કૅનેડા આતંકવાદને પોષે છે ને આપણે ચૂપ કેમ?
એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ
ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજજરની હત્યા માટે કેનેડાએ ભારતને દોષિત ગણાવ્યું એ પછી ભારત અને કેનેડાના સંબંધો વણસ્યા છે. કેનેડાના નેતાઓ દ્વારા થઈ રહેલી નિવેદનબાજીના કારણે ભારત અને કેનેડાના સંબંધોમાં સતત ખટાશ વધી રહી છે ત્યારે કેનેડાએ નવો પલિતો ચાંપ્યો છે અને તેનો ઈરાદો ભારત સાથેના સંબંધોમાં સુધારો લાવવાનો જરાય નથી તેનો સ્પષ્ટ સંકેત આપી દીધો છે.
કૅનેડાએ કૅનેડામાં ખાલિસ્તાનીઓ સામેની કાર્યવાહી પાછળ ગૃહમંત્રી અમિત શાહનો હાથ હોવાનો દાવો કર્યો છે અને વાત એટલેથી પતી નથી. કેનેડાએ સત્તાવાર રીતે સંસદમાં થતી દિવાળીની ઉજવણી પણ રદ કરી છે. દિવાળીની ઉજવણી રદ કરીને કેનેડાની જસ્ટિન ટ્રુડો સરકારે હિંદુ વિરોધી માનસિકતા છતી કરી છે. આ હોળી વચ્ચે કૅનેડામાં ફરી હિંદુ મંદિર પર હુમલો થયો અને ખાલિસ્તાનવાદીઓએ હિંદુ શ્રદ્ધાળુઓને ફટકાર્યા તેની સામે કૅનેડાની સરકારે કશું કર્યું નથી. શીખ કટ્ટરવાદીઓ તથા ખાલિસ્તાનીઓને ખુશ રાખવા કૅનેડાની જસ્ટિન ટ્રુડો સરકાર હિંદુ વિરોધી વલણ અપનાવી રહી છે તેનો આ સ્પષ્ટ સંકેત છે.
કેનેડાના સંબંધો ભારત સરકાર સાથે બગડ્યા તેની અસર દિવાળીની ઉજવણી પર પડી છે. ભારત સેક્યુલર દેશ છે, હિંદુ રાષ્ટ્ર નથી ને દિવાળી માત્ર ભારતના જ નહીં પણ દુનિયાભરના તમામ હિંદુઓનો તહેવાર છે. બલકે માત્ર હિંદુઓનો જ નહીં પણ તમામ ભારતીયોનો તહેવાર છે. ભારતમાં રહેતા ને ભારતની બહાર રહેતા તમામ ભારતીયો દિવાળીની ઉજવણી કરે છે ત્યારે કૅનેડાએ ભારતીયોની લાગણીનું માન રાખવું જોઈતું હતું. તેના બદલે કૅનેડાની સંસદ પાર્લામેન્ટ હિલમાં દિવાળીની ઉજવણી રદ કરવામાં આવી. ભારત સાથે ચાલી રહેલા રાજદ્વારી ખટરાગના કારણે હિંદુ ઘર્મના સૌથી મોટા તહેવાર દિવાળીની ઉજવણી રદ કરવામાં આવી એ કેનેડાની સંકુચિત માનસિકાતનો પુરાવો છે.
કૅનેડામાં દર વરસે ઓવરસીઝ ફ્રેન્ડ્સ ઓફ ઈન્ડિયા કૅનેડા (ઓએફઆઈસી) દ્વારા પાર્લામેન્ટ હિલ ખાતે દિવાળીનો સમારોહ યોજવામાં આવે છે. આ વખતે પણ કાર્યક્રમ યોજાયેલો પણ છેલ્લી ઘડીએ રદ કરવો પડ્યો કેમ કે કોઈ નેતા હાજર રહેવા તૈયાર નહોતો. જસ્ટિન ટ્રુડોની સરકારના મંત્રી તો શીખોના પગોમાં આળોટી રહ્યા છે તેથી એ લોકો પાસે અપેક્ષા નહોતી પણ કેનેડિયન વિપક્ષી નેતા પિયર પોઈલીવરે પણ પીછેહઠ કરીને આ કાર્યક્રમમાંથી ખસી જવાનો નિર્ણય લીધો, તેના પગલે હિંદુ સમુદાયના વિરોધનો સામનો કર્યા પછી તેમણે આ કાર્યક્રમ રદ નથી કરાયો પણ તેનું સ્થળ અને સમય બદલાયા છે એવો લૂલો બચાવ કર્યો પણ તેનો મતલબ નથી.
કૅનેડાનું વલણ ભારતીયો ને ખાસ તો હિંદુઓ માટે સ્પષ્ટ સંકેત છે કે, કૅનેડાના રાજકારણીઓની પ્રાયોરિટી શીખો છે અને તેમને ખુશ રાખવા માટે હિંદુઓને કોરાણે મૂકી દેવામાં પણ તેમને વાંધો નથી. આ પહેલાં હિંદુ મંદિરો પરના હુમલા દરમિયાન પણ આ માનસિકતા છતી થઈ જ હતી. હવે હિંદુઓના સૌથી મોટા તહેવારની ઉજવણી મુદ્દે આ માનસિકતા છતી થઈ છે. કૅનેડામાં જઈને વસેલા હિંદુઓ તો પૈસાને ખાતર દેશ છોડીને ગયા છે તેથી તેમની પાસેથી કોઈ અપેક્ષા ના રખાય પણ કમનસીબે આ દેશના હિંદુઓ કરોડરજજુવિનાના છે ને તેમના નેતા તો સાવ જ નપાણિયા છે. આ દેશના હિંદુઓને આ બધી વાતોથી કોઈ ફરક પડતો નથી ને લાળ ટપકાવતા ને પૂંછડી પટપટાવતા કેનેડા તરફ ભાગી રહ્યા છે.
