મહારાષ્ટ્રના ડીજીપીની બદલીઃ શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરેએ શું કહ્યું?
મુંબઈ: મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી નજીકમાં છે ત્યારે રાજ્યના ડીજીપીની તાત્કાલિક બદલી કરવાના ચૂંટણી પંચના નિર્ણયની રાજકીય પ્રતિક્રિયાઓ મળી હતી. રાજ્યના ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ (ડીજીપી) રશ્મિ શુક્લાની તાત્કાલિક બદલી કરવા સોમવારે નિર્દેશ આપવાના ચૂંટણી પંચના પગલાને એનસીપી (એસપી)ના પ્રમુખ શરદ પવાર અને એમવીએના તેમના સાથી પક્ષો શિવસેના (યુબીટી) અને કોંગ્રેસે આવકાર્યો છે. રાજકીય પક્ષોની ફરિયાદોને પગલે આ નિર્ણય લેનાર ચૂંટણી પંચે મહારાષ્ટ્રના મુખ્ય સચિવને શુક્લાની જવાબદારી સૌથી વરિષ્ઠ આઈપીએસ અધિકારીને સોંપવાનો નિર્દેશ આપ્યો હતો.
શરદ પવારે જણાવ્યું હતું કે ‘ચૂંટણી પંચનો નિર્ણય યોગ્ય છે. આવી વ્યક્તિઓએ પદ પર ન રહેવું જોઈએ. તેમને આ પદ પર જાળવી રાખી મુદત વધારી આપવી અયોગ્ય હતું. ચૂંટણી પંચનો તેમને દૂર કરવાનો નિર્ણય આવકારદાયક છે. રાજ્યમાં તેમનો કાર્યકાળ અગાઉ જ સમાપ્ત થઈ ગયો હતો.’
આ પણ વાંચો : છેલ્લી ઘડીએ બળવાખોરોને ઉદ્ધવ ઠાકરેએ શું આપ્યું અલ્ટિમેટમ, જાણો?
શિવસેના (યુબીટી)ના નેતા ઉદ્ધવ ઠાકરેએ પણ શુક્લા પર ચૂંટણી પંચના નિર્ણયને આવકાર્યો હતો. નાગપુરમાં પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ નાના પટોલેએ જણાવ્યું હતું કે વિપક્ષી રાજકારણીઓના ફોન ટેપ કરવામાં રશ્મિ શુક્લની કથિત ભૂમિકાને ટાંકી શુક્લાની બદલીની માંગ માટે ત્રણ વખત તેમના પક્ષે ચૂંટણી પંચનો સંપર્ક કર્યો હતો. શુક્લાને ચૂંટણી સંબંધિત કોઈ પણ પ્રકારની ફરજ સોંપવામાં ન આવે એની તકેદારી રાખવા પણ તેમણે ચૂંટણી પંચને જણાવ્યું હતું.
મરાઠા આરક્ષણના આંદોલનકારી મનોજ જરાંગેના 20 નવેમ્બરે યોજાનારી વિધાનસભાની ચૂંટણીથી દૂર રહેવાના નિર્ણય વિશે પવારે કહ્યું હતું કે મહા વિકાસ અઘાડી (એમવીએ)માંથી કોઈને પણ જરાંગેના નિર્ણય સાથે કોઈ લેવાદેવા નથી.
પવારે જણાવ્યું હતું કે ‘મનોજ જરાંગેએ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાંથી ખસી જવાનો નિર્ણય લીધો છે એ સારી વાત છે. જો તેમણે પ્રચાર ચાલુ રાખ્યો હોત તો તેનાથી અજાણતાં જ ચૂંટણી પ્રક્રિયામાં ભાજપને ફાયદો થઈ શક્યો હોત. એટલે અમે તેમના નિર્ણયને હૃદયપૂર્વક આવકારીએ છીએ.’
(પીટીઆઈ)