમ્પ જીતે તો ભારત અને યુએસમાં રહેતા ભારતીયો માટે મુશ્કેલી ઉભી થઇ શકે છે. અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી બાદ સાતમી નવેમ્બરે યુએસ ફેડ રિઝર્વની મોનેટરિ પોલિસીની પરિણામ જાહેર થશે. યુએસ ફેડ રિઝર્વ બેંક વધુ એક રેટ કટ કરશે તેવી ધારણા છે. આ વખતે વ્યાજદર ૦.૨૫ ટકા ઘટવાની અપેક્ષા છે. અમેરિકાની આ બંને ઘટના પર સમગ્ર દુનિયાની નજર છે.