આ દેશમાં હિંદુવાદી સરકાર છે તેણે સરકારી રાહે દિવાળીની ઉજવણી રદ કરવાની ઝાટકણી કાઢીને સંતોષ માન્યો છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે દિવાળીની ઉજવણી રદ કરવા અંગે કહી દીધું કે, કૅનેડામાં દિવાળીની ઉજવણી રદ કરવા સંબંધિત કેટલાક સમાચાર સાંભળ્યા છે અને ખૂબ જ દુ:ખદ વાત કહેવાય કે ત્યાંનું વાતાવરણ આ સ્તરે પહોંચી ગયું છે. હિંદુવાદીઓ તો બાંગ્લાદેશમાં હિંદુઓ પર થયેલા અત્યાચાર વખતે પણ બે પગ વચ્ચે પૂંછડી દબાવીને બેઠા હતા ને અત્યારે પણ એમ જ બેઠા છે.
કૅનેડાએ ભારતના ગૃહ મંત્રી અમિત શાહ ખાલિસ્તાનવાદીઓની હત્યામાં સંડોવાયેલા હોવાનો આક્ષેપ કર્યો એ મુદ્દે પણ આપણું વલણ એવું જ છે. કૅનેડાના નિવેદન સામે ભારતે વાંધો ઉઠાવ્યો ને વિદેશ મંત્રાલયે કેનેડિયન હાઈ કમિશનના અધિકારીને ૧ નવેમ્બરે બોલાવીને ખુલાસો કરવા કહી દીધું તેમાં વાત પતી ગઈ.
વાસ્તવમાં ભારતે ઈન્ટરનેશનલ કોર્ટમાં આ મુદ્દો ઉઠાવવો જોઈએ. યુનાઈટેડ નેશન્સ સહિતના સ્તરે પણ ભારતે તૂટી પડવું જોઈએ કેમ કે કેનેડા જે વાતો કરે છે એ અત્યંત ગંભીર છે. કેનેડાની સરકારના કોઈ મંત્રીએ ખુલ્લેઆમ ભારત સરકારના મંત્રીનું નામ લીધું હોય એવું પહેલી વાર બન્યું છે ને આપણે ચૂપ છીએ.
કૅનેડાના નાયબ વિદેશમંત્રી ડેવિડ મોરિસને ૨૯ ઓક્ટોબરે કૅનેડાની સંસદીય પેનલમાં બોલતાં દાવો કર્યો હતો કે અમિત શાહે કૅનેડામાં શીખ ખાલિસ્તાનીઓને નિશાન બનાવવાનો આદેશ આપ્યો હતો. આ વાત અમેરિકાનાં અખબારોમાં છપાઈ ને હોહા ચાલી રહી છે. મોરિસને જ આ વાત લીક કરેલી. મોરિસને ૨૯ ઓક્ટોબરે એ પણ સ્વીકાર્યું હતું કે તેમણે જ અમેરિકન અખબાર વોશિંગ્ટન પોસ્ટને અમિત શાહનું નામ જણાવ્યું હતું અને ભારત-કૅનેડા બેઠક સાથે જોડાયેલી માહિતી આપી હતી.
મોરિસન બે દેશો વચ્ચેની ખાનગી રાજદ્વારી વાતોને આંતરરાષ્ટ્રીય મીડિયામાં લઈ ગયા પણ તેમની પાસે તેના કોઈ પુરાવા નથી. મોરિસન એ સમજાવી શક્યા નથી કે અમિત શાહે ખાલિસ્તાનીઓને નિશાન બનાવવાનો આદેશ આપ્યો હતો તેની તેમને કેવી રીતે ખબર પડી. શાહે આદેશ આપેલો તેના કોઈ પુરાવા પણ તેમની પાસે નથી.
આ પહેલાં ૧૬ ઓક્ટોબરે કૅનેડાના પીએમ જસ્ટિન ટ્રુડોએ પણ સંસદીય કમિશન સમક્ષ કહ્યું હતું કે ગયા વર્ષે સપ્ટેમ્બર ૨૦૨૩માં તેમણે હરદીપ સિંહ નિજજરની હત્યામાં ભારતીય એજન્ટોની સંડોવણીનો આરોપ લગાવ્યો હતો ત્યારે તેમની પાસે માત્ર ગુપ્તચર માહિતી હતી પણ કોઈ નક્કર પુરાવા નહોતા. કૅનેડામાં પોલીસ અધિકારીઓએ પણ ૧૬ ઓક્ટોબરે આક્ષેપ મૂકેલો કે, લોરેન્સ ગ્રૂપ દ્વારા ખાલિસ્તાનીઓ અને દક્ષિણ એશિયાઈ મૂળના લોકોને નિશાન બનાવવામાં આવ્યા હતા.
કૅનેડા કોઈ પણ પુરાવા વિના ભારતને બદનામ કર્યા કરે છે ને આપણે રાજદ્વારીઓને તગેડીને સંતોષ માનીએ છીએ એ આઘાતજનક છે. કૅનેડા ભારતમાં હિંસા ફેલાવવા માગતા ખાલિસ્તાનવાદીઓને પોષી રહ્યું છે તેના પુરાવા આપણે આખી દુનિયા સામે મૂકવા જોઈએ ને કૅનેડા આતંકવાદને પોષી રહ્યું છે એ સાબિત કરવું જોઈએ. તેના બદલે આપણે નિવેદનો કરીને ને નાનાં નાનાં પગલાં ભરીને સંતોષ માની રહ્યા છીએ.ઉ