By Election: રાજસ્થાનમાં ભજનલાલની સરકાર માટે અગ્નિપરીક્ષા?
જયપુરઃ રાજસ્થાન વિધાનસભાની આગામી પેટાચૂંટણી ભાજપ (ભારતીય જનતા પાર્ટી)ની આગેવાની હેઠળની રાજ્ય સરકાર માટે એક નિર્ણાયક અને અગ્નિપરીક્ષા હશે. આ સરકાર આવતા મહિને તેના કાર્યકાળનું એક વર્ષ પૂર્ણ કરશે. ગયા વર્ષે ડિસેમ્બરમાં સત્તામાં આવ્યાના એક મહિનામાં જ ભાજપ કરણપુર વિધાનસભા બેઠક હારી ગઇ હતી.
પાર્ટી માટે બીજી શરમજનક બાબત એ હતી કે સામાન્ય ચૂંટણીમાં રાજ્યની ૨૫માંથી ૧૧ લોકસભા બેઠક પર હારનો સામનો કરવો પડ્યો હતો.
૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં તમામ બેઠકો ભાજપના ખાતામાં ગઇ હતી. આ પરિણામોએ મુખ્ય પ્રધાન ભજનલાલ શર્માના પ્રદર્શન પર પ્રશ્નાર્થ ચિહ્ન મૂક્યું છે. જેઓ પહેલીવાર ધારાસભ્ય બન્યા છે અને પાર્ટી હાઇકમાન્ડે વસુંધરા રાજે, ગજેન્દ્ર સિંહ શેખાવત, દીયા કુમારી અને કિરોરી લાલ મીના જેવા અગ્રણી નેતાઓની સરખામણીએ પસંદ કર્યા હતા.
૧૩ નવેમ્બરે યોજાનારી પેટાચૂંટણી રાજસ્થાન ભાજપ અધ્યક્ષ મદન રાઠોડ માટે પણ પ્રથમ કસોટી હશે, જેમણે જૂનમાં લોકસભા ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ પાર્ટીની કમાન સંભાળી હતી.
રાજ્યમાં જે સાત બેઠકો પર ચૂંટણી યોજાવાની છે, તેમાં ઝુંઝુનુ, દૌસા, દેવલી-ઉનિયારા, ખિંવસર, ચૌરાસી, સલૂમ્બર અને રામગઢનો સમાવેશ થાય છે. તેમાંથી ચાર બેઠકો કોંગ્રેસ પાસે છે, જ્યારે એક-એક બેઠક ભાજપ, ભારત આદિવાસી પાર્ટી (બીએપી) અને રાષ્ટ્રીય લોકતાંત્રિક પાર્ટી (આરએલપી) પાસે છે. પેટાચૂંટણીના પરિણામો ૨૩ નવેમ્બર જાહેર થશે.
આપણ વાંચો: રાજસ્થાન વિધાનસભાની ચૂંટણીઃ કોંગ્રેસ બહાર પાડશે આ તારીખે પહેલી યાદી
ચૂંટણી પ્રચાર દરમિયાન શર્મા અને અન્ય ભાજપ નેતાઓએ અનેક રેલીઓને સંબોધિત કરી હતી. રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવેલા કાર્યો વિશે વાત કરી અને કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતું. રાજસ્થાનમાં બે ધારાસભ્યોના નિધન અને પાંચ લોકસભા માટે ચૂંટાયા બાદ પેટાચૂંટણી જરૂરી બની ગઇ હતી.
હાલમાં ૨૦૦ બેઠકની વિધાનસભામાં ભાજપના ૧૧૪ સભ્યો, કોંગ્રેસના ૬૫, ભારત આદિવાસી પાર્ટીના ૩, બહુજન સમાજ પાર્ટીના ૨ અને રાષ્ટ્રીય લોક દળનો એક સભ્ય છે. જ્યારે ૮ અપક્ષ સભ્યો છે.
બે વિચારધારા વચ્ચેની ટક્કરઃ સચિન પાયલટ
આપણ વાંચો: રાજસ્થાન વિધાનસભાની ચૂંટણી પહેલાં ભાજપમાં મોટો વિવાદ: આ મોટા નેતા થયા સસ્પેન્ડ
કોંગ્રેસના નેતા સચિન પાયલોટે આજે કહ્યું કે રાજ્યમાં યોજાનારી પેટાચૂંટણી બે વિચારધારાઓ વચ્ચેની હરીફાઈ છે અને કોંગ્રેસ તમામ સાત બેઠક જીતશે. તેઓ દૌસા વિધાનસભા મતવિસ્તારના કોંગ્રેસના ઉમેદવાર દીનદયાળ બૈરવાના સમર્થનમાં કુંડલ ખાતે ચૂંટણી રેલીને સંબોધિત કરી રહ્યા હતા.
તેમણે કહ્યું હતું કે અમારી કોઈની સાથે કોઈ અંગત દુશ્મની નથી અને આ ચૂંટણી કોઈ એક જાતિ કે અન્ય વિશે નથી. આ ચૂંટણી વિચારધારાની ચૂંટણી છે, બે પક્ષોની ચૂંટણી છે અને દૌસાને કોણ વધુ સારી રીતે સેવા આપી શકે છે તેની ચૂંટણી છે.
બાદમાં પત્રકારો સાથે વાત કરતાં તેમણે કહ્યું કે, “આ ચૂંટણી બે વિચારધારાઓ વચ્ચેની ચૂંટણી છે. રાજકીય પક્ષોની ચૂંટણી છે. તેમણે આરોપ લગાવ્યો હતો કે કેન્દ્રની ભાજપ સરકારે ૧૦ વર્ષમાં લોકો સાથે જે દગો કર્યો છે તે લોકો જોઈ રહ્યા છે